અવિશ્વાસ પ્રસ્તાવની સમિક્ષા હેતુ પાલિકા દ્વારા તાત્કાલિક બોર્ડની બેઠક બોલાવાઈ
- અવિશ્વાસની દરખાસ્તને લઈ પાલનપુર પાલિકાનું વાતાવરણ ગરમાયું
- પ્રમુખ વિરુદ્ધ શાસકપક્ષના સભ્યોમાં અસંતોષ ચરમસીમાએ પહોંચ્યો, વિપક્ષ કોંગ્રેસ પણ સજાગ થઈ
પાલનપુર,તા. 29 ફેબ્રુઆરી 2020, શનિવાર
આયેદિન વિવાદોમાં ઘેરાયેલી રહેતી ભાજપ શાસિત પાલનપુર
નગરપાલિકા ફરી એકવાર પ્રમુખ વિરુદ્ધ રજૂ થયેલી અવિશ્વાની દરખાસ્તને લઈ વિવાદોમાં
સપડાઈ છે. કોંગ્રેસના ૧૭ સભ્યો દ્વારા શૌચાલય અને રાજીવ આવાસ યોજનામાં પ્રમુખના
કથિત કૌભાંડ મામલે અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવતા પાલિકાનું રાજકારણ
ગરમાયું છે અને પાલિકા દ્વારા અવિશ્વાસના પ્રસ્તાવની સમીક્ષા કરવા હેતુ તાત્કાલિક
ધોરણે જનરલ બોર્ડની સાધારણ સભા બોલાવવા એજન્ડા બહાર પાડવામાં આવ્યો છે.
પાલનપુર નગરપાલિકા ચેક, રાજીવ આવાસ,
શૌચાલય પ્રકરણ તેમજ ઘન કચરાની કામગીરીને લઈ વિવાદોમાં સપડાઈ છે. જેમાં ભાજપમાં
નગરસેવક અમૃત જોષી દ્વારા પાલિકા પ્રમુખ અશોક ઠાકોર સામે ડોર ટુ ડોર ઘન કચરાના
નિકાલની કામગીરીમાં કરોડોનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યા હોવાની ગાંધીનગર કમિશ્નરને
લેખિત રજૂઆત કરવામાં આવતા ભાજપમાં ભડકો થયો હતો. તેવા સમયે વિપક્ષ કોંગ્રેસના ૧૭
નગરસેવકો દ્વારા પ્રમુખ સામે ભ્રષ્ટાચાર આચરવા અને મનસ્વી વહિવટ ચલાવવા મામલે
અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવતા પાલિકામાં રાજકીય ભૂકંપ સર્જાયો છે. ત્યારે
ભીષમાં મુકાયેલ પ્રમુખ દ્વારા અવિશ્વાસના પ્રસ્તાવની સમીક્ષા કરવા માટે તાત્કાલિક
ધોરણે આગામી તા.૫ માર્ચ ૨૦૨૦ને ગુરુવારના બપોરે ૧૨-૩૦ કલાકે નગરપાલિકાની જનરલ
બોર્ડની સામાન્ય સભા બોલાવવા માટે એજન્ડા બહાર પડાતા પાલિકાના રાજકારણમાં ગરમાવો
છવાયો છે.
પાલિકામાં શાસન બચાવવા ભાજપ મેદાનમાં
ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકાના પ્રમુખ અશોક ઠાકોર સામે
કોંગ્રેસના સભ્યો દ્વારા અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવતા ભાજપના મોડવી મંડળ
દ્વારા પાલિકામાં શાસન બચાવવા માટે તાત્કાલિક ધોરણે બોર્ડની બેઠક બોલાવવા આદેશ
કરવામાં આવ્યો હોવાનું પ્રમુખે જણાવ્યું હતું.
અવિશ્વાસની દરખાસ્તને લઈ બોર્ડની બેઠક બોલાવાઈ
નગરપાલિકાના ચીફ ઓફીસર સતીષ પટેલે જણાવ્યું હતું કે
કોંગ્રેસના ૧૭ સભ્યો દ્વારા પ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવતા
તેના સંદર્ભે આગામી તા.૫-૩-૨૦૨૦ના બપોરે ૧૨ઃ૩૦ કલાકે પાલિકાના સાધારણ બોર્ડની
સામાન્ય સભા બોલાવવામાં આવી છે.