એક મહિનામાં કેનાલોમાં 20 ગાબડા પડતા ખેડૂતો પાયમાલ
- બનાસકાંઠામાં કેનાલોમાં પડતા ગાબડા કોણ રોકશે?
- જિલ્લામાં એક જ દિવસમાં 2 કેનાલોમાં 40-40 ફૂટના ગાબડાં પડતા ખેતરો જળબંબાકારઃ કરોડોના ભ્રષ્ટાચારીઓને ક્યારે સજા મળશે?
પાલનપુર,તા.30 જાન્યુઆરી 2019, ગુરૂવાર
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં ખેડૂતોની મુશ્કેલીઓ ઓછી થતી જ નથી. બે માસ સુધી તીડનું સંકટ હતું જે માંડ ટળ્યું ત્યાં તો વધુ એક મોટી સમસ્યા ખેડૂતોને રડાવી રહી છે. આ સમસ્યા કુદરતી નથી પરંતુ અધિકારીની બેદકારીને કારણે કરોડો રૃપિયાના ખર્ચે બનાવેલ કેનાલોમાં દિન-પ્રતિદિન ગાબડા પડતા ખેડૂતોને હિજરત કરવાનો વારો આવ્યો છે. જો કેનાલોમાં પાણી છોડવામાં આવે તો ગાબડા પડી ખેતરો જળબંબાકાર બની જાય છે અને પાણી ના આવે તો ખેડૂતોના ખેતરો કોરાધાકોર પડયા રહે છે. આમ સરહદી વિસ્તારમાં ખેડૂતોને પાણીએ અને પાણી વિના ખેડૂતોના બેહાલ થઈ રહ્યા છે.
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં એક માસમાં ૨૦થી વધુ કેનાલોમાં ગાબડાં પડી ચુક્યાં છે. જેને કારણે પાણી ખેડૂતોના ખેતરો ભરાઈ ગયા હોવાથી ખેડૂતોનો રવિપાક જળબંબાકાર બની જાય છે અને ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ત્યારે ગુરુવારે વધુ એક ગાબડું વહેલી સવારે વાવના જાનાવાડા ડીસ્ટ્રીબ્યુટર કેનાલમાં સનેસડા ગામની સીમમાં ૪૦ ફૂટ જેટલું ભંગાણ થતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો હતો. જોકે સનેસડા ગામની સીમમાં ૧૫ દિવસ અગાઉ પણ એ જગ્યા ઉપર મસમોટું ગાબડું પડયું હતું. ત્યારે વધુ એક વખત ગાબડું પડતાં ખેડૂતોમાં ભારે રોષ જવા મળ્યો હતો. તો બીજી તરફ વાવના રાછેણા ડીસ્ટ્રીબ્યુટર કેનાલમાં ઢેરીયાણા ગામની સીમમાં વહેલી સવારે ૪૦ ફૂટ જેટલું કેનાલમાં ગાબડું પડતા ૪૦ એકર રવિપાક જીરા દિવેલા પાકમાં પાણી ભરાઈ જવાથી માથે ખેડૂતોને નુકશાની વેઠવાનો વારો આવ્યો છે.
નર્મદા નિગમના અધિકારીઓની બેદકારીને કારણે ગાબડા પડે છે, ખેડૂતો
ખેડૂતોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે છેલ્લા એક મહિનાથી જિલ્લામાં કાગળની જેમ કેનાલો તુટી રહી છે. જેમાં નર્મદા નિગમના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરના બેદકારીના કારણે કેનાલોમાં ગાબડાં પડે છે અને નુકસાન ખેડૂતને ભોગવવાનો વારો આવે છે.
જીરાના પાકમાં ઘૂંટણ સમા પાણી ભરાયા
વાવના ઢેરીયાણા ગામમાં પરીવાર લગ્નમાં ગયો હતો અને કેનાલમાં ગાબડું પડતા ખેતરો જળબંબાકાર થયા હતા પરંતુ બે માસની મહેનતથી ઉગાડેલ જીરાના પાકમાં ઘૂંટણસમા પાણી ભરાતા ખેડૂતોને ભારે નુકશાની ભોગવવાનો વારો આવ્યો છે.
બનાસકાંઠામાં છેલ્લા એક અઠવાડિયાથી છાશવારે ગાબડા પડી રહ્યા છે
બનાસકાંઠાના ખેડૂતોને મુશ્કેલીઓ ઓછી થવાનું નામ જ નથી લેતી પહેલા તીડ હવે અધિકારીઓની બેદકારી અને ભ્રષ્ટાચારને કારણે જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયા એક દિવસ એવો ગયો નથી કે ગાબડું ના પડયું હોય. જેને કારણે એક માસમાં ૨૦ જેટલા ગાબડા પડતા અંતે તો ખેડૂતોએ જ નુકશાની વેઠવાનો વારો આવ્યો છે.