પાલનપુર તાલુકાના ખોડલા ગામનો બીએસએફ જવાન મેઘાલયમાં શહિદ
- જવાનની અંતિમ યાત્રામાં ગામ હિંબકે ચઢ્યું
- જવાનને માદરે વતનમાં ગાર્ડ ઓફ ઓનર સાથે સન્માનભેર અંતિમ સંસ્કાર કરાયા ઃ મોટી સંખ્યામાં લોકો જોડાયા
પાલનપુર,તા.2 જાન્યુઆરી, 2020,
બુધવાર
પાલનપુર તાલુકાના ખોડલા
ગામના વતની અને મઘાલયની તુરા બોર્ડર પર ફરજ બજાવતા બીએસએફ જવાનનુ ચાલુ ફરજે
આકસ્મિક નિધન થતા મૃતકના પાર્થિવદેહને માદરે વતન લવાયો હતો.
જ્યાં મૃતક જવાનની
અંતિમયાત્રા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અને બીએસએફની ટીમ દ્વારા જવાનને
ગાર્ડ ઓફ ઓનર સાથે સલામી આપવામાં આવી હતી. તેમજ દેશભક્તિના ગીતો સાથે મૃતક જવાનની
સન્માનભેર અંતિમક્રિયા કરવામાં આવી હતી.
મેઘાલયની તુરા બોર્ડર પર
દેશની રક્ષા કરતા પાલનપુર તાલુકાના ખોડલા ગામના બીએસએફ જવાન સરદાર ભેમજીભાઈ ચૌધરી
(બોકા) જે બુધવારના રોજ કામાખ્યા ખાતે ફરજ બજાવતા હતા. દરમિયાન તેમનું આકસ્મિક
નિધન થતા બીએસએફની બટાલિયન દ્વારા મૃતક જવાનને ગુરુવારની વહેલી સવારે માદરે વતન
ખોડલા ખાતે લાવવામાં આવ્યો હતો. જ્યાં તેને ગાર્ડ ઓફ ઓનર સાથે સલામી આપવામાં આવી
હતી. અને દેશભક્તિના ગીતો સાથે સન્માનભેર અંતિમયાત્રા નીકાળવામાં આવી હતી.
જેમાં મોટી સંખ્યામાં
લોકો જોડાઈને મૃતક જવાનને શ્રધ્ધાંજલિ અર્પી હતી. જોકે સરહદે માતૃભૂમિની રક્ષા
કરતા ખોડલા ગામના એક જવાનનું ચાલુ ફરજે આકસ્મિક નિધન થતા ગામ હિંબકે ચડયું હતું.
અને મૃતક જવાનને સન્માનભેર અંતિમ વિદાય અપાઈ હતી.