Gujarat

દવા અને દૂધ વગર તરફડતી દાંતાની પ્રજામાં તંત્ર સામે ભારે આક્રોશ

By GS Team
11 May 20202 mins read
This article was originally published on 11 May 2020
દવા અને દૂધ વગર તરફડતી દાંતાની પ્રજામાં તંત્ર સામે ભારે આક્રોશ

અંબાજી, તા. 10 મે 2020, રવિવાર

દાંતા તાલુકામાં ત્રણ દિવસ અગાઉ આવેલ કોરોનાના ત્રણ પોઝિટિવ કેસોને લઈને તાલુકા મથક દાંતામાં સંપૂર્ણ લોકડાઉન તંત્ર દ્વારા કરાતા દવા અને દૂધને પણ બંધ કરી દેવાતા ખુબજ વિકટ પરિસ્થિતિ ઉભી થવા પામી છે. જેના કારણે પ્રજામાં તંત્રના આ નિર્ણય સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

દાંતા તાલુકામાં કોરોનાની એન્ટ્રી થતાં તંત્ર દ્વારા દાંતા ગામને સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવતા જેના કારણે  દવા અને દૂધને પણ અવિચારીપણે બંધ કરી દેવાતા કેટલાય પરિવારોની હાલત કફોડી બની જવા પામી હોવાનું જાણવા મળેલ છે. અમદાવાદ શહેરમાં દરરોજ ૩૦૦થી વધુ પોઝિટિવ કેસો આવવા છતાં ત્યાં બધી જ વસ્તુઓને બંધ કરી દેવામાં આવી છે. પરંતુ દવા અને દૂધ બંને બંધ કરવામાં આવ્યું નથી. જ્યારે દાંતા તાલુકામાં ત્રણ કેસો આવતા દવા અને દૂધને બંધ કરી દેવાયું. આ અવિચારી પગલાના કારણે અનેક બીમારીઓના ભોગ બનેલ ઈસમોને જો કોઈ તાત્કાલિક દવાની જરૃર પડે તો ક્યાં જાય અને દવા સમયસર ન મળવાના કારણે ઘણીવાર મોટો બનાવ બની જાય તો આના માટે જવાબદાર કોણ ? આવી જ સ્થિતિ દૂધ માટેની જોવા મળી રહી છે. અનેક પરિવારોને દૂધ ન મળવાના કારણે ચા પીવા તડપી રહ્યા છે અને જે પરિવારોમાં નાના નાના બાળકો હોય તેનું શું ? શું તંત્રને આટલી પણ સમજશક્તિ નથી ? કે અવિચારી આવા નિર્ણયો કરે છે ? હાલમાં દવા અને દૂધ વગર દાંતા ગામની પ્રજા તરફડી રહી છે તો તંત્ર દ્વારા સત્વરે ચાલુ કરાવવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠવા પામેલ છે.

ક્વોરોન્ટાઈન કરેલ ઈસમોને કોઈ સુવિધા મળતી નથી

ત્રણ પોઝિટિવ કેસો આવતા દાંતામાં ક્વોરોન્ટાઈન કરેલ ૧૩ જેટલા ઈસમોને જ્યાં રાખવામાં આવ્યા છે તે છાત્રાલયમાં કોઈ સુવિધા ન હોવાના કારણે ગરમી અને મચ્છરોના ત્રાસથી આ ઈસમો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.

જ્યાં કેસો આવ્યા તે વિસ્તારમાં સેનેટાઈઝ છાંટવામાં આવ્યું જ નથી

જે વિસ્તારમાંથી કેસો આવ્યા છે તે વિસ્તારને સેનેટાઈઝ કરવામાં આવ્યો નથી. જેથી ગંભીરતા વધી જવા પામી છે. તંત્ર સત્વરે ત્યાં આ પ્રક્રિયા કરાવે તેવી પ્રજાની માંગ છે.