દાંતાના કોંગી ધારાસભ્ય કાંતિ ખરાડી કોરોનામાં સપડાયા
- બનાસકાંઠામાં કોરોનાના વધુ 14 કેસ સામે આવ્યા
- 3 મહિલા અને 11 પુરુષનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યોઃ પાલનપુરમાં 7, ડીસા 3 અને દાંતીવાડા, ધાનેરા અને કાંકરેજમાં 1-1 કેસ નોંધાયા
પાલનપુર, તા. 16 જુલાઈ 2020, ગુરૂવાર
બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઈરસના સંક્રમણ વચ્ચે વધુ એક ધારાસભ્ય કોરોનામાં સપડાયા છે. સાથે નવા ૧૪ વ્યક્તિના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેમાં ત્રણ મહિલા અને ૧૧ પુરુષ કોરોનામાં સંક્રમિત બનતા જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાગ્રસ્ત દર્દીનો કુ આંક ૪૭૨ પર પહોંચ્યો છે.
બનાસકાંઠા જિલ્લામાં જાણે કોરોના વાઈરસ વાવાઝોડા સ્વરૃપે ફેલાઈ રહ્યો હોય તેમ છેલ્લા એક મહિનાથી શહેરી વિસ્તારોમાં લોકલ સંક્રમણ તીવ્ર ગતિએ ફેલાતા એક બાદ એક વ્યક્તિઓ કોરોના વાઈરસથી સંક્રમિત બની રહ્યા છે. જેમાં અગાઉ વાવના મહિલા ધારાસભ્ય ગેનીબેન ઠાકોર કોરોનામાં સપડાયા હતા. વધુ એક દાંતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે અને તેઓ અમદાવાદની સીમ્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જોકે જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વકરી રહ્યું હોય પોઝિટિવ દર્દીઓનો ગ્રાફ સતત વૃધ્ધિ પામી રહ્યો છે. જે વચ્ચે ગુરુવારે વધુ ૧૪ વ્યક્તિના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે. જેમાં પાલનપુરમાં ૭, ડીસા ૩ અને દાંતીવાડા, ધાનેરા અને કાંકરેજમાં ૧-૧ કેસ નોંધાયા છે. જેમાં ૩ મહિલા અને ૧૧ પુરુષનો સમાવેશ થાય છે. જોકે બનાસકાંઠામાં આરોગ્ય વિભાગ દ્વારા અત્યાર સુધીમાં ૧૨૫૭૧ વ્યક્તિના સેમ્પલ લેવાયા છે. જેમાં ૧૧૭૧૬ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જ્યારે ૪૭૨ વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાં ૩૦૮ જેટલા વ્યક્તિ સ્વસ્થ થઈ રજા મેળવી છે. જ્યારે જિલ્લામાં હાલ ૧૨૬ થી વધુ કોરોનાના એક્ટીવ કેસો છે. જ્યારે ૨૪ દર્દીઓના મરણ થયા છે.
જિલ્લામાં 308 વ્યક્તિએ કોરોનાને માત આપી
બનાસકાંઠામાં આરોગ્ય વિભાગ દ્વારા અત્યાર સુધીમાં ૧૨૫૭૧ વ્યક્તિના સેમ્પલ લેવાયા છે. જેમાં ૧૧૭૧૬ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જ્યારે ૪૭૨ વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાં ૩૦૮ જેટલા વ્યક્તિ સ્વસ્થ થઈ રજા મેળવી છે. જ્યારે જિલામાં હાલ ૧૨૬થી વધુ કોરોનાના એક્ટીવ કેસો છે.
કોંગ્રેસના બીજા ધારાસભ્ય કોરોનામાં સપડાયા
બનાસકાંઠામાં કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય કોરોનાની ઝપટમાં આવ્યા છે. અગાઉ વાવના મહિલા ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. જે બાદ દાંતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ અમદાવાદ સીમ્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
દાંતાના કોંગી ધારાસભ્યનું ઘર સેનેટાઈઝ કરાયું
અમીરગઢમાં હજુ સુધી કોરોના વાઈરસનો એક પણ કેસ નોંધાયો ન હતો. પરંતુ અમીરગઢના ઘાંઘુના વતની અને દાંતા વિધાનસભાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીને કોરોનાની અસર દેખાતા સારવારઅર્થે અમદાવાદ ખસેડાયા હતા. ત્યાં તપાસ બાદ તેઓને કોરોના પોઝિટિવ કેસ આવ્યાનું તાલુકા હેલ્થ ઓફિસર બી.ડી. મહેતાએ જણાવ્યું હતું. ધારાસભ્યને કોરોના થતા અમીરગઢનું આરોગ્ય ખાતું હરકતમાં આવ્યું છે અને ધારાસભ્યના રહેઠાણને પ્રતિબંધિત વિસ્તાર કરવામાં આવેલ છે. મામલતદાર પણ પહોંચ્યા હતા અને ધારાસબ્યના પરિવારજનોને કોરોન્ટાઈન કરી બધાની તપાસ કરવામાં આવી હતી.