ધાનેરા: કાચબાનું શિફ્ટીંગ સીપુ ડેમમાં કરતા સ્થાનિકોનો વિરોધ
- ગ્રામજનોએ કાચબા બચાવવા અભિયાન હાથ ધર્યું
- રામપુરાના તળાવમાં સેવાભાવી સંસ્થાઓએ લાખો રૂપિયાના ખર્ચ કર્યા બાદ તંત્ર જાગ્યું
ધાનેરા,તા.06 મે 2020, બુધવાર
ધાનેરા તાલુકાના રામપુરા છોટા ગામમાં ગામના તળાવમાં પાણી સુકાઈ જતા મોટી માત્રામાં કાચબાઓ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા હતા. ત્યારે આ બાબતને મિડીયા દ્વારા બહારલાવતા સેવાભાવી સંસ્થાઓ આગળ આવી હતી અને લાખોના ખર્ચે પાણી ભરવાનું અભિયાન હાથ ધર્યું હતું. હવે જ્યારે પાણી ભરાઈ ગયું છે ત્યારે વનતંત્ર સભાળું જાગ્યું હતું અને તમામ કાચબાઓને સીપુ ડેમમાં ખસેડવાની ગતિવિધીઓ હાથ ધરી હતી. જેનો સ્થાનિકોએ વિરોધ કર્યો હતો.
સેવાભાવી સંસ્થાઓ દ્વારા દરરોજ આ તળાવમાં પાણીના ટેન્કર નાખી તળાવ ભરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.ત્યારે કાચબાઓને પણ પૂરતા પ્રમામમાં પાણી મળી રહેતા કાચબા બચી જવા પામ્યા છે. ત્યારે આજે ફોરેસ્ટ વિભાગ દ્વારા આ કાચબાઓને સીફટીંગ કરવા માટે સીપુ ડેમ તેમજ દાંતીવાડા ડેમમાં લઈ જવાતા હતા ત્યારે સ્થાનિક લોકો અને સેવાભાવી સંસ્થાઓ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ફોરેસ્ટ વિભાગનો વિરોધ કર્યો હતો. સાથે સાથે ચિમકી પણ ઉચ્ચારી હતી કે, જો કાચબાઓને લઈ જવામાં આવશે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. વિવિધ સંસ્થાઓ તેમજ ગ્રામજનોનું કહેવું છેકે જો કાચબા લઈ જવામાં આવે તો કાચબાઓ મોતને ભેટી શકે છે. તો બીજી તરફ કાચબાના બચ્ચા પણ જો આ તળાવ રહી જાય તો પણ તે મોતને ભેટી શકે છે. ત્યારેલાખો રૃપિયાના ખર્ચા બાદ હવે તંત્ર જાગ્યું છે અને કાચબાઓને લેવા માટે આવ્યું છે.ત્યારે વિવિધ સેવા સંગઠન દ્વારા ચોમાસા સુધી આ તળાવમાં પાણી પુરુપાડવાની ખાતરી આપતા ફોરેસ્ટ વિભાગ કાચબાને લીધા વગર પરત ફર્યો હતો.