ઈકબાલગઢમાં ભારે ઉત્તેજના વચ્ચે પાકા દબાણો પર બુલઝોડર ફરી વળ્યું
- બે દિવસમાં 345 દબાણો દૂર કરવા ગ્રામ પંચાયત મક્કમઃ વર્ષો બાદ રસ્તાઓ ખુલ્લા થયા
અમીરગઢ, તા. 10 ફેબ્રુઆરી 2020, સોમવાર
ઈકબાલગઢમાં મુખ્ય ચર્ચામાં રહેલ દબાણનો મુદ્દો સત્તાધીશોના માથાના દુઃખાવા સમાન બની ગયેલ હતો. જે આ સમસ્યાનો અંત આણતા દરેક કાચા પાકા દબાણો પર બુલડોઝર ગ્રામ પંચાયત દ્વારા ફેરવી દબાણો દૂર કરવામાં આવતા દબાણકારોમાં દોડધામ મચી જવા પામી હતી. બે દિવસમાં ૩૪૫ દબાણો દૂર કરવામાં આવશે.
અમીરગઢ તાલુકાના મુખ્ય વેપારી મથકનું બિરૃદ પામનારા ઈકબાલગઢમાં બજારના દબાણોનો મુદ્દો ઘણા વર્ષોથી મુખ્ય ચર્ચામાં રહેલ છે. અરજદારો તથા દબાણદારો વચ્ચેના સમર્થકોના કારણે ગ્રામ પંચાયત ભીંસમાં આવતા અગાઉ ગ્રામ પંચાયતના સત્તાધીશો દ્વારા રાજીનામા પણ આપેલ છે પરંતુ હાલના સરપંચ તથા તમામ બોડી એકત્રિત થઈ દબામ પર અંકુશ આણવાનો નિર્ણય કરતાં આજે દબાણો દૂર કરાઈ રહ્યા છે. ઈકબાલગઢના પ્રવેશદ્વાર ફાટકથી લઈને સમગ્ર બજારના દબાણો દૂર કરવા માટે ગ્રામ પંચાયત દ્વારા જાહેર નોટીસ તથા માઈક એનાઉન્સથી પણ દબાણદારોને સ્વૈચ્છિક દબાણો દૂર કરવા માટે જાગૃત કરવામાં આવ્યા હતા. પરંતુ દબાણ કરવામાં પાવરધા બનેલ દબાણદારોએ કાળજી ન લેતા પંચાયત દ્વારા તાલુકા પંચાયતની મંજુરી લઈ દબાણો દૂર કરવાનું શરૃ કરી દીધેલ છે. જેમાં ગ્રામ પંચાયતના દબાણ રજીસ્ટરે ચડેલ કુલ ૩૯૫ જેટલા દબાણો બે દિવસના પ્રોગ્રામમાં દૂર કરવામાં આવશે. મુખ્ય માર્કેટમાં વર્ષોથી પાકા દબાણો કરી અડીંગો જમાવી બેસેલ દબાણદારોમાં દોડધામ મચી જચતા ફફડી ઉઠયા હતા. જાહેર માર્ગો પર પાકા બાંધકામ કરાવી દુકાનો કરનાર વેપારીઓ દુકાનો બચાવવા માટે દોડધામ કરેલ છે પરંતુ દબાણ પર મક્કમ રહેનાર ગ્રામ પંચાયત દ્વારા એક તરફી દબાણો તોડવાનું શરૃ કરેલ છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તાલુકા વિકાસ અધિકારી તથા અન્ય સ્ટાફ હાજર રહ્યો હતો.
ઈકબાલગઢ પોલીસ છાવણીમાં ફેરવાયું
અમીરગઢના તાબા હેઠળ આવતા ઈકબાલગઢમાં દબાણના મુદ્દાને આખરી અંજામ આપતા દબાણો તોડવાનું શરૃ કરેલ હતું. પરંતુ અમુક માથાભારી દબાણદારો કોઈ ઉહાપોહ ન કરે તે માટે ચાર પોલીસ અધિકારીઓ ઓગણીસ પોલીસ કોન્સ્ટેબલો તથા ચાર મહિલા કોન્સ્ટેબલ ખડેપગે ઉભા રહ્યા હતા. છતાં પણ દબાણદારો અને પોલીસ વચ્ચે ચકમક ઝરી હતી.