દાંતીવાડાના વાવધરામાં જમીન મામલે ધીંગાણું ખેલાયું, 16 ઘાયલ
- પરિસ્થિતિ પર કાબુ મેળવવા ગામમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો
પાલનપુર તા.15 મે 2020, શુક્રવાર
દાંતીવાડા તાલુકાના વાવધરા ગામેં વાડાની જમીનમાં વાડ કરવાની નજીવી બાબતે બે પક્ષ વચ્ચે થયેલ સામાન્ય બોલાચાલી એ ઉગ્ર સ્વરૃપ ધારણ કરતા ધીગાણું ખેલાયું હતું. જેમાં હથીયારો ઉછળતા બંન્ને પક્ષના ૧૬ જેટલા વ્યક્તિઓને ઇજાઓ થતા તેમને તાત્કાલિક સારવાર અર્થે પાલનપુરની સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
દાંતીવાડા તાલુકાના વાવધરા ગામે ખેતરની બાજુમાં આવેલ વાડામાં વાડ કાંટો કરતા મામલે રબારીને રાજપુત પરીવાર વચ્ચે સામાન્ય બોલાચાલી સામાન્ય બાદ તકરાર થઇ હતી અને તકરારે ઉગ્ર સ્વરૃપ ધારણ કરતા બંન્ને પક્ષ સામસામે આવી જતા સશસ્ત્ર ધીંગાણું ખેલાયું હતું. જેમાં લાકડીઓ કુહાડી અને ધારીયા ઉછળતા બંન્ને પક્ષના ૧૬ જેટલા વ્યક્તિઓને હાથ પગ અને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં આ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર ૧૦૮ મારફતે ચંડીસર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા હતા જ્યાં તેમને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે પાલનપુરની સીવીલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બનાવના પગલે દાંતીવાડા પોલીસ ઘટનાસ્થળે દોડી જઇ પરિસ્થિતિ પર કાબુ મેળવવા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. અને બનાવ અંગે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.