છાપીના મજાદરમાં શંકાસ્પદ કોરોનાના દર્દીનું મોત
- ૬૫ વર્ષીય વૃધ્ધ ત્રણ દિવસથી ધારપુર ખાતે સારવાર હેઠળ હતા
- મૃતક વૃધ્ધનો શનિવારે લીધેલ સેમ્પલનો રિપોર્ટ હજુ બાકીઃ મૃતક અનેક બીમારીઓથી પીડિત હતો
છાપી તા. 21 એપ્રિલ, 2020, મંગળવાર
કોરોના કહેર વચ્ચે બનાસકાંઠાના છાપીના મજાદર ગામના એક ૬૫
વર્ષીય વૃધ્ધને શંકાસ્પદ કોરોનાના લક્ષણ દેખાતા વડગામ આરોગ્ય વિભાગે તાત્કાલિક
સારવાર માટે પાટણની ધારપુર મેડિકલ કોલેજ ખાતે રીફર કરવામાં આવ્યો હતો. જ્યાં દર્દીના લોહીનું સેમ્પલ લઇ પરીક્ષણ માટે
મોકલવામાં આવેલ દરમિયાન શંકાસ્પદ કોરોના લક્ષણ ધરાવતા વૃદ્ધનું ધારપુર ખાતે સારવાર
દરમિયાન સોમવાર રાત્રે મોત થતા ખળભળાટ મચી ગયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ વડગામ તાલુકા છાપીના મજાદર ગામે
આરોગ્યની સર્વેની કામગીરી દરમિયાન એક ૬૫ વર્ષીય વૃધ્ધને શરદી, ખાંસી અને
શ્વાસની બીમારી જણાતાં છાપી મેડિકલ ઓફિસર દિપકભાઇ સહિતની ટીમે પ્રાથમિક સારવાર આપી
વૃધ્ધ દર્દીને તાત્કાલિક સારવાર માટે ધારપુર ખાતે ખસેડવામાં આવ્યો હતો. જયાં
કોરોનાના શંકાસ્પદ લક્ષણ જણાતાં દર્દીના સેમ્પલ લઇ પરિક્ષણ માટે અમદાવાદ લેબમાં
મોકલવામાં આવ્યા હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું જોકે દર્દીનો રીપોર્ટ આવે તે
પૂર્વે સારવાર લઇ રહેલ વૃધ્ધે ધારપુર મેડિકલ કોલેજમાં સોમવાર રાત્રે દમ તોડતા
વડગામ પંથકમાં ખળભળાટ સાથે કાળમુખા કોરોના ને લઇ ભયનું વાતાવરણ સર્જાયું હતું.
શંકાસ્પદ કોરોના લક્ષણ ધરાવતા મૃતકના શબને સોમવાર મોડી રાત્રે મજાદર ખાતે દફનવિધિ
કરવામાં આવી હતી.
મૃતકને અનેક બીમારીઓ હતી
મજાદરમાં શંકાસ્પદ કોરોના દર્દીના મોત અંગે વડગામ આરોગ્ય
અધિકારી ડો.પ્રકાશભાઇ ચૌધરી એ જણાવ્યું હતું કે દર્દી છેલ્લા પંદર વર્ષથી હ્યદયરોગ, શ્વાસ તેમજ
ડાયાબિટીસથી પીડિત હતો જોકે દર્દીના મોત નું કારણ પુછતા તેઓ એ જણાવ્યું હતું કે
રીપોર્ટ આવ્યા બાદ હકીકત જાણી શકાશે.
બહારથી આવેલા ૧૮ લોકોને શેલ્ટર હોમમાં રખાયા
મજાદર ગામમાં છેલ્લા એક સપ્તાહમાં મુંબઇ, હરિયાણા સહિતના
શહેરોમાંથી આવેલ અઢાર લોકોને પ્રાથમિક શાળામાં બનાવેલા શેલ્ટર હોમમાં રાખવામાં
આવ્યા હોવાનું જાણવા મળે છે.જ્યારે આ તમામ લોકો વારંવાર બહાર નીકળી જતાં હોવાની
ફરિયાદ ઉઠવા પામી છે.