Get The App

બનાસકાંઠામાં 23 દિવસમાં કોરોના પોઝેટીવના 51 કેસ નોંધાતા હડકંપ મચ્યો

- રોકેટ ગતિએ કોરોનાનો ફેલાવો

- છેલ્લા બે દિવસમાં ૧૩ કેસ સામે આવતા તંત્રમાં દોડધામઃ સંક્રમિતોની સંખ્યા બમતી થઇ

Updated: May 6th, 2020

GS TEAM

Google News
Google News
બનાસકાંઠામાં 23 દિવસમાં કોરોના પોઝેટીવના 51 કેસ નોંધાતા હડકંપ મચ્યો 1 - image

પાલનપુર,ડીસા, છાપી, તા. 05 મે, 2020, મંગળવાર

કોરોના પોઝેટીવ કેસોના સતત વધતા જતા રેસિયાને લઇ બનાસકાંઠા જિલ્લાને રેડ ઝોનમાં મુકવામાં આવ્યો છે. અહીં મુંબઇ, સુરત અને અમદાવાદના કનેક્શનને લઇ માત્ર ૨૩ દિવસમાં કોરોના સંક્રમીતોનો આંક ૫૧ને આંબી જતા તંત્રમાં હડકંપ મચી જવા પામ્યો છે. જેમાં છેલ્લા બે દિવસમાં કોરોના પોઝેટીવના વધુ ૧૩ કેસ સામે આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.

વૈશ્વિક મહામારી કોરોના વાઇરસને દેશમાં ફેલાતો અટકાવવા માટે ૨૫ માર્ચના રોજ રાષ્ટ્રવ્યાપી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. જેના ૨૦માં દિવસે બનાસકાંઠા જિલ્લામાં સૌ પ્રથમવાર પાલનપુરના ગઠામણ અને વાવના મીઠાવીચારણમાં કોરોના પોઝેટીવના બે કેસ સામે આવ્યા હતા. જે બાદ કોરોનાનું સંક્રમણ રોકેટ ગતિએ ફેલાવા લાગતા પાલનપુર, વાવ બાદ થરાદ, ડીસા અને વડગામ તાલુકા પણ કોરોના પ્રભાવિત બન્યા છે જોકે અમદાવાદ, સુરત અને મુંબઇ કનેક્શન ને લઇ બનાસકાંઠા જિલ્લામાં માત્ર ૨૩ દિવસના ટુંકાગાળામાં કોરોના સંક્રમિતોનો સંખ્યા બમણીગતીએ વધીને ૫૧ પર પહોંચી છે. જોકે જિલ્લામાં વધતા જતા કોરોનાના રેસિયા પર નજર કરવામાં આવે તો છેલ્લા બે દિવસમાં ૧૩ કેસ સામે આવ્યા છે. જેમાં ડીસામાં સોમવારે સૌ પ્રથમવાર એક સાથે ત્રણ કેસ નોંધાયા હતા. જેમાં મુંબઇથી આવેલ આસેડા ગામના દંપતી અને ડીસાની એક મહિલા તેમજ વડગામના ઇસ્લામપુરા મારામારીમાં પાસાના આરોપી અને થરાદના પોલીસ કર્મીનો રીપોર્ટ પોઝેટીવ આવતા પોલીસ બેડામાં ખલભાળટ મચી જવા પામ્યો હતો. જે બાદ મંગળવારે વધુ ૮ કેસ સામે આવ્યા હતા. જેમાં પાલનપુરના ગઢ ગામે મુંબઇથી આવેલ કોરોનાગ્રસ્ત વૃધ્ધના પુત્ર અને પત્ની તેમજ વાસણીની બે મહિલા, ડીસાની કોરોનાગ્રસ્ત મહિલાના સંપર્કમાં આવેલ બાળક અને મહિલા, વડગામના ઇસ્લામપુરાના વધુ એક શખ્સ સહિત ૮ વ્યક્તિનો રીપોર્ટ પોઝિટીવ આવતા આરોગ્ય તંત્રની ઉંઘ હરામ થઇ જવા પામી છે.

પોલીસકર્મી અને એક આરોપી કોરોનાની ઝપેટમાં

બનાસકાંઠામાં કોરોના વાઇરસ અજગરી ભરડો લઇ રહ્યો છે. જેમાં થરાદ પોલીસ સ્ટેશન કોન્સ્ટેબલ અશોકભાઇ પરમાર અને વડગામના ઇસ્લામપુરામાં આશા વર્કર પર હુમલાના આરોપી અબ્દુલ વાહીદ સુણસરાનો રીપોર્ટ કોરોના પોઝેટીવ આવતા પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

બનાસકાંઠામાં 23 દિવસમાં કોરોના પોઝેટીવના 51 કેસ નોંધાતા હડકંપ મચ્યો 2 - imageગઢ, વાસણી અને એક આરોપી કોરોનાની ઝપેટમાં

પાલનપુરના ગઢ ગામે મુંબઇથી આવેલ વૃધ્ધના સંક્રમણથી તેમના પુત્ર અને પત્નીનો રીપોર્ટ પોઝેટીવ આવ્યો છે. તેમજ વાસણીમાં પણ અમદાવાદથી આવેલ કોરોનાગ્રસ્ત યુવકના સંક્રમણથી વધુ બે મહિલા કોરોનામાં સપડાઇ છે. તેમજ ડીસામાં કોરોના પોઝેટીવ મહિલાના સપર્કમાં આવેલ એક બાળક અને મહિલાનો રીપોર્ટ પોઝેટીવ આવ્યો છે.

વડગામમાં કોરોના પોઝિટીવનો આંક ૩ થયો

વડગામ તાલુકાના મજાદર ગામે મુંબઇથી આવેલા એક યુવકને કોરોના પોઝિટીવ આવ્યા બાદ વડગામના ઇસ્લામપુરાના હુમલાના ગુનામાં પાલનપુર જેલમાં બંધ બે આરોપીઓને કોરોના પોઝિટીવ રિપોર્ટ આવતા પોલીસ બેડા સહિત જિલ્લામાં હડકંપ મચી જવા પામ્યો હતો. જોકે વડગામ તાલુકામાં કોરોના પોઝિટીવનો કુલ આંક ત્રણે પહોંચતા તાલુકામાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

બનાસકાંઠામાં 23 દિવસમાં કોરોના પોઝેટીવના 51 કેસ નોંધાતા હડકંપ મચ્યો 3 - imageતાલુકા મથક સહિત ચાર ગામ બફરઝોનમાં મુકાયા

તાલુકા મથક વડગામથી એક કિલોમીટર દુર આવેલા ઇસ્લામપુરામાં કોરોના પોઝિટીવના બે દર્દી મળી આવતાં તંત્ર દ્વારા તાલુકા મથક વડગામ સહિત શમશેરપુરા, વરવાડિયા અને પરખડી ગામને બફરઝોન જાહેર કરાયા હતા.

બનાસકાંઠામાં 23 દિવસમાં કોરોના પોઝેટીવના 51 કેસ નોંધાતા હડકંપ મચ્યો 4 - imageકોરોનાગ્રસ્ત વિસ્તારમાં દુધનું વિતરણ કરાયું

ડીસા શહેરમાંથી સોની બજાર ઢેબર રોડ વિસ્તારમાંથી જ ત્રણ કેસો મળતા આરોગ્ય વિભાગે આ વિસ્તારને કન્ટેનમેન્ટ એરીયા જાહેર કર્યો છે. તેમજ આ વિસ્તારને જોડતા ચારેબાજુના માર્ગો પણ બંધ કરી દેવાયા છે. આ વિસ્તારમાંથી લોકોને બહાર જવા માટે તેમજ બહારના લોકોને અંદર પ્રવેશવા માટે સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવ્યો છે. જેના કારણે વહેલી સવારે કેટલાક દુધ વિતરણ કરવા માટે આવતા લોકોને પણ અટકાવી દેવામાં આવતા અહીંના રહીશો પરેશાન થયા હતા. અને સવારથી જ દુધ ન મળતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. આ બનાવના પગલે ડીસા નગરપાલિકા પ્રમુખ કાંતિભાઇ સોની જાતે જ લોકોના ઘરે ઘરે જઇ દુધની થેલીઓનું વિતરણ કરતા લોકોએ રાહત અનુભવી હતી.

બનાસકાંઠામાં 23 દિવસમાં કોરોના પોઝેટીવના 51 કેસ નોંધાતા હડકંપ મચ્યો 5 - imageડીસામાં વધુ બે પોઝેટીવ કેસ નોંધાતા

બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં પણ અમદાવાદના શાહીબાગથી આવેલી કોરોના પોઝિટીવ મહિલાના પરિવારના બે લોકોને કોરોના પોઝિટીવના રીપોર્ટ આવ્યા છે. આવેલા તમામ દર્દીઓને કોવિદ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જિલ્લામાં કોરોના પોઝિટીવ દર્દીઓના આંક ૫૦ ઉપર પહોંચતા આરોગ્ય વિભાગે પણ દર્દીઓના સંપર્કમાં આવેલા તેમના પરિવારજનો અને વિસ્તારમાં વધુમાં વધુ લોકોના સેમ્પલ લેવાનું કામ શરૃ કર્યું છે. જ્યારે ડીસા શહેરના ઢેબર રોડના ઉર્વશીબેન જયદીપભાઇ દૈયા, ૨૩ વર્ષ અને જય નરેશભાઇ દૈયા ૧૦ વર્ષને કોરોનાના કેસ પોઝિટીવ આવતા તેમને પણ કોવેડ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ સિવાય કોરોના પોઝિટીવ દર્દીઓના વિસ્તારને કન્ટેનમેન્ટ જાહેર કરી લોકોની અવરજવર પર પ્રતિબંધ ફરમાવ્યો છે. જે પ્રમાણે કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી છે. તેની સાથે આરોગ્ય વિભાગની સાથે સાથે લોકોમાં પણ ફફડાટ ફેલાઇ રહ્યો છે.

છેલ્લા બે દિવસના પોઝેટીવ દર્દીની યાદી

બાબુભાઇ ઉકાભાઇ વાઘેલા, રહે.આસેડા

જીવીબેન બાબુભાઈ વાઘેલા, રહે.આસેડા

નીતાબેન રમેશભાઇ દૈયા, રહે.ડીસા

અબ્દુલ વાહીદ શરીફ સુણસરા, રહે.ઇસ્લામપુરા

અશોકભાઇ પરમાર, રહે.થરાદ

ઉર્વશીબેન જયદીપભાઇ દૈયા, રહે.ડીસા

જય નરેશભાઇ દૈયા, રહે.ડીસા

મયુર કાળુભાઇ જગાણિયા, રહે.ગઢ

જબુબેન કાળુભાઇ જગાણીયા ,રહે.ગઢ

ડાઇબેન અમૃતલાલ બાવલેચા, રહે.ગઠામણ

રહેમુલ્લા હબીબભાઇ મરેડિયા, રહે.ઇસ્લામપુરા

અરૃણાબેન કરશનભાઇ પંચાલ, રહે.વાસણી

જારાબેન અંબારામ પંચાલ, રહે.વાસણી

Tags :