એશિયાના નંબર વન ગણાતા ઘુડખર અભિયારણ્યમાં ગેરકાયદે ચાલતુ ખોદકામ
- સાંતલપુર-ઘડુલી માર્ગના નિર્માણ માટે
અભિયારણ્યમાં કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવતું ગેરકાયદે ખનન છતાં વનતંત્ર અજાણ, વન્ય પ્રાણીઓ ઉપર જોખમ
રાધનપુર,તા.23
જાન્યુઆરી 2020, ગુરૂવાર
પાટણ જિલ્લાના સાંતલપુરથી કચ્છના ઘડુલી સુધીના નવીન
માર્ગનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. માર્ગના કામ કરતા કોન્ટ્રાક્ટર દ્વારા
તમામ નિયમોને નેવે મુકીને કચ્છના રણમાં આવેલ અભિયારણ્યમાં ખોદકામ કરવામાં આવતા
વન્યજીવો માટે જોખમ ઉભું થવા પામ્યું છે. જેના લીધે જીવદયા પ્રેમીઓમાં ભારે
નારાજગી ફેલાઈ છે. એશિયાના નંબર વન ગણાતા ઘુડખર અભ્યારણ્યમાં ચાલી રહેલા ખોદકામ
અંગે વનખાતાના અધિકારીઓએ પોતાના હાથ અધ્ધર કર્યા હતા. જ્યારે પાટણ ખાણ-ખનીજના
અધિકારીઓએ અમારી પાસે કોઈ રોયલ્ટી મંજૂરી લીધી નથી તેવું નિવેદન આપી છટકવાનો પ્રયાસ
કર્યો હતો. આ અંગે સ્થાનીક લોકોએ કામ અટકાવવા માટે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છે.
પાટણ અને કચ્છ જિલ્લામાં આવેલ એશિયાના નંબર-૧ ગણાતા ઘુડખર
અભિયારણ્ય વિસ્તારમાં સાંતલપુરથી ઘડુલીના નવીન માર્ગનું કામ ચાલી રહ્યું છે. નવિન
માર્ગનું કામ કરતી અંજારની ખાનગી કંપનીના કોન્ટ્રાક્ટર દ્વારા હાલે વૌવાથી મોવાણા
સુધીનું કામ શરુ કરવામાં આવેલ છે. નવિન માર્ગ બનાવવાના માટી કામ કરવા માટે આજે
કોન્ટ્રાક્ટર દ્વારા ઘુડખર અભિયારણ્યમાં મોટા પ્રમાણમાં ખોદકામ કરવામાં આવી રહ્યું
છે. કોન્ટ્રાક્ટર દ્વારા અભિયારણ્યમાં મશીનરી દ્વારા માટીનું ખોદકામ કરીને
ડમ્પરોમાં ભરીને રોડના કામમાં નાખવામાં આવી રહી છે. જેના કારણે અભિયારણ્યમાં મોટા
પ્રમાણમાં ખાડા પડવાને કારણે વન્યજીવો માટે જખમ ઉભુ થવા પામ્યું છે. અભ્યારણ્યમાં
ચાલતા ખોદકામ બાબતે કોન્ટ્રાક્ટર પાસે કોઈપણ પ્રકારની મંજુરી ના હોવાનું જાણવા
મળ્યું છે. જ્યારે નવિન માર્ગનું કામ કરતા કોન્ટ્રાક્ટર દ્વારા અભ્યારણ્યમાં
ખોદકામ કરવું ગુનો હોવાની વાત કરી હતી અને આ બાબતે આરએફઓને મુકીને તપાસ કરાવવાની
વાત કરી જવાબદારીમાંથી છટકવાની કોશિષ અભયારણ્યના જવાબદાર ડીએફઓ કરી હતી. જ્યારે
નવિન માર્ગમાં નાખવામાં આવતી માટીની રોયલ્ટી બાબતે પાટણ જિલ્લા ખાણ-ખનીજ વિભાગના
કર્મચારી પરેશ પટેલને પુછતા તેઓએ પણ અમારી પાસે કોઈ જ રોયલ્ટી લેવામાં આવેલ નથી.
જ્યારે કઈ જગ્યાએ ખોદકામ ચાલે છે જેની તપાસ કરાવવાની વાત કરી હતી. સાંતલપુરના વન્ય
જીવો એક્ટીવીસ્ટ કનુ રાજગોરે જણાવ્યું હતું કે આ વિસ્તાર અભયારણ્યમાં આવે છે અને
તમામ જવાબદારી અભયારણ્યના અધિકારીની બને છે. આજે તેમની ઓફીસ સાંતલપુર ખાતે આવેલી
છે પરંતુ તેમને કોઈપણ કર્મચારી હાજર હોતો નથી.
અભિયારણ્યમાં ચાલતી ખનન પ્રવૃત્તિ અટકાવવી જોઈએ
અભિયારણ્યની ત્રિજ્યામાં આવતા સાંતલપુર અને કચ્છ વચ્ચેના
રણમાં કોઈપણ ગેરકાયદે પ્રવૃત્તિ બાબતે તમામ જવાબદારો છટકવાની હંમેશા કોશિષ કરે છે.
આજે કોન્ટ્રાક્ટર દ્વારા મોટાપાયે ખોદકામ કરવામાં આવી રહ્યું છે. જે અહીંના
વન્યજીવો માટે જોખમકારક છે. આ વિસ્તારની સંપૂર્ણ જવાબદારી અભયારણ્યના અધિકારીની છે
તેઓએ ગેરકાયદે ચાલુત ખોદકામ અટકાવી કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરવા જોઈએ તેવી
વન્યજીવો એક્ટીવીસ્ટે જણાવ્યું હતું.
પાટણ વનઅધિકારીએ શું કહ્યું?
આ બાબતે પાટણ જિલ્લા વન અધિકારીને પૂછતા તેઓએ આ વિસ્તાર
ઘુડખર અભ્યારણ્યમાં આવત હોઈ ધાંગધ્રાનો સંપર્ક કરવા જણાવ્યું હતું. ભારતમાલા
પ્રોજેક્ટ તળે નવિન માર્ગની મંજુરી આપી હોવાની વાત તેમણે જણાવી હતી. જ્યારે
ઘડુલી-સાંતલપુર માર્ગ બાબતે પોતે અજાણ હોવાની વાત કરી હતી.
અભારણ્યમાં કરેલા ખાડા ઘુડખર માટે મોત સમાન
વન્યજીવો માટે આ વિસ્તાર અંતિમ પડાવ તરીકે ગણવામાં આવે છે
અને તેમના અસ્થિત્વ પર ખતરો છે. અભયારણ્યમાં કરેલ ખાડાની ઘુડખરને ખબર ના હોય અને
તે ખાડામાં પડે તો મૃત્યુ પામે એટલે આ બાબત ગંભીર ગણાય અને તાત્કાલિક અભ્યારણ્યમાં
ગેરકાયદે ચાલતી કામગીરી અટકાવવી જોઈએ તેવી પણ તેમને માંગ કરી હતી.
કચ્છ અને પાટણનું વનખાતુ ભર નિંદ્રામાં
ઘુડખર અભ્યારણ્યએ કચ્છ અને પાટણ વિભાગમાં આવે છે. આ બન્ને
જિલ્લાના વન અધિકારીઓ જાણે ભરનિંદ્રામાં હોય તેવું હાલ લાગી રહ્યું છે. રોડ બનાવવા
માટે કોઈપણ જાતની મંજૂરી વગર કોન્ટ્રાક્ટર દ્વારા અભ્યારણ્યમાં થઈ રહેલું ખોદકામ
સોના જેવા ઘુડખર માટે જાન લેવા સાબિત થશે.