થરાદની જેલમાં કેદીને કોરોના પોઝીટીવ આવતાં જેલ તંત્રમાં દોડધામ
- પાસા હેઠળ અટકાયત થઈ હતી
- જિલ્લા જેલમાં મુકતા પહેલા તપાસ કરાવડાવતા પોઝીટીવ હોવાનું ખૂલ્યું
પાલનપુર,તા.03 મે 2020, રવિવાર
ગત ૨૦ ફેબુ્રઆરીના કાંકરેજતાલુકાના વડા ગામના આરોપીની અગાઉ દારૃની હેરાફેરીના કેસના ગુનામાં થરાદ પોલીસે અટકાયત કરતા તેને થરાદની સબજેલમાં મોકલી અપાયો હતો. જેથી શુક્રવારે હાઈકોર્ટના હુકમથી રજા મંજૂર થતા પેરોલ લીવ પર બપોરે ૧૨ વાગ્યે છોડવામાં આવ્યો હતો. જોકે આરોપીની અન્ય ગુનામાં પાસા મંજૂર થતા એલસીબી પોલીસ દ્વારા પાસાના બીજા ગુનામાં અટકાયત કરવામાં આવી હતી. તેમજ તેને પાસાના સ્થળે મુકતા પહેલા પોલીસ દ્વારા ફરજિયાત રિપોર્ટ કરાવવાના નિયમ મુજબ તપાસ કરાવવામાં આવતા તે પોઝીટીવ જણાયો હતો. જેના કારણે પોલીસ બેડામાં ફફડાટ પ્રસર્યો હતો. ઉલ્લેખનીય છેકે બે અઠવાડીયા પહેલા થરાદના આરોગ્ય વિભાગનો એક કર્મચારી પણ કોરોના પોઝીટીવ આવ્યો હતો. જેની પાલનપુર હાલ સારવાર ચાલી રહી છે. જોકે તેનો રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો. થરાદમાં અઢી મહિનાથી જેલમાં રહેલા કેદીને પોઝીટીવ આવતા આ ઘટનાને લઈ થરાદ પંથકમાં ચકચાર મચી છે.
કોરોના પોઝીટીવ આવ્યો કઈરીતે ?
જેલના સૂત્રોએ જણાવ્યું કે ગત ૨૨ માર્ચ પછી જેલમાં કોઈપણ નવો આરોપી આવ્યો નથી કે નથી કોઈ મુલાકાતી આવ્યા. વળી કેદી પણ જેલની બહાર નીકળ્યો નથી. તેમજ ગાર્ડ પણ બહાર બેસે છે. જે કોઈ આરોપીના સંપર્કમાં આવતા નથી. પાંચ દિવસ પહેલા જ જેલમાં રહેલા કેદીઓના આરોગ્યની તપાસ કરાઈ હતી. તે બધા જ નોર્મલ જણાયા હતા. છતાં કઈ રીતે આ કેદી પોઝીટીવ આવ્યો તે ચર્ચાનો વિષય છે.
જેલ, આરોગ્ય તથા પોલીસ બેડામાં ચિંતા
થરાદની જેલમાં રહેલા કેદીને કોરોના પોઝીટીવ આવતા સમગ્ર જેલને સેનેટાઈઝર કરવાની તથા જેલમાં રહેલા ૪૨ કેદીઓના ચેકઅપની કામગીરી હાથ ધરાઈ હતી. આ અંગે આરોગ્ય વિભાગને જાણ કરાતા ભારે દોડધામ મચી હતી. જ્યારે જેલ પર પોલીસકર્મીની નોકરી હતી તે તમામ કર્મચારીઓના તથા ઉપરોક્ત કેદીને પાલનપુર મુકવા જનાર થરાદ પોલીસ કર્મીઓના રિપોર્ટ પણ કરાવવા પડે તેવી નોબત આવતા પોલીસ બેડામાં પણ ફફડાટની લાગણી પ્રસરવા પામી હતી.