ટોલબુથ પર લોકલ તેમજ એક્સપ્રેસ બસોનો દૈનિક 50 હજારનો ટોલ ટેક્ષ વસુલાય છે
- બનાસકાંઠાની ૪૫૦ એસટી બસોમાં ફાસ્ટેગની સુવિધા ઉપલબ્ધ કરાઈ
- બનાસકાંઠાના વિવિધ ત્રણ ટોલબુથ પર ૨૫૦ એક્સપ્રેસ અને લોકલ બસોની અવરજવર
પાલનપુર, તા. 13 ફેબ્રુઆરી, 2020, ગુરુવાર
ગુજરાતમાં સરકાર દ્વારા ૧૫ જાન્યુઆરીથી ફાસ્ટેગનું કડક અમલીકરણ કરવામાં આવતા પાલનપુર વિભાગીય એસ.ટી. કચેરી દ્વારા મુસાફરોની સુવિધા માટે જિલ્લામાં દોડતી ૪૫૦ એસટી બસોમાં ફાસ્ટેગની સિસ્ટમ ઉપલબ્ધ કરાઈ છે. જેના પાછળ એસટી તંત્ર દ્વારા ટોલ બુથ પર પસાર થતી લોકલ તેમજ એક્સપ્રેસ બસોનો દૈનિક ૫૦ હજારના ટોલટેક્ષની ભરપાઈ કરવામાં આવી રહી છે.
ગુજરાતમાં વિવિધ માર્ગો પર આવેલા ટોલબુથ પર વાહનો પાસેથી ઓનલાઈન ટેક્ષ વસુલવા માટે સરકાર દ્વારા ફાસ્ટેગ યોજના અમલી બનાવી છે. જેમાં અગાઉ વાહનમાં ફાસ્ટેગની સુવિધા વસાવવા માટે વાહન ચાલકોને એક માસની મુદત અપાઈ હતી. જેની મુદત અવધી ગત તા. ૧૫ જાન્યુઆરીના રોજ પૂર્ણ થઈ જતા નેશનલ હાઈવે ઓથોરિટીના તમામ ટોલબુથ પર ફાસ્ટેગ ફરજીયાતનો કડક અમલ શરૃ કરવામાં આવ્યો છે. જોકે બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર તાલુકાના ખેમણા ખાતે ડીસાના ભીલડી અને કુચાવાડા ખાતે ટોલબુથ આવેલા છે. જ્યાંથ ીપસાર થતી એસ.ટી. બસોને ફાસ્ટેગ ભરવા માટે લાંબી લાઈનોમાં ન ઉભા રહેવું પડે તે માટે પાલનપુર એસટી વિભાગીય કચેરી દ્વારા ૨૫૦ એક્સપ્રેસ અને ૨૫૦ લોકલ મળીને કુલ ૪૫૦ બસોમાં ફાસ્ટેગની સિસ્ટમ વસાવવામાં આવી છે. જેમાં ટોલબુથ પર પસાર થતી બસો પાસેથી દૈનિક ૫૦ હજાર જેટલો ઓનલાઈન ટેક્ષ વસુલવામાં આવી રહ્યો છે. જોકે બનાસકાંઠામાં એસટી વિભાગને ટોલટેક્ષ પાછળ વર્ષે રૃા. ૧.૮૨ કરોડનો ખર્ચ કરવો પડી રહ્યો છે.