Updated: Nov 17th, 2022
- આ બેઠક પરથી 2017ની ચૂંટણીમાં માવજી 2000 મતથી હારી ગયા હતા
ધાનેરા, તા. 17 નવેમ્બર 2022, ગુરૂવાર
ગુજરાતમાં ચૂંટણી માહોલ જામ્યો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ઉમેદવારોના પક્ષ પલટો અને નારાજગી સામે આવી રહી છે. ટિકિટ માટે અનેક સમાજ માટે વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે બનાસકાંઠા જિલ્લાની ધાનેરા વિધાનસભા ચૂંટણી મામલો ગરમાયો છે. વધુ એક ઉમેદવાર રબારી સમાજના આગેવાન માવજીભાઈ દેસાઈ ટિકિટ ન મળતા અપક્ષ ઉમેદવારી નોંધાવશે. માવજી દેસાઈ 2017માં ભાજપના ઉમેદવાર હતા. માવજી દેસાઈની ટિકિટ કપાતા સર્વે સમાજ એકત્ર થયો હતો અને તેમને અપક્ષ ચૂંટણી લડવા માટે આહવાન કર્યું હતું. ત્યારે હવે હજારો સમર્થકોની ઉપસ્થિતિમાં માવજી દેસાઈ ઉમેદવારી પત્ર ભરશે.
બનાસકાંઠા જિલ્લાની ધાનેરા બેઠક પર છેલ્લા કેટલાક સમયથી માવજીભાઈ દેસાઈને ટિકિટ મળશે તેવી શક્યતાઓ અને પગલે તેમણે કાર્યકરો સાથે ધાનેરા મત વિસ્તારમાં તૈયારીઓ શરૂ કરી હતી. પરંતુ તેમની ટિકિટ કપાઈ જતા હવે તેઓ અપક્ષ ઉમેદવારી નોંધાવશે.
બનાસકાંઠા જિલ્લાની ધાનેરા બેઠક ભારે ચર્ચામાં રહી છે. આ બેઠક પરથી 2017ની ચૂંટણીમાં માવજી 2000 મતથી હારી ગયા હતા. પરંતુ આ વખતની ચૂંટણીમાં તેમને ભાજપ પક્ષ ટિકિટ આપશે તેવો વિશ્વાસ હતો પરંતુ ભાજપે તેમની ટિકિટ કાપી હતી. અને તેના બદલે ધાનેરા માર્કેટ યાર્ડના ચેરમેન અને કમિટીના સભ્ય ભગવાન પટેલને ટિકિટ આપી હતી.