Get The App

પાલનપુર પાલિકામાં ડોર ટુ ડોર ઘન કચરો એકત્રિત કરવાના કામમાં કૌભાંડના આક્ષેપ

- 2.40 કરોડની કામગીરી સામે નગરસેવકની રજૂઆત

- પાલિકાના પ્રમુખ અને તત્કાલિન ચીફ ઓફીસર સામે કાર્યવાહી કરવાની માંગઃ કોન્ટ્રાક્ટના કામમાં પાલિકાના સાધનોનો ઉપયોગનો આક્ષેપ

Updated: Feb 28th, 2020

GS TEAM

Google News
Google News
પાલનપુર પાલિકામાં ડોર ટુ ડોર ઘન કચરો એકત્રિત કરવાના કામમાં કૌભાંડના આક્ષેપ 1 - image

પાલનપુર,તા.27 ફેબ્રુઆરી 2020, ગુરૂવાર

પાલનપુર શહેરમાં ડોર ટુ ડોર ઘન કચરાના કલેક્શન અને ઓપન સ્પોટો ઉપરથી કચરા તેમજ ગંદકીના નિકાલની કામગીરીમાં નગરપાલિકાના પ્રમુખ અને તત્કાલીન ચીફ ઓફીસર દ્વારા રૃ.૨.૪૦ કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું હોઈ તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ નાણાની વસુલાત કરવા મામલે પાલિકાના એક નગરસેવક દ્વારા ગાંધીનગર મ્યુનિસિપાલીટી કમિશ્નરને લેખિત રજૂઆત કરવામાં આવતા પાલિકા તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકા દ્વારા શહેરમાં ડોર ટુ ડોર ઘન કચરાના કલેક્શન માટે વર્ષ ૨૦૧૮માં ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં ૬૫ શરતો રાખવામાં આવી હતી અને આ કોન્ટ્રાક્ટ સુરતના વેસ્ટ કોર્પોરેશનને આપવામાં આવ્યો હતો. જેમાં પાલિકા પ્રમુખ અશોક ઠાકોર અને તત્કાલીન ચીફ ઓફીસર કોન્ટ્રાક્ટર સાથે ભળી જઈ ટેન્ડરમાં રાખેલ શરતોનો ભંગ કરીને ઘન કચરા સિલેક્શનમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય પાલનપુર નગરપાલિકાના વોર્ડ નં.૮ના સદસ્ય અમૃત ચુનીલાલ જોષીએ ડોર ટુ ડોર ઘન કચરાના કલેક્શન અને ઓપન સ્પોટો ઉપરથી કચરા તેમજ ગંદકીના નિકાલની કામગીરીમાં રૃ.૨.૪૦ કરોડનુ કૌભાંડ આચરવા મામલે પાલિકા પ્રમુખ અને તાત્કાલિક ચીફ ઓફીસર સામે કાયદેસરની કાર્યવાહી કરીને નાણાની વસુલાત કરવા માટે ગાંધીનગર મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશન કમિશ્નરને બુધવારના રોજ લેખિત રજૂઆત કરવામાં આવી છે. જેમાં ટેન્ડરમાં રાખેલ શરતો મુજબ કોન્ટ્રાક્ટર પાસે ૧૫ ટેમ્પા અને ૧૫ ટ્રેક્ટર હોવા જોઈએ અને તેમાં ભાડા કરાર અને અન્ય ગોઠવણ માન્ય ન હોવાછતાં કોન્ટ્રાક્ટર દ્વારા કરાર મુજબના સાધનોની વપરાશ કરવામાં આવતા નથી અને માત્ર ૧૦ સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે.

જેમાં નવ સાધનો ભાડાના રાખીને છેતરપિંડી આચરવામાં આવી રહી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. આમ યેનકેન પ્રકારે છાશવારે વિવાદોમાં સપડાતી પાલનપુર નગરપાલિકાના પ્રમુખ અને તાત્કાલિન ચીફ ઓફીસર વિરુદ્ધ ફરી એકવાર ઘન કચરાના કોન્ટ્રાક્ટમાં કરોડોનું કૌભાંડ આચરવાના ખુદ નગરસેવક દ્વારા આક્ષેપ કરવામાં આવતા પાલિકા તંત્રમાં હડકંપ મચી જવા પામ્યો છે.

કોન્ટ્રાક્ટમાં પાલિકાના સાધનોનો ઉપયોગ

નગરસેવક અમૃત જોષીએ જણાવ્યું હતું કે ઘન કચરાના કલેક્શનની કામગીરીમાં કોન્ટ્રાક્ટર દ્વારા પાલિકાના છોટાહાથી, લોડર, ડમ્પર અને કન્ટેનર લીફ્ટીંગ જેવા ૧૨ સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે અને તેની ડીઝલ તેમજ ડ્રાઈવર પગાર, રિપેરીંગ ખર્ચ નગરપાલિકામાં ઉધારવામાં આવે છે.

ઘન કચરા પાછળ દર મહિને 30 લાખનો ખર્ચ

નગરપાલિકા દ્વારા અગાઉ ઘન કચરાના કલેક્શન પાછળ વાર્ષિક રૃ.૧.૨૬ કરોડનો ખર્ચ કરાતો હતો જ્યારે વર્તમાન સમયમાં મહિને ૩૦.૫૦ લેખે વાર્ષિક રૃ.૩.૬૬ કરોડ એટલે કે ત્રણ ઘણો ખર્ચ કરવામાં આવી રહ્યો છે.

સ્વચ્છતા પાછળ કરોડોનું એંધાણ છતાં ગંદકી ઠેરની ઠેર

સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સરકાર દ્વારા નગરપાલિકાને કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે અને પાલિકાના શાસકો દ્વારા સઘન કચરાની કામગીરીમાં કૌભાંડ આચરવામાં આવતા શહેરના અનેક વિસ્તારોમાં ગંદકીની સમસ્યા ઠેરની ઠેર છે.

Tags :