1 સપ્તાહમાં 5 મહિલા સહિત 6 વ્યક્તિ કોરોનામાં સપડાયા
- પાલનપુરમાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો
- કોરોનાના કેસોમાં વૃધ્ધિ થતા શહેરીજનોમાં ફફડાટ સંક્રમિતોની સંખ્યા ૧૫૧ થઈ
પાલનપુર,
તા. 12 જૂન, 2020, શુક્રવાર
કોરોના સંક્રમણનો સામનો કરી રહેલા બનાસકાંઠા જિલ્લામાં
પોઝિટિવ કેસોમાં સતત વૃધ્ધિ થઈ રહી છે. જે વચ્ચે પાલનપુરમાં વધુ એક કોરોના
પોજિટિવનો કેસ સામે આવતા શહેરમાં છેલ્લા એક સપ્તાહમાં પાંચ મહિલા સહિત છ વ્યક્તિ
કોરોનામાં સપડાતા લોકો ભયભીત થઈ ઉઠયા છે.
વૈશ્વિક મહામારી કોરોના વાઈરસે બનાસકાંઠામાં તીવ્ર ગતિએ
સંક્રમણ ફેલાવતા જિલ્લામાં અઢી મહિનાના ટુંકા સમયગાળામાં કોરોના સંક્રમિતોની
સંખ્યા ૧૫૧ ની ટોચે પહોંચી છે. જેમાં એક સપ્તાહ પહેલા પાલનપુરમાં પગ પેસારો કરનાર
કોરોના વાઈરસે છ દિવસમાં છ વ્યક્તિને સંક્રમિત કર્યા છે. જેમાં એક બાદ એક પાંચ
મહિલાઓ કોરોનામાં સપડાયા બાદ શુક્રવારે વધુ એક યુવકનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા
શહેરમાં કોરોનાગ્રસ્ત દર્દીઓનો આંક છ પર પહોંચ્યો છે. પાલનપુરના હાઈવે વિસ્તારમાં
આવેલ નવજીવન સોસાયટીના નાકે ઓટો કન્સલ્ટની દુકાન
અને ગેરેજ ચલાવતા અને આનંદનગરમાં રહેતા ૪૭ વર્ષીય યુવક નવીનભાઈ રામજીભાઈ
પંચાલનો રિપોર્ટ કોરોના પોજિટિવ આવતા આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે.
પાટણમાં ગાંધીનગર અને થરાદથી આવેલ બે પુરૃષોને કોરોના
પોઝિટીવ
રાજ્યમાં કોરોનાના કેસો દિન-પ્રતિદિન વધી રહ્યા છે જેને લઇ
લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જેની વચ્ચે પાટણ જિલ્લામાં પણ વધુ બે
પોઝિટીવ કેસ નોંધાતા ચકચાર મચી ગઇ છેે. ખાસ કરીને પાટણ જિલ્લામાં સૌથી વધુ
કોરોનાનું સંક્રમણ પાટણ શહેરમાં જોવા મળી રહ્યું છે. જેમાં શુક્રવારે પાટણ શહેરમાં અંબાજી નેળિયા પાસેના યશ
ટાઉનશીપમાં રહેતા ૪૧ વર્ષીય પુરૃષ થરાદ ખાતે પોઝિટીવ દર્દીના સંપર્કમાં આવતા તેઓ
પાટણ ખાતે આવ્યા હતા જ્યાં તાવ, ખાંસી, ઝાડા સહિતના
લક્ષણો જણાતા તેઓનું સેમ્પલ લેવામાં આવ્યું હતું. જેમાં રીપોર્ટ પોઝિટીવ આવતા
પરિવારના સભ્યોને સેમ્પલ લઇ કવોરોન્ટાઇન કરવામાં આવ્યા હતા. જ્યારે ટેલિફોન એકચેન્જ
રોડ પાસેની રાજવંશી સોસાયટીના ૫૪ વર્ષીય પુરૃષ ગાંધીનગરથી પાટણ ખાતે આવેલ જેઓને
તાવ, ખાંસી, માથાનો દુખાવો
સહિતના લક્ષણો જણાતા રિપોર્ટ કરવામાં આવતા પોઝિટીવ આવ્યો હતો. જેને લઇ પોઝિટીવ
દર્દીના પરિવારના સભ્યોના સેમ્પલ ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યા હતા. અને બંન્ને સોસાયટીને આરોગ્ય વિભાગ દ્વારા
સેનેટાઇઝ કરવામાં આવી હતી. જોકે આજે નોંધાયેલ વધુ બે કેસને લઇ પાટણ શહેરમાં કુલ ૩૮
કેસ પોઝિટીવ થઈ ગયા છે. જ્યારે જિલ્લામાં કુલ આંક ૧૦૭ પર પહોંચી ગયો છે.