લાખણીના ધુણસોલ ગામની દૂધ મંડળીને ગ્રાહકોએ તાળા માર્યા
- દૂધનો નફો ઓછો અપાતો હોવાના આક્ષેપ સાથે
- નફાની ફાળવણીમાં મંત્રી દ્વારા ગેરરીતિ આચરાઈ હોવાનો ગ્રાહકોએ કર્યા આક્ષેપો
લાખણી,તા.09 સપ્ટેમ્બર 2020, બુધવાર
લાખણી તાલુકાના ધુણસોલ ગામે આવેલી બનાસડેરી સંચાલિત દૂધ ડેરીમાં મંત્રી તેમજ ચેરમેન દ્વારા ગ્રાહકો વચ્ચે પક્ષપાત રખાતો હોવાનો તેમજ દૂધનો નફો ઓછો અપાતો હોવાના આક્ષેપો સાથે ૧૫૦ થી ૨૦૦ ગ્રાહકોએ સાથે મળીને દૂધ ડેરીને તાળું મારી દેવાતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.
લાખણી તાલુકાના ધુણસોલ ગામે આવેલી ડેરીમાં થોડા સમય અગાઉ ચારથી પાંચ ગ્રાહકોનું દૂધ ખરાબ હોવાના લીધે તેઓ પાસેથી ૪૫ હજાર જેટલો દંડ વસુલવામાં આવ્યો હતો. ત્યારબાદ ખરાબ દૂધવાળા એકપણ ગ્રાહક પાસેથી દંડ વસુલવામાં આવ્યો નહતોો. તેમજ તાજેતરમાં કોરોનાની મહામારી સમયે બનાસડેરી દ્વારા ગ્રાહકોને દૂધનો ભાવ વધારો આપવામાં આવ્યો હતો. તેમાં પણ ધુણસોલ ડેરી દ્વારા ગ્રાહકોને ઓછો ભાવ વધારો ફાળવવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે મંગળવારના રોજ ૨૦૦ જેટલા ગ્રાહકો દૂધ ડેરી ખાતે ધસી આવીને ડેરીને તાળાબંધી કરી હતી અને તેઓને ન્યાય નહીં મળે ત્યાં સુધી ડેરી ખોલવામાં આવશે નહી તેવું જણાવ્યું હતું.