ઉત્તર ગુજરાતમાં 10 જૂન સુધી હળવા વરસાદની શક્યતાઃ હવામાન વિભાગ
- મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયોઃ નિસર્ગ વાવાઝોડાની નહિવત અસર
ડીસા,તા.06 જૂન 2020, શનિવાર
હવામાન પલટાને લઈ આગામી ૧૦ જૂન સુધી ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. શુક્રવારે ફુંકાયેલા પવન સાથે ઠેકઠેકાણે વરસાદ પડયા બાદ શનિવારે વાતાવરણમાં બફારો અને ઉકળાટનો લોકો અનુભવ કરી રહ્યા હતા.
હાલમાં ઉત્તર ગુજરાત સહિત બનાસકાંઠામાં હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે. જ્યારે હવામાન વિભાગ માટે કામ કરતી એક્યુ વેધરના જણાવ્યાનુસાર ડીસામાં ૩૭.૭ ડીગ્રી, પાલનપુર૩૭, અમીરગઢ-૩૫, અંબાજી-૩૪, આબુરોડ-૩૫, ઈડર-૩૬, મહેસાણા-૩૫, ઊંઝા-૩૫, સિદ્ધપુર-૩૫, પાટણ-૩૮, મોડાસા-૩૬, હિંમતનગર-૩૫, ખેડબ્રહ્મા-૩૬ ડીગ્રી મહત્તમ તાપમાન નોંધાવા પામ્યું હતું. ઉત્તર ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લામાં આકાશમાં વાદળોનો જમાવડો થતો જોવા મળી રહ્યો છે. ગુજરાત પંથકમાં નીસર્ગ વાવાઝોડાની સદભાગ્યે નહીવત અસર થઈ છે. પવનના સુસવાટા વચ્ચે વરસાદી છાંટા પડયા હતા.