ડીસાના માર્કેયાર્ડ ત્રણ રસ્તા નજીકથી ઘેટા બકરા ભરેલી ટ્રક ઝડપાઇ
- પોલીસે 258 ઘેટા બકરા ભરેલી ટ્રક ઝડપી ચાલક સહિત સાત લોકો સાથે ફરીયાદ નોંધી
ડીસા તા.23 જાન્યુઆરી 2021, શનિવાર
બનાસકાંઠાના ડીસામાંથી વહેલી સવારે ઘેટાં બકરા ભરીને કતલખાને જતી ટ્રક ઝડપાઈ છે. ટ્રકમાં ખીચોખીચ ૨૫૮ ઘેટાં બકરા ભરેલી ટ્રક ઝડપી ચાલક સહિત ૭ જેટલા લોકો સામે ફરિયાદ નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ડીસામાં માર્કેટયાર્ડ ત્રણ રસ્તા પાસેથી આજે વહેલી સવારે ઘેટા બકરા ભરીને કતલખાને જતી ટ્રક ઝડપાઈ હોવાની ઘટના સામે આવી છે. દિયોદરના સેસણ ગામેથી ઘેટા બકરા ભરીને અમદાવાદના રાણીપ ખાતે આવેલ મંડીમાં ટ્રક જઈ રહી હોવાની માહિતી મળતા જ ડીસાના જીવદયા પ્રેમીઓએ પોલીસને સાથે રાખી માર્કેટયાર્ડ ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન દિયોદર તરફથી આવી રહેલી એક શંકાસ્પદ ટ્રકને રોકાવી તેની તલાસી લેતાં તેમાં ખીચોખીચ ઘેટા બકરા ભરેલા હોવાનું માલુમ પડયું હતું. પોલીસે ૨૫૮ ઘેટા બકરા ભરેલી ટ્રક જપ્ત કરી હતી અને ચાલક સહિત ટ્રકમાં સવાર ઘેટાં બકરાના લે-વેચનો ધંધો કરતા સાત શખ્સો સામે ફરિયાદ નોંધી છે. આ સાતેય લોકો સામે ડીસા દક્ષિણ પોલીસે પશુ ક્રતા અધિનિયમ મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. જ્યારે તમામ ઘેટા બકરાને સાચવણી માટે ડીસા પાસે આવેલ કાંટ પાંજરાપોળને સોંપવામાં આવ્યા છે.