ડીસાના સમૌમોટામાં ધંધાની લેવડદેવડ મામલે ધિંગાણું, સાતને ઈજા
- સામાન્ય બોલાચાલીમાં શખસને માથામાં ધારીયું તથા પાઈપો ફટકારી
ડીસા, તા. 18 જૂન 2020, ગુરૂવાર
ડીસા તાલુકાના સમૌ મોટા ગામે ધંધાની લેતીદેતીના મુદ્દે એક જ કોમના બે જુથ વચ્ચે હંગામો મચ્યો હતો. જેમાં સાત વ્યક્તિઓને નાનીમોટી ઈજાઓ થતાં જંગરાલ ૧૦૮ દ્વારા ઈજાગ્રસ્તોને ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવારઅર્થે લાવવામાં આવ્યા હતા.
ડીસા તાલુકાના સમૌ મોટા ગામના મફાભાઈ કેશાભાઈ જોષી અને મહેશભાઈ ભેમજીભાઈ જોષીવચ્ચે અગાઉ ધંધાની લેતીદેતી બાબતે નોટરી કરેલી હતી. જે નોટરીની નકલ મફાભાઈ જોષીએ માગતા મામલો ઉગ્ર બની ગયો હતો. સામાન્ય બોલાચાલી બાદ ઉગ્ર સ્વરૃપ ધારણ કરતા નરહરીભાઈ જોષીના માથા ઉપર ધારીયું તેમજ પાઈપ વડે હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં સાત વ્યક્તિઓને નાનીમોટી ઈજાઓ થતાં જંગરાલ ૧૦૮ દ્વારા ઈજાગ્રસ્તોને ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવારઅર્થે લાવવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ ડીસા તાલુકા પોલીસે ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આ અંગે મફાભાઈ જોષીએ ડીસા તાલુકા પોલીસ મથકે રામેશ્વરભાઈ ઈશ્વરભાઈ જોષી, હરગોવનભાઈ ઈશ્વરભાઈ જોષી, ભેમાભાઈ ઈશ્વરભાઈ જોષી, વજેરામભાઈ ઈશ્વરભાઈ જોષી, જીગ્નેશભાઈ હરગોવનભાઈ જોષી, મહેશભાઈ ભેમજીભાઈ જોષી અને વિનોદભાઈ ઈશ્વરભાઈ જોષી (તમામ રહે. સમૌ મોટા, તા. ડીસા) વિરુધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઈ બી.જે. ચાવડા ચલાવી રહ્યા છે.
સમૌ મોટાના ઈજાગ્રસ્તોના નામ
મફાભાઈ જોષી, (ઉ.વ.૬૨)
નારણભાઈ જોષી (ઉ.વ. ૪૦)
શાંતાબેન જોષી (ઉ.વ. ૬૧)
ધાનુપ્રસાદ જોષી (ઉ.વ. ૩૦)
ભારતીબેન જોષી (ઉ.વ. ૨૫)
નર્મદાબેન જોષી (ઉ.વ. ૬૦)
ટીનીબેન જોષી (ઉ.વ. ૩૦)