મગરાવામાં ખેડૂતના 7પશુઓના ખોરાકી ઝેરના કારણે મોત નિપજ્યા
- અગાઉ ૧૦ જેટલા પશુઓના મોત થયા હતા
ધાનેરા,તા. 15 જુલાઈ, 2020, બુધવાર
ધાનેરા તાલુકાના મગરાવા ગામમાં પશુપાલક પરિવારના ૭ પશુઓને
ખોરાકમાં પોઈઝનીંગ થતાં મોત નિપજ્યા હતા. આ અગાઉ પણ આ પરિવારના ૧૦ જેટલા પશુઓ
મૃત્યુ પામ્યા હતા. જેના લીધે આ પંથકના પશુપાલકોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.
પશુઓને ખોરાક માટે રાત્રી દરમિયાન મુકેલ દાણ આપવામાં આવ્યું
હતું. દાણ પશુ આરોગે એના થોડા જ સમયમાં પશુઓ તડપવા લાગ્યા હતા. અગાઉ થયેલા બનાવના
લીધે પશુમાલિકોએ તરત જ પશુઓના તબીબનો સંપર્ક કર્યો હતો. તબીબ આવે એ પહેલા બે અલગ
અલગ પશુપાલક માલિકોના કુલ ૭ જેટલા પશુના મોત થઈ ચુક્યા હતા. મગરાવા ગામના પાત્રોડ
નારણા બાઈ રૃડાભાઈના ત્રણ જેટલા દૂધાળા પશુઓના મોત થયા છે. જે પ્રમાણે દાણ પશુઓને
આપતા હોય તે રીતે આજે પણ સવારે દાણ આપ્યું હતું. પરંતુ આજે આ દાણ ઝેરમાં બદલતા
ત્રણ પશુપાલકની આંખ સામે મોતને ભેટયા હતા. ધાનેરા તાલુકાના મગરાવા ગામમાં એક સાથે
૭ પશુના શંકાસ્પદ મોત નિપજતા ધાનેરા મામલતદાર તેમજ ધાનેરા પોલીસને પણ જાણ કરતા
તમામ અધિકારીઓ કર્મચારીઓ આવી પહોંચ્યા હતા. અને તમામ મરણ પામેલા પશુઓનું પોસ્ટમોટમ
કરી મરણનું કારણ જાણવા માટે તપાસની શરૃઆત કરાઈ છે. ફરજ પરના તબીબ સાથે મુલાકાત
દરમિયાન તબીબે જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં ખોરાકી ઝેરની અસર જણાઈ રહી છે.