Get The App

માઉન્ટઆબુમાં પવનના સુસવાટા વચ્ચે માઈનસ એક ડીગ્રી તાપમાનથી લોકો થીજી ગયા

- થોડીક રાહત બાદ ફરી શીતલહેર પ્રસરી

- નખી તળાવની આસપાસ બરફની આછી થરાટો જોવા મળી,સહેલાણીઓ, સ્થાનિકો તોબા પોકારી ઉઠયા

Updated: Jan 18th, 2020

GS TEAM

Google News
Google News
માઉન્ટઆબુમાં પવનના સુસવાટા વચ્ચે માઈનસ એક ડીગ્રી તાપમાનથી લોકો થીજી ગયા 1 - image

અમીરગઢ,તા. 17 જાન્યુઆરી 2020, શુક્રવાર

માઉન્ટઆબુમાં થોડાક વિરામ બાદ એકવાર ફરી શીતલહેર યથાવત રહેતા માયનસ એક ડીગ્રી તાપમાન નોંધાયું હતું. માયનસ તાપમાનમાં જોરદાર પવન ફુંકાતા લોકો તથા સહેલાણીઓ તોબા પોકારી ઉઠયા હતા.

પશ્ચિમ ભારત તથા રાજસ્થાનના એકમાત્ર હિલસ્ટેશન માઉન્ટઆબુમાં શિયાળાની ઋતુમાં તાપમાન ઠંડુગાર બની જતાં સતત તાપમાનનો પારો માયનસમાં જઈ રહ્યો છે. આ સિઝનમાં માયનસ ત્રણ ડીગ્રી જેટલુ નીચું તાપમાન નોંધાઈ ચુક્યું છે. જ્યારે ગુરૃશિખરમાં માયનસ પાંચ ડીગ્રી સુધી પહોંચેલ હતું. જેથી સમગ્ર માસ દરમિયાન માઉન્ટઆબુમાં બરફ છવાયેલો રહ્યો હતો. જેથી ઠંડીની મઝા માણવા માટે ગયેલા સહેલાણીઓ તથા સ્થાનિક રહીશો તોબા પોકારી ઉઠયા હતા. માઉન્ટઆબુના મુખ્ય આકર્ષણના કેન્દ્રબિંદુ નખી તળાવની આસપાસ બરફની આછી પરાતો છવાયેલી જોવા મળી હતી. તે ઉપરાંત પાણીના નળો તથા ગ્રાઉન્ડોમાં પણ બરફનુ સામ્રાજ્ય રહ્યું હતું. આ દિવસો દરમિયાન ત્યાંની તમામ ગતિવિધિઓ પર માઠી અસર વર્તાઈ હતી. પરંતુ માઉન્ટવાસીઓ તથા સહેલાણીઓએ થોડાક દિવસો સુધી રાહત મળતાં અચાનક તાપમાન ઉચકાતાં લઘુત્તમ આઠ ડીગ્રી સુધી નોંધાયું હતું. જેથી ઘણા દિવસો બાદ સુર્યદેવના દર્શન થયા હતા. પરંતુ ગત ગુરુવારની રાત્રિએ જોરદાર પવન ફુંકાયો હતો. જેમ ડુંગરોની કોતરોમાં વસેલી માઉન્ટઆબુમાં એકવાર ફરી ઠંડીનો કહેર જારી રહ્યો હતો. અને માયનસ એક ડીગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે ગુરૃ શિખરમાં માયનસ ત્રણ ડીગ્રી તાપમાન નોંધાયેલ હતું. જેથી માયનસ તાપમાન વચ્ચે ચાલતી શીતલહેરમાં સમગ્ર માઉન્ટઆબુ થીજી ગયું હતું. માઉન્ટઆબુની નીચેના ભાગમાં આવેલ બનાસકાંઠાના અમીરગઢમાં તેની સીધી અસર વર્તાતા રાત્રિ દરમિયાન જોરદાર પવન ફુંકાતા લોકો તોબા પોકારી ઉઠયા હતા.

Tags :