ભીલવણના 72 વર્ષીય પોઝિટીવ દર્દીનું સારવાર દરમિયાન મોત
- પાટણ જિલ્લામાં કોરોનાથી કુલ મૃત્યુ આંક ત્રણ થયો
- ધારપુર ખાતે ડાયાલીસીસ કરાવવા આવતા રીપોર્ટ પોઝિટીવ આવ્યો હતો
પાલનપુર તા.18 મે 2020, સોમવાર
રાજ્યમાં કોરોના વાયરસ કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. તેની વચ્ચે કોરોનાથી પાટણ જિલ્લામાં વધુ એક દર્દીનું મોત થયું છે. સરસ્વતી તાલુકાના ભીલવણ ગામના ૭૨ વર્ષીય આધેડ ડાયાલીસીસ કરાવાવ ધારપુર આવતા રીપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. જેના ૬ દિવસ બાદ સોમવારે સારવાર દરમિયાન મોત નિપજતા જિલ્લમાં કુલ મૃત્યુઆંક ૩ પર પહોંચી ગયો છે. જ્યારે કોરોના પોઝિટીવ આંક ૪૭ પર પહોચી જતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી જવા પામી હતી.
પાટણ જિલ્લામાં કોરોનાએ ઉથલો માર્યો હોય તેમ રવિવારે એક જ દિવસમાં ૯ કેસ નોંધાતા હડકંપ મચી ગયો છે. ત્યારે સોમવારે જિલ્લામાં કોરોનાથી વધુ એક દર્દીનું મોત થતા કુલ મૃત્યુયાંક ૩ પર પહોચી ગયો છે. સરસ્વતી તાલુકાના ભીલવણ ગામના ૭૨ વર્ષીય આધેડ ગત તા.૧૨મેના રોજ ડાયાલીસીસ કરાવાવ માટે ધારપુર હોસ્પિટલ આવ્યા હતા. જ્યાં સેમ્પલ લેવામાં આવતા રીપોર્ટ પોઝિટીવ આવતા આઇશોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેના ૬ દિવસ બાદ સોમવારે વહેલી સવારે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જેને લઇ પાટણ જિલ્લામાં કોરોનાથી કુલ ૩ લોકોનું મૃત્યુ નીપજ્યું છે. જોકે સરસ્વતી તાલુકાના ભીલવણ ગામમાં અત્યાર સુધી કુલ ૯ કેસ નોંધાઇ ચુક્યા છે. જેમાં કુલ ૮ દર્દીઓ સ્વસ્થ થતા તેઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે એક ૭૨વર્ષીય આધેડનું મોત નીપજ્યું છે. ઉલ્લેખનીય છે કે રવિવારે પાટણ જિલ્લામાં વધુ એક તાલુકામા કોરોનાએ પગપેસારો કરતા કુલ ૯ કેસ નોંધાયા હતા જેમાં સમી તાલુકામાં ૧, પાટણ શહેરમાં ૩, ધારપુર નર્સ ૧, સરસ્વતી તાલુકામા ૨, રાધનપુરમાં ૨ મળી કુલ ૯ કેસ નોંધાયા હતા.
પાટણ જિલ્લામાં વધુ ત્રણ દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા
પાટણ જિલ્લામાં અત્યાર સુધી કુલ ૪૭ કેસ નોંધાયા છે. જેમાં શનિવાર સાંજ સુધી કુલ ૨૨ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ રવિવારે સાંજે ૪.૩૦ કલાકે સરસ્વતી તાલુકાના ભીલવણ ગામના વધુ ત્રણ દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવતા અત્યાર સુધી કુલ ૨૫ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે ત્રણ દર્દીઓના મોત નિપજ્યા છે. જ્યારે હજુ ૧૯ દર્દીઓ ધારપુર હોસ્પિટલમાં ખાતે સારવાર હેઠળ છે.
પાટણ જિલ્લામાં વધુ એક તાલુકામાં કોરોનાનો પગપેસારો
પાટણ જિલ્લામાં કોરોનાએ સૌ પ્રથમ સિધ્ધપુર ત્યારબાદ સરસ્વતી, ચાણસ્મા, હારીજ, પાટણ,સમી બાદ હવે રાધનપુર તાલુકામાં પગપેસારો કરતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. રવિવારે રાધનપુરમાં પિતા-પુત્રને કોરોના પોઝિટીવ આવતા પરિવારના તમામ સભ્યોને કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે.
પાટણ જિલ્લામાં કોરોનાથી મૃત્યુ પામનાર ત્રણ દર્દીઓ
પાટણ જિલ્લામાં કોરોનાનાં કુલ ૪૭ કેસ નોંધાયા છે. જેમાંથી સૌ પ્રથમ સિધ્ધપુરની તમન્ના સોસાયટીમાં રહેતા ૪૭ વર્ષીય યુવક લુકમાન, ત્યાર બાદ પાટણ શહેરની ૩૦ વર્ષીય મહિલા તેમજ ભીલવણના ૭૨ વર્ષીય આધેડનું મોત નિપજતા કુલ મૃત્યુઆંક ૩ પર પહોચી ગયો છે.