Gujarat

પાપ છુપાવવા પાલનપુરના શિશુઘરમાં તરછોડનાર 5 સામે આખરે ગુનો નોંધાયો

By GS Team
22 Jul 20202 mins read
This article was originally published on 22 Jul 2020
પાપ છુપાવવા પાલનપુરના શિશુઘરમાં તરછોડનાર 5 સામે આખરે ગુનો નોંધાયો

પાલનપુર તા. 21  જુલાઇ 2020, મંગળવાર

અનૈતિક સબંધોના ફળસ્વરૃપ જન્મેલી બાળકીને બીનવારસી બતાવી પાલનપુરના શીશુઘરમાં પહોંચાડી દીધી હતી. ત્યારબાદ આ માસુમનું અમદાવાદ ખાતે સારવાર દરમિયાન કરૃણ મોત નીપજ્યું હતું. આ ઘટનામાં આગથળા પોલીસે પોતાનું પાપ છુપાવનાર યુવક અને યુવતી સહિત પાંચ શખસો વિરૃધ્ધ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વાવ તાલુકાના એક ગામડામાં વસવાટ કરતા અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા બે પરિવારના યુવક અને યુવતીની આંખ મળી જતાં બંન્ને વચ્ચે પ્રેમસબંધ બંધાયો હતો. તેમના અનૈતિક સબંધોને કારણે યુવતીઓ ગર્ભ ધારણ કરતા છેવટે પરિવાર સાથે મળી લાખણીમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં યુવતીનું નામ તેમજ સરનામું બદલીને પ્રસૃતિ કરાવી હતી. જ્યાં યુવતીએ અસ્વસ્થ બાળકીને જન્મ આપ્યો હતો. જેથી તબીબે તેણીને બાળકોની હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાનું જણાવ્યું હતું. પરંતુ પરિવારે ઢાંક પિછોડો કરવા માટે આ બાળકીને હોસ્પિટલમાં લઇ જવાને બદલે પાલનપુરમાં આવેલા શિશુઘરમાં જઇ તેઓને આ બાળકી ત્યજી દેવાયેલી મળી હોવાનું જણાવી ત્યાં મુકી રવાના થઇ ગયા હતા. જોકે માસુમ બાળકીને સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીએ અંતિમ શ્વાસ લીધા હતા. આ ઘટના અંગે પોલીસે તપાસ કરતાં ચૌકાવનારી હક્કિતનો પર્દાફાશ થયો હતો. આખરે પોતાનો પાપ છુપાવનાર યુવક અને યુવતી સહિત પાંચ શખસો સામે આગથળા પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

પાપ છાપરે ચડીને પોકાર્યું

પ્રેમી યુગલના આડા સંબધથી પેદા થયેલી બાળકીની ઓળખ છુપાવવા માટે યુવતી અને યુવકના પરિવારે યુવતીની ઓળખ છુપાવીને તેની ખાનગી હોસ્પિટલમાં ડીલેવરી કરાવ્યા બાદ નવજાત બાળકી તેમને દિયોદરના માનપુર નજીકથી ત્યજી દેવાયેલ હાલતમાં મળી હોવાનું જણાવી બાળકીને પાલનપુર શીશુંઘરમાં ત્યજી દેવામાં આવી હતી. બાદમાં બાળકીનું મોત નીપજ્યું હતું.

 આ પાંચ વ્યકિત સામે ગુનો નોંધાયોે

બાળકીને ત્યજી દેવાના ગુનામાં વિક્રમભાઈ હરદાનજી માળી રહે.લુણાવા, થરાદ, ભગાભાઇ વેલાભાઇ વજીર રહે.ચોથાનેસડા, વાવ, અમીતાબેન ભગાભાઇ વજીર રહે.ચોથાનેસડા, વાવ, હરદાનજી મલાજી માળી રહે.લુણાવા, થરાદ અને હરચંદજી પચાણજી માળી રહે.લુણાવા , થરાદ હાલ રહે.બજરંગનગર  ડીસા વાળા વિરૃધ્ધ આગથળા પોલીસ મથકે ગુનો દાખલ કરાયો છે.