પાલનપુરમાં 1, વાવ 4, દિયોદર 3, ધાનેરા 1 અને થરાદ 2 નવા કેસ નોંધાયા
- બનાસકાંઠામાં વધુ 11 કેસ સાથે પોઝિટિવ કેસનો આંક 856 થયો
- જિલ્લામાં ગ્રામીણ વિસ્તારોમાં કોરોના સંક્રમણ વેગ પકડતા ફફડાટ
પાલનપુર, તા.01 ઓગસ્ટ 2020, શનિવાર
કોરોના પ્રકોપનો સામનો કરી રહેલા બનાસકાંઠા જિલ્લામાં વધુ ૧૧ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં પાલનપુરમાં ૧, વાવ ૪, દિયોદર ૩, ધાનેરા ૧ અને થરાદ ૨ નવા કેસ નોંધાયા છે. જેને લઈ જિલ્લામાં પોઝિટિવ કેસોનો આંક ૮૫૬ પર પહોંચતા વધી રહેલા કોરોના સંક્રમણને લઈ લોકોમાં ફફડાટ ફેલાયો છે.
બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઈરસનું સંક્રમણ બેકાબુ બની રહ્યું છે. જેમાં શહેરી વિસ્તાર બાદ ગ્રામીણ વિસ્તારોમાં કોરોના વાઈરસ વેગ પકડી રહ્યો હોય તેમ ગ્રામીણ વિસ્તારોમાં પોઝિટિવ કેસમાં વૃધ્ધિ થઈ રહી છે. જે વચ્ચે શનિવારે કોરોના સંક્રમિતના વધુ ૧૧ કેસ નોંધાયા છે. જેમાં પાલનપુર તાલુકાના ચંડીસરમાં ૨૬ વર્ષીય યુવક, વાવના ભાટવરમાં ત્રણ યુવક અને વાવમાં એક મહિલા, દિયોદર, દેલવાડા અને મીઠીપાલડીમાં એક એક, ધાનેરામાં યુવક વડગામના પસવાદળ અને દેતાલમાં એક એક મહિલાનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. જોકે આ વધુ ૧૧ કેસમાં મોટાભાગના સંક્રમિત ગ્રામ વિસ્તારના નોંધાયા છે. જેમાં ૮ પુરુષ અને ૩ મહિલા સંક્રમિત બનતા આરોગ્ય વિભાગ દ્વારા તેમની તપાસ શરૃ કરાઈ છે. જોકે પાલનપુરમાં પણ કોરોના વાઈરસને લઈ એક બાળરોગ તબીબ ડો. નિલેશ પટેલનું અમદાવાદમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. જ્યારે ગઢમાં કોરોનાનું સંક્રમણ રોકવા વદુ દશ દિવસ બપોર બાદ બજાર બંધ રાખવા અને પાલનપુરમાં તપોવન બ્રાહ્મણ યુવા સંગઠન દ્વારા રક્ષાબંધન પર્વે સામુહિક જનોઈનો કાર્યક્રમ મોકુફ રખાયો છે.
પાલનપુરના સેવાભાવી તબીબનું કોરોનાથી મોત
પાલનપુરમાં લોકડાઉન વચ્ચે પણ આરોગ્યની સેવા પુરી પાડનાર સેવાભાવી તબીબ ડો. નિલેશ પટેલ કોરોના વાઈરસથી સંક્રમિત બનતા તેમને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ૨૦ દિવસની સારવારના અંતે તેમનું નિધન થતા પાલનપુરના તબીબ આલમમાં શોકની લાગણી છવાઈ છે.
ગઢમાં વધુ દસ દિવસ બપોર બાદ બજાર બંધ રહેશે
પાલનપુર તાલુકાના ગઢ ગામમાં કોરોના સંક્રમણને રોકવા માટે ગ્રામ પંચાયતની અપીલને લઈ અગાઉ ૧૫ દિવસ માટે બપોર બાદ બજાર બંધ રહ્યું હતું. જેને લઈ ગામમાં કોઈ નવો કેસ ન નોંધાતા વેપારી મંડળ દ્વારા વધુ દશ દિવસ એટલે આગામી ૧૦ ઓગષ્ટ સુધી બપોરના ૩ વાગે લારી, ગલ્લા, દુકાન, પેઢી સહિતના વેપાર ધંધા બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
પાલનપુરમાં સામુહિક જનોઈ બદલવાનો કાર્યક્રમ મોકુફ
પાલનપુરમાં શ્રાવણ સુદ પુનમને રક્ષાબંધનના દિવસે તપોધન બ્રાહ્મમ યુવા સંગઠન દ્વારા સામુહિક જનોઈ બદલવાનો કાર્યક્રમ યોજવામાં આવે છે. પરંતુ હાલમાં કોરોના પ્રકોપને લઈ રક્ષાબંદન પર્વે યોજાતો સામુહિક જનોઈ બદલવાનો કાર્યક્રમ મોકુફ રખાયો છે અને ઘરે જ શાસ્ત્રોક્ત વિધિથી જનોઈ બદલવામાં આવશે.