બનાસકાંઠામાં 31 માર્ચ સુધી ગુજરાત બહારના વાહોનોના પ્રવેશ પર પાબંધી
- એસટી તેમજ ટેક્સી વાહનો ૨૫ માર્ચ સુધી બંધ રહેશે
- પાલનપુરમાં પોલીસે મુસાફરો ભરીને દોડતા શટલીયા વાહનો અને રીક્ષાઓ બંધ કરાવી
પાલનપુર તા. 23 માર્ચ 2020, સોમવાર
પાલનપુરમાં કોરોના વાઇરસના સંક્રમણને રોકવા માટે તંત્ર
એલર્ટ બન્યું છે. અને લોકોના આરોગ્યની સલામતી માટે તકેદારીના પગલાં ભરવામાં આવી
રહ્યા છે. જેમાં સોમવારે વિભાગ દ્વારા બનાસકાંઠામાં ગુજરાતના ટેક્ષી પાર્સિગના
વાહોની અવર જવર પર ૨૫ માર્ચ સુધી અને બહારના રાજ્યના વાહનોની અવર જવર પર ૩૧ માર્ચ
સુધી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેને લઇ પાલનપુરમાં પોલીસ અને આરટીઓ દ્વારા
શહેરમાં મુસાફરો ભરીને દોડતી ઓટોરીક્ષા અને શટલીયાને બંધ કરાવવામાં આવ્યા હતા.
ગુજરાતમાં કોરોના વાઇરસના પોજેટીવ કેસોમાં સતત વધારો થઇ રહ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા કોરોનાના કહેર થી લોકોને બચાવવા માટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. જેમાં જનતા કરફયુને જબરજસ્ત પ્રતિસાદ સાપડયા બાદ બનાસકાંઠામાં કોરોના વાઇરસના સંક્રમણને રોકવા માટે સરકાર દ્વારા અગાઉ બસ તેમજ ટ્રેન સેવા બંધ કરવામાં આવી હતી. જે બાદ સોમવારે બનાસકાંઠા આરટીઓ વિભાગ દ્વારા ૨૫ માર્ચ સુધી ગુજરાતના ટેક્ષી પાર્સિગના વાહનો અને તા.૩૧ માર્ચ સુધી રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિત બહાર પ્રાંત ના વાહનોની અવર જવર પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જેને લઇ બનાસકાંઠાના વડા મથક પાલનપુરમાં પોલીસ અને આરટીઓ દ્વારા શહેરમાં મુસાફરો ભરીને દોડતી ટેક્સીઓ તેમજ ઓટોરિક્ષાને બંધ કરાવી હતી અને લોકોને કોરોના વાઇરસથી બચવા માટે બિન જરૃરી બહાર ન નીકળવા અપીલ પણ કરવામાં આવી હતી.
દર્દીઓ પાસે થી ડબલ ભાડું વસુલી ને લુંટ ચલાવી રહ્યા છે
પાલનપુરની ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેતા રાજસ્થાનના
દર્દીઓને સારવાર પુરી થયા બાદ રજા આપવામાં આવતા રાજસ્થાનના ખાનગી વાહન ચાલકો
દ્વારા ખાનગી રીતે વાહનોમાં મુસાફરોની અવરજવર કરવામાં આવી રહી છે. જેમાં આબુરોડનું
ભાડું ૬૦ રૃપિયા ના દબલે ૧૫૦ અને શિહોરીનું ભાડું ૧૨૦ હતું. તેના બદલે ૨૦૦ વસુલી
ને દર્દીઓની ઉગાડી લુંટ ચલાવવામાં આવી રહી છે.
પાલનપુરમાં રાજસ્થાનના મુસાફરો અટવાયા
કોરોના વાઇરસના સંક્રમણને રોકવા માટે રાજસ્થાનની બોર્ડરો
સિલ કરવામાં આવતા રાજસ્થાન ને જોડતો વાહન વ્યહવાર સદંતર બંધ થઇ જતા પાલનપુર સહિત
જિલ્લામાં કામ કાજ કરતા તેમજ સારવાર અર્થે આવેલા રાજસ્થાનના લોકો અટવાઇ પડયા હતા.
તેમજ કેટલાક લોકોને વતન જવા માટે પગયાત્રા કરવાની ફરજ પડી હતી.