48 વર્ષે પારણું બંધાયું, વિશ્વ મહિલા દિન નિમિત્તે જ દીકરીના જન્મના વધામણાં
- પાલનપુર તાલુકાના વાસણા જગાણા ગામે
- પોલીસ પિતાએ વિશ્વ મહિલા દિવસે દીકરીના વાજતે ગાજતે વધામણા કર્યા
પાલનપુર,
છાપી, , તા. 08 માર્ચ
2020, રવિવાર
પાલનપુર તાલુકાના વાસણા (જગાણા) ગામના એક દંપતીને ૪૮ વર્ષના
દામ્પત્ય બાદ તેમના ઘરે પારણું બંધાતા આ દંપતી દ્વારા વિશ્વ મહિલા દિવસે દીકરી
જન્મના વધામણા કરવાનો અનોખો કાર્યક્રમ યોજ્યો હતો અને લોકોને દીકરીને જન્મના
વધામણા કરવા સાથે દીકરીઓને ઉચ્ચ શિક્ષણ આપવાની પ્રેરણા આપી હતી.
પાલનપુરમાં પોલીસ જવાન તરીકે ફરજ બજાવતા વાસણા (જ) ગામના
જયંતીભાઈ ભેમજીભાઈ શેખલીયાના ૪૮ વર્ષના લાંબા દામ્પત્ય જીવનમાં પ્રથમ સંતાન તરીકે
એક દીકરીનો જન્મ થતા આ દંપતીમાં આનંદ વ્યાપ્યો હતો. જોકે ભગવાને અડધી ઉંમરે એક
દંપતીને પુત્રી આપતા આ દંપતીે સમાજમાં બેટી બચાવો, બેટી પઢાઓ અંગે જાગૃતિ આવે તે માટે સંકલ્પ કર્યો હતો અને
પુત્રીના જન્મના વધામણા કરવા માટે ૮મી માર્ચના વિશ્વ મહિલા દિવસે તેમના ઘરે દીકરી
જ જન્મના વધામણા કરવાનો અનોખો કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં સગાવહાલા, સ્નેહી, સ્વજનોની ઉપસ્થિતિમાં
દીકરીની સાકર તુલા કરીને તેના વધામણા કરવામાં આવ્યા હતા અને લોકોને દીકરી જન્મના
વધામણા કરવાની પ્રેરણા પુરી પાડી હતી.
પોતાના ઘરે પ્રથમ સંતાન તરીકે જન્મ લેનાર પુત્રીનું મહિલા
કલાનિધિ ટ્રસ્ટ દ્વારા લક્ષ્મી તુલા- સાકર તુલાથી સન્માન કર્યું હતું. જેનું વજન
૬.૬૫૦ જેટલું વજન થયું હતું. દીકરી જન્મના વધામણાનો સવિશેષ કાર્યક્રમમાં વડીલ
વંદના, માતૃ, વંદનાનો ત્રિવેણી
કાર્યક્રમ યોજવા બદલ સગાવહાલાઓ,
ગ્રામજનોએ સમસ્ત શેખલીયા પરિવારના આયોજકોને સહયોગી સૌને મુક્ત મને અભિનંદન
પાઠવ્યા હતા અને સમસ્ત વાસણા(જ) ના મહોલ્લાઓમાં દીકરી જન્મની અનોખી ખુશી જોવા મળી
હતી.