વાહનો તેમજ ટ્રેનમાં દાગીના ચોર ગેંગને ધાનેરા પોલીસે ઝડપી પાડી
- બનાસકાંઠા નેનાવા બોર્ડર પર આંતરરાજ્ય ચોર ટોળકી ઝબ્બે
- ટ્રેનમાંથી સાત કિલોના સોના-ચાંદીના દાગીના તથા અન્ય રાજ્યોની 15 ચોરી કબૂલી
પાલનપુર, ધાનેરા,તા.04 જૂન 2020, ગુરૂવાર
બનાસકાંઠા જિલ્લામાં વાહન ચોરી સહિતની ઘટનાઓને રોકવા માટે જુદી જુદી પોલીસ એજન્સીઓ દ્વારા બોર્ડર વિસ્તારોમાં સઘન તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં રાજસ્થાનને જોડતી ધાનેરાની નેનાવા પોલીસ ચેકપોસ્ટ પર ફરજ બજાવતી પોલીસે આંતરરાજ્ય ચોરટોળકીના ત્રણ સાગરીતોને ઝડપી પાડયા છે. જોકે પોલીસના હાથે ઝડપાયેલા રાજસ્થાનના ત્રણ ચોર યુવકે ગુજરાત સહિત રાજસ્થાનમાં વાહનો તેમજ ટ્રેનમાં યાત્રીઓના દાગીનાની ચોીર કરી હોવાની કબૂલાત કરતા પોલીસે આ ચોર ટોળકીની વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.
બનાસકાંઠામાં વાહન ચોરી સહિત ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવા માટે જિલ્લા પોલીસવડા તરૃણ દુગ્ગલની સૂચનાથી જિલ્લાની તમામ ચેકપોસ્ટો પર સઘન વાહન ચેકીંગ ઝુંબેશ શરૃ કરવામાં આવી છે. જેમાં ધાનેરાની નેનાવા પોલીસ ચેકપોસ્ટ પર પોલીસ ટીમ દ્વારા બુધવારે ત્રણ શંકાસ્પદ યુવકોને પકડી તેમની ઉલટ તપાસ કરવામાં આવતા ગુજરાતમાં વિવિધ સ્થળે કરાયેલ વાહનચોરી અને રાજસ્થાનમાં ટ્રેનમાં સોનાના દાગીનાની ચોરીનો પર્દાફાશ થવા પામ્યો છે. રાજસ્થાન જતી શીફ્ટકારમાં સવાર સુરેશ લાદુરામ જયકિશનજી વિશ્નોઈ રહે.દાંતીવાસ, જિ.ઝાલોર, નિરજ ઓમપ્રકાશજી વિશ્નોઈ રહે.ગુંદાઉ કે ઢાણી તા.સાંચોર અને જગદીશ પપુરામ ઠાકરારામ જાતે વિશ્નોઈ રહે.મેઘાવા જિ.ઝાલોર રાજસ્થાનવાળાએ પોલીસની પુછપરછમાં ધાનેરામાં બુધવારે ઈકો ગાડીની ચોરી થઈ હતી. તે ગાડીની ચોરી હોવાની કબૂલાત કરી હતી. ચોરી કરેલ ઈક્કો ગાડી આગળ જતી હોવાનું જણાવતા પોલીસે તેમની વધુ પુછપરછ કરતા તેમને ગુજરાત તેમજ અન્ય રાજ્યમાં ૧૫ જેટલી ચોરી કરેલની કબૂલાત કરી હતી અને આગળ જતી ચોરીની ઈક્કો ગાડીને ઝડપી પાડવા તેનો પીછો કરતા રાજસ્થાનના પળાદર ગામ પાસે ઈક્કો પલટી ખાધેલ હાલતમાં મળી આવતા પોલીસે ગાડી કબજે કરી હતી. તેમજ અગાઉની અન્ય ચોરીના વાહનોની તપાસ શરૃ કરવામાં આવી હતી.