ધાનેરામાં રાત્રિ કરફ્યું છતાં 7 લોકોએ બે સોનીની દુકાનોમાં ચોરી કરી
- તસ્કરો સીસીટીવીનું ડીવીઆર લઈ ગયા
- બન્ને દુકાનોમાંથી એક લાખ જેટલી ચોરીઃ સીસીટીવીમાં 7 લોકો કેદ
ધાનેરા,તા.16 જુલાઈ 2020, ગુરૂવાર
ધાનેરા પોલીસનું સતત પેટ્રોલીંગ છતાં તસ્કરોએ કરફ્યુંમાં પણ કળા કરી હતી. સોનીની બે દુકાનોના શટર તોડી ૩૭૦૦૦ના તથા ૬૦,૦૦૦ના ચાંદીના દાગીનાની ચોરી થઈ હતી. આ સમગ્ર મામલો સીસીટીવીમાં કેદ થયો છે.જેમાં ૭ ઈસમો ચોરી કરતા દેખાઈ રહ્યા છે જેની પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ધાનેરા તાલુકામાં કોરોનાના પાંચ કેસ તથા આજે વધુ બે કેસ નોંધાતા પોલીસ સક્રીય થઈ છે. દિવસ રાત પેટ્રોલીંગ ચાલુ છતાં તસ્કરોએ પોતાનો દાવ અજમાવી ધાનેરા સ્ટેશન રોડ ઉપર આવેલ શીતલ શોપીંગ સેન્ટરની ઈશ્વરભાઈ સોનીની પૂનીત જ્વેલર્સની દુકાનમાં ચોરી કરી હતી. જેમાંથી ચાંદીની વીંટીના બોક્ષ-૨, ચાંદીના તાર પરચુરણ આઈટમ મળી કુલ ૩૭૦૦૦ તથા સીસીટીવીનું ડીવીઆર પણ લઈ ગયા. તથા લીમડા ચોક વિસ્તારમાં સોની નટવરલાલ ચમનલાલની દુકાનમાંથી ૬૦,૦૦૦ના દાગીના તથા સીસીટીવીનું ડીવીઆર સાથે ચોરી કરી ગયા હતા. આ બાબતે ધાનેરા પોલીસમાં અરજી આપતાં પોલીસે તપાસ શરૃ કરી હતી. જેમાં અન્ય દુકાનમાં લગાવેલ સીસીટવી કેમેરામાં સાત ઈસમો વાહન સાથે ફરી રહ્યા હતા.