સલ્લા ગામની સગર્ભા યુવતીનું પરિવારજનો દ્વારા અપહરણ
- પ્રેમલગ્ન કરી બાડમેર રહેતા હતા
- જીવનું જોખમ હોવાથી આરોપીઓ સામે પગલાં ભરવા પોલીસમાં રજુઆત
પાલનપુર તા.16 મે 2020, શનિવાર
પ્રેમલગ્ન કરી ને રાજસ્થાનના બાડમેરમાં પોતાના પતિ સાથે રહેતી પાલનપુર તાલુકાના સલ્લા ગામની એક સગર્ભાનું તેના પરિવારના સભ્યો દ્વારા બળઝબરી પૂર્વક અપહરણ કરવામાં આવ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે. બનાવ અંગે મહિલાના પતિએ પોતાની પત્ની અને ગર્ભમાં રહેલ બાળકના જીવને જોખમ હોવા અંગે પોલીસને જાણ કરવામાં આવી છે.
પાલનપુર તાલુકાના સલ્લા ગામેં બે જુદા જુદા સમાજ ના યુવક યુવતીએ જાન્યુઆરી મહિનામાં પ્રેમલગ્ન કર્યા હતા. તેમના પ્રેમ લગ્ન યુવતીના પરિવારને મંજુર ન હોઇ અને યુવકના પરીવારના ધાક ધમકી ઓ આપવામાં આવતી હોય પ્રેમીયુગલ રાજસ્થાન બાડમેરમાં રહેવા લાગ્યું હતું. અને યુવકનો પરીવાર પણ ગામ છોડીને બહાર ગામ રહેવા ચાલ્યો ગયો હતો દરમ્યાન બાડમેરમાં ૧૫ મેંના રોજ યુવતીના પરીવાર જનો એ ચાર માસનો ગર્ભ ધરાવતી મહિલાનું જીપ ડાલામાં બળઝબરી પૂર્વક અપહરણ કરવામાં આવ્યું હતું. અને તેના પતિને માર મારવામાં આવ્યો હતો. જે મામલે મહિલાના પતિએ બાડમેર પોલીસ મથકે લેખિત રજુઆત કરી છે. તેમજ બનાસકાંઠા પોલીસ વડાને પણ સગર્ભાનું અપહરણ કરી તેને ગોંધી રાખવા તેમજ સગર્ભા અને ગર્ભમાં રહેલ બાળકને જીવનું જોખમ હોઇ મહિલાનું અપહરણ કરનાર તેના પરિવારજનો સામે પગલા ભરવાની માંગ કરવામાં આવી છે.