કાંકરેજના કાકર ગામમાં કોરોના પોઝિટિવ કેસ આવ્યો
- દર્દીની હીસ્ટ્રી શોધવા તંત્રની મથામણ
શિહોરી, તા. 17 મે 2020, રવિવાર
બનાસકાંઠા જિલ્લામાં આજે વધુ એક પોઝિટિવ કેસ આવ્યો છે. ઠાકોર સમાજમાં સૌ પ્રથમ કોરોના દર્દી સામે આવતા દોડધામ મચી ગઈ છે. કાંકરેજ પંથકના ૬૦ વર્ષના દર્દીને ધારપુર મેડિકલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આથી પાટણ અને બનાસકાંઠા જિલ્લા આરોગ્યમાં વિગતો નોંધાઈ રહી છે. સૌથી મોટી વાત છે કે ૬૦ વર્ષીના દર્દીને કોરોના સંક્રમણ ક્યાંથી આવ્યું તે શોધવા મથામણ શરૃ થઈ છે.
કાંકરેજ તાલુકાના કાકર ગામે કોરોના પોઝિટિવ આવતા ચકચાર મચી ગઈ છે. ગત ૧૪ મે ના દિવસે ચાવડા ઝેણાજી સોનાજીના કોરોના મામલે સેમ્પલ લેવાયા હતા. જેમાં આજે પોઝિટિવ આવતા તાત્કાલિક અસરથી પાટણ નજીક ધારપુર મેડિકલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ તરફ બનાસકાંઠા જિલ્લા આરોગ્ય દ્વારા ઝેણાજીના પરિવારનો સંપર્ક કરી સંક્રમણ શોધવા કવાયત શરૃ થઈ છે. જેમાં દર્દીન અસ્થમા બિમારી હોવાનું પણ જાણમાં આવ્યું છે.