Updated: Dec 3rd, 2022
- રબારી સમાજના આગેવાન માવજીભાઈ દેસાઈને ભાજપ દ્વારા ટિકિટ ન મળતા અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી
બનાસકાંઠા, તા. 03 ડિસેમ્બર 2022, શનિવાર
ભાજપે ધાનેરામાં ટિકિટ નહિ આપતા અપક્ષ ઊભા રહીને પડકાર ફેંકતા માવજી દેસાઈએ આજે રેલી કાઢી હતી. ધાનેરા વિધાનસભા વિસ્તારમાં આવતા પાંથાવાડા, દાંતીવાડા, ધાનેરામાં વિવિધ વિસ્તારમાં અપક્ષ ઉમેદવાર માવજી દેસાઈએ જોરદાર રેલીનું આયોજન કર્યું હતું. માવજી દેસાઈના સમર્થનમાં યુવાઓ દ્વારા વિશાળ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં દરેક પાર્ટીના ઉમેદવારો એડીચોંટીનું જોર લગાવી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. જેમાં ધાનેરામાં ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી સહીત અપક્ષ કુલ 8 જેટલાં ઉમેદવારો એ દાવેદારી નોંધાવી છે. આજે ધાનેરા વિધાનસભા વિસ્તારમાં ઉમેદવાર માવજી દેસાઈએ વિશાળ રેલી યોજી પ્રચાર કર્યો હતો.
રબારી સમાજના આગેવાન માવજીભાઈ દેસાઈને ભાજપ દ્વારા ટિકિટ ન મળતા અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. માવજી દેસાઈ 2017માં ભાજપના ઉમેદવાર હતા. માવજી દેસાઈની ટિકિટ કપાતા સર્વે સમાજ એકત્ર થયો હતો અને તેમને અપક્ષ ચૂંટણી લડવા માટે આહવાન કર્યું હતું. ત્યારબાદ હજારો સમર્થકોની ઉપસ્થિતિમાં માવજી દેસાઈએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી.
બનાસકાંઠા જિલ્લાની ધાનેરા બેઠક પર છેલ્લા કેટલાક સમયથી માવજીભાઈ દેસાઈને ટિકિટ મળશે તેવી શક્યતાઓ અને પગલે તેમણે કાર્યકરો સાથે ધાનેરા મત વિસ્તારમાં તૈયારીઓ શરૂ કરી હતી. પરંતુ તેમની ટિકિટ કપાઈ જતા હવે તેઓ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી.