Get The App

83 દિવસ બાદ મા અંબાના દર્શન થયા, 1500 શ્રધ્ધાળુઓએ શિશ ઝુકાવ્યા

- લોકડાઉનમાં દેવસ્થાન ટ્રસ્ટને રૃ.૪.૯૬ લાખ ઓનલાઇન દાન મળ્યું

- ભક્તોએ માસ્ક તેમજ સોશ્યલ ડિસ્ટન્સીંગ જાળવી માતાજીના દર્શન કર્યા, યજ્ઞા શાળા ટુંક સમયમાં ખુલશે

Updated: Jun 13th, 2020

GS TEAM

Google News
Google News
83 દિવસ બાદ મા અંબાના દર્શન થયા, 1500 શ્રધ્ધાળુઓએ શિશ ઝુકાવ્યા 1 - image

પાલનપુર, અંબાજીતા. 12 જૂન, 2020, શુક્રવાર

કરોડો માઇભક્તોની આસ્થા અને ભક્તિના પરમ પવિત્ર કેન્દ્ર સ્થાન સમાન અંબાજી મંદિરને ૮૩ દિવસ બાદ દર્શનાર્થીઓ માટે ખુલ્લુ મુકાતાં પ્રથમ દિવસે ૧૫૦૦થી વધુ ભક્તોએ માતાજીના દર્શનનો લ્હાવો લીધો હતો. જોકે લોકડાઉનને લઇ મંદિર બંધ હોવા છતાં ભક્તોએ માતાજીના ચરણે રૃ.૪.૯૬ લાખની ઓનલાઇન દાન અર્પણ કર્યું છે.

કોરોના કહેરને લઇ છેલ્લા ૮૩ દિવસથી બંધ સુપ્રસિધ્ધ શક્તિપીઠ અંબાજી મંદિરને શુક્રવારથી ખુલ્લું મુકવામાં આવતા શ્રધ્ધાળુઓમાં આનંદ અને હરખની લાગણી પ્રસરી છે. કોરોનાને લઇ યાત્રિકોની સલામતિ માટે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા વિવિધ વ્યવસ્થાઓ કરવા આવી છે. જેમાં માઇભક્તો મોંઢેં માસ્ક બાંધીને, સોશ્યલ ડિસ્ટન્સીંગ જાળવીને તેમજ તમામ દિશા નિર્દેશોનું પાલન કરીને મંદિરમાં ભક્તિભાવપૂર્વક માતાજીના દર્શન કરી ધન્ય બન્યા હતા. યાત્રિકોને કોઇ જ તકલીફ ન પડે તે માટે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના અધિકારીઓ, કર્મચારીઓ તથા પોલીસ અને સુરક્ષા જવાનો યાત્રિકોને મદદરૃપ બનતા જોવા મળ્યા હતા.

દર્શનાર્થીઓ માટે રેલીંગમાં ટોકન સુવિધા, થર્મલ સ્કેનીંગ દ્વારા યાત્રિકોનો ટેમ્પ્રેચરની ચકાસણી, ઠેર ઠેર સેનેટાઇઝરની સુવિધા ઉપરાંત સાબુથી હાથ ધોવા માટે રેલીંગમાં બોશબેસીનની પણ સગવડ કરાઇ છે. રેલીંગમાં પીવાના પાણીની તથા યાત્રિકોને સંપૂર્ણપણે સેનેટાઇઝ કરી શકાય તે માટે કેબીન બનાવીને થોડીક સેકન્ડોમાં જ યાત્રિકોને ઓટોમેટીક સેનેટાઇઝ કરવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. યાત્રિકો સોશ્યલ ડિસ્ટન્સીંગ જાળવી શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે.

83 દિવસ બાદ મા અંબાના દર્શન થયા, 1500 શ્રધ્ધાળુઓએ શિશ ઝુકાવ્યા 2 - image

અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મંદિરમાં સવારે ૭.૩૦થી ૧૦.૪૫, બપોરે ૧.૦૦ થી ૪.૩૦, સાંજ ૭.૩૦ થી ૮.૧૫ વાગ્યા સુધી યાત્રાળુઓ તથા ગ્રામજનોને દર્શનનો સમય નક્કી કરાયો છે.

83 દિવસ બાદ મા અંબાના દર્શન થયા, 1500 શ્રધ્ધાળુઓએ શિશ ઝુકાવ્યા 3 - image

મંદિરમાં ભેટ કેન્દ્ર, પ્રસાદ કેન્દ્ર, સાડી કેન્દ્ર, ગણેશજી મંદિર દર્શન, પાવડીપુજા, યાત્રાળુઓ દ્વારા ધરાવતો રાજભોગ, ગર્ભગૃહ દર્શન, માતાજીની ગાડી દર્શન, હોમ, હવન, યજ્ઞા, થ્રીડી મુવી શો, દિવ્યદર્શન ફોટોગ્રાફી, ધજા આરોહણ, અંબિકા ભોજનાલય, આવાસગૃહો(હોલીડેહોમ, વિશ્રામગૃહ) હાલ પુરતા બંધ રાખવામાં આવ્યા છે.

83 દિવસ બાદ મા અંબાના દર્શન થયા, 1500 શ્રધ્ધાળુઓએ શિશ ઝુકાવ્યા 4 - image

માતાજીના મુળ સ્થાનક ગબ્બર ટોચ મંદિર તથા ૫૧ શક્તિપીઠ મંદિરોના દર્શનાર્થે આવતા યાત્રાળુઓ સોશ્યલ ડિસ્ટન્સીંગ જાળવીને દર્શન કરી શકે છે. સગર્ભા બહેનો, બિમાર વ્યક્તિઓ અને ૧૦ વર્ષથી નાની ઉંમરના બાળકો હાલ પુરતા અંબાજી મંદિરના દર્શન માટે ન આવે અને ઘરે બેઠા માતાજીની પુજા અર્ચના કરે તે હિતાવહ છે. 

Tags :