ડીસામાં આરોગ્યની ટીમોએ ખાદ્ય સામગ્રી વેચતા એકમો પર દરોડા પાડયા
- શહેરમાં આઈસ્ક્રીમ, પાર્લર તેમજ ફરસાણની દુકાન ઉપર તપાસ હાથ ધરી
ડીસા,તા.25 જૂન 2020, ગુરૂવાર
વૈશ્વિક મહામારી કોરોના વાયરસ વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં હવે ચોમાસા પૂર્વે આરોગ્ય વિભાગ વધુ સતર્ક બન્યું છે. અને ડીસા શહેરમાં આરોગ્ય વિભાગની અલગ અલગ ૧૧૫ જેટલી ટીમોએ ખાદ્યસામગ્રી વેચામ કરતા એકમો પર દરોડા પાડયા હતા.
એક તરફ કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે અને હવે ચોમાસું પણ શરૃ થવાની તૈયારીમાં છે ત્યારે ચોમાસામાં કોરોના વાયરસ વધુ ન વકરે તે માટે બનાસકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગ સતર્ક બની ખાદ્ય સામગ્રીનું વેચાણ કરતા એકમો પર દરોડા પાડયા હતા. જેમાં ડીસા બ્લોક હેલ્થ કચેરી દ્વારા અલગ અલગ ૧૧૫ જેટલી ટીમોએ ડીસા શહેરમાં તપાસ હાથ ધરી હતી. આઈસ્ક્રીમ, ઠંડા પીણા, સોડા, શરબત, ફરસાણ અને કરીયાણા સહિત ખાદ્ય સામગ્રીઓને વેચાણ કરતી દુકાનોમાં તપાસ હાથ ધરાઈ હતી. જેમાં કેટલીક જગ્યાએ અખાદ્ય સામગ્રીઓ મળી આવતાં આરોગ્ય વિભાગની ટીમોએ તે જથ્થાનો નાશ કર્યો હતો. તેમજ કોરોના વાયરસના સંક્રમણને પગલે માસ્ક નહી પહેરનાર અને સોશ્યલ ડીસ્ટન્સ નહી જાળવનાર કર્મચારીઓ અને માલિકોને પણ દંડ ફટકાર્યો હતો. આરોગ્ય વિભાગની કાર્યવાહીથી અન્ય અખાદ્ય સામગ્રીઓનું વેચાણ કરનાર તત્વોમાં પણ ફફડાટ ફેલાયો હતો.