પાલનપુર નકલી નોટ પ્રકરણમાં રાજસ્થાનના ત્રણ આરોપીની ધરપકડ
- પાંચ આરોપીના કોરોના સેમ્પલ લેવાયા
- નકલી નોટ છાપવાના મશીન સહિત રૂ.10.44 લાખનો મુદ્દામાલ કબજે કરાયો
પાલનપુર,તા.08 જૂન 2020, સોમવાર
બનાસકાંઠામાં અડધી કિંમતે નકલી નોટો પધરાવવાના રેકેટમાં વધુ ત્રણ આરોપી ઝડપાયા છે. પાલનપુર એસઓજી પોલીસની ટીમે બે દિવસ અગાઉ ચડોતર નજીક એક ગાડીમાં સવાર બે શખસો પાસેથી રૃ.૭.૬૮ લાખની કિંમતની બે હજારના દરની ૩૮૪ ડુપ્લીકેટ ચલણી નોટો ઝડપી પાડી હતી. પોલીસ તપાસમાં આ નકલી નોટ રેકેટમાં રાજસ્થાન કનેક્શન હોવાનું બહાર આવતા રાજસ્થાનના ત્રણ શખસની નોટો છાપવાના મશીન સાથે ઝડપી પાડવામાં આવ્યા છે અને પાંચેય આરોપીના કોરોનાના સેમ્પલ લેવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ આરોપીઓ વિરુદ્ધ અટકાયતી પગલાં સહિતની કાર્યવાહી કરવામાં આવશે.
કોરોનાના કહેર વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં નકલી ચલણી નોટો ઘુસાડવાનુ ષડયંત્ર ઝડપાયું છે. પાલનપુર એસઓજી પોલીસની ટીમે ગત શુક્રવારની રાત્રે અંબાજીથી ડીસા તરફ જઈ રહેલ એક બલેનો ગાડીમાંથી રૃ.૭.૬૮ લાખની કિંમતની બે હજારના દરની ૩૮૪ નકલી નોટો સાથે દિયોદરના કુવાતા ગામના હમીરભાઈ પુનમભાઈ પટેલ (કાગ) અને વાવના યુવા ગામના રામાભાઈ અમરાભાઈ પટેલની અટકાયત કરી બનાવમાં કુલ રૃ.૮,૧૨,૬૦૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. જોકે આરોપીઓની પૂછતાછમાં નકલી નોટોનુ કનેક્શન રાજસ્થાન હોવાનું માલૂમ પડતા પોલીસ દ્વારા રાજસ્થાન શિરોહીના કાલુન્દ્રીના જલારામ કસનારામ દેવાસી, લાલરામ પ્રભુરામ દેવાસી અને નકલી નોટ છાપવાના મશીનની હેરાફેરી કરતા શંકર વીરારામ દેવાસીની નોટો છાપવાના મશીન તેમજ ૪૦ હજારની કિંમતની બે હજારના દરની ૪૦ અસલી નોટો ત્રણ મોબાઈલ સહિત કુલ રૃ.૧૦,૪૪,૫૦૫માં મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. અને બનાવના પાંચેય આરોપીના લેવામાં આવેલ કોરોના સેમ્પલનો રિપોર્ટ આવ્યા બાદ તેમની સામે અટકાયતી સહિત કાર્યવાહી કરવામાં આવશે.
અગાઉ બે આરોપીઓ પકડાયા હતા
પાલનપુરના ચડોતર નજીક ડુપ્લીકેટ નોટ સાથે ઝડપાયેલા દિયોદરના કુવાતા ગામના હમીરભાઈ પુનમભાઈ પટેલ (કાગ) અને વાવના ચુવા ગામના રામાભાઈ અમરાભાઈ પટેલ રાજસ્થાન શિરોહીના કાલુન્દ્રીના જાલારામ કસનારામ દેવાસી, લાલરામ પ્રભુરામ દેવાસી અને શંકર વીરારામ દેવાસીના સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમનો રિપોર્ટ આવ્યા બાદ તેમની અટકાયતી સહિતની કાર્યવાહી કરવામાં આવશે.
નોટો છાપવાના મશીન ૧૦.૪૪ લાખનો મુદ્દામાલ કબજે કરાયો
પાલનપુરના ચડોતર નજીકથી ઝડપાયેલ નકલી નોટ પ્રકરણમાં પોલીસ દ્વારા રાજસ્થાનના વધુ ત્રણ આરોપીને નોટો છાપવાના મશીન સહિત કુલ રૃ.૧૦,૪૪,૫૦૫ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.