Get The App

પાટણ જિલ્લાની 141 સરકારી શાળાના 503 વર્ગખંડો સ્માર્ટ ક્લાસ બનશે

- પ્રથમ ફેજમાં ૨૬ શાળાના સ્માર્ટ ક્લાસ બનાવ્યા

- સ્માર્ટ ક્લાસમાં વિદ્યાર્થીઓ મનોરંજન સાથે જ્ઞાાન મેળવી રહ્યા છે,ધો.૭-૮માં જ્ઞાાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત તૈયાર થશે

Updated: Mar 9th, 2020

GS TEAM

Google News
Google News

પાલનપુર,તા. 08 માર્ચ 2020, રવિવાર

પાટણ જિલ્લાની સરકારી શાળાના બાળકો પણ હરિફાઈના યુગમાં અન્ય વિદ્યાર્થીઓની પાછળ ન રહી જાય અને તેઓ પણ અન્ય વિદ્યાર્થીઓની જેમસ્માર્ટ બને તેવા આશયથી વર્ષ ૨૦૧૮માં ધો.૭ અને ૮માં જ્ઞાાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત ૨૬ શાળાના ૫૨ વર્ગખંડોને સ્માર્ટ ક્લાસ બનાવવામાં આવ્યા હતા. ત્યારે આ પ્રયોગ સફળ રહેતા સહકાર દ્વારા પાટણ જિલ્લાની વધુ ૧૪૧ શાળાના ૫૦૩ વર્ગખંડોને જ્ઞાાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત સ્માર્ટ ક્લાસ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને તેની કામગીરી પણ શરૃ થઈ ગઈ છે. વર્તમાન સમયમાં શિક્ષણ ખૂબ જરૃરી છે અને તેમાં ખૂબ જ હરીફાઈ જોવા મળી રહી છે. જેમાં ખાનગી શાળા પોતાના વિદ્યાર્થીઓ શિક્ષણમાં રસ લેતા થાય અને તેઓ અન્ય વિદ્યાર્થીઓ કરતા વધુ સ્માર્ટ બને તે માટે વિદ્યાર્થીઓને સારામાં સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવતા હોય છે. જેમાં ખાસ કરીને વર્ગોમાં સ્માર્ટ ક્લાસ દ્વારા વિડીયો અને ઓડીયોના માધ્યમથી બાળકોને મનોરંજન સાથે શિક્ષણ આપવાનો નવો અભિગમ જોવા મળી રહ્યો છે. ત્યારે હરીફાઈના આ યુગમાં સરકારી શાળાના વિદ્યાર્થીઓ ક્યાંય પાછળ ન રહી જાય તે માટે સરકાર અને શિક્ષણ વિભાગ સતત પ્રયત્ન કરતા હોય છે.

પાટણ જિલ્લામાં વર્ષ ૨૦૧૮માં સરકાર દ્વારા સરકારી શાળાઓમાં ધો.૭ અને ૮માં જ્ઞાાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત સ્માર્ટ ક્લાસ બનાવવા માટે સ્ટેટ લેવલથી શાળાઓની પસંદી કરવામાં આવી હતી. જેમાં ધો.૧ અને ૮માં ૩૦૦થી વધુ વિદ્યાર્થીોનું નામાંકન થયેલ હોય તેવી જિલ્લાની ૨૬ શાળાના ૫૨ વર્ગખંડોમાં જ્ઞાાનકુંજ પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ બાદ જે વિદ્યાર્થીઓ ગેરહાજર રહેતા હતા તેઓ પણ રેગ્યુલર શાળામાં આવતા થયા હતા ત્યારે સરકારી શાળાઓમાં આ પ્રોજેક્ટ સફળ થતાં હવે જિલ્લાની વધુ શાળાઓમાં આ પ્રોજેક્ટ અમલમાં મુકવા સરકાર દ્વારા અને શિક્ષણ વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

બીજા ફેજમાં સરકાર દ્વારા જિલ્લાની ૧૪૧ શાળાઓમાં ધો.૭માં ૨૪૩ અને ધો.૮માં ૨૬૦ મળી કુલ જિલ્લાના ૫૦૩ વર્ગખંડોમાં જ્ઞાાનકુંજ પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવ્યો છે. સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત જિલ્લા કો.ઓર્ડી. બાબુભાઈ ચૌધરીના માર્ગદર્શન નીચે આ પ્રોજેક્ટની અમલવારી થઈ રહી છે. કેટલાક વર્ગખંડો તૈયાર થઈ ગયા છે અને તેમ૪ાં સ્માર્ટ ક્લાસના માધ્યમથી શિક્ષણ કાર્ય પણ શરૃ કરી દેવામાં આવ્યું છે. જ્યારે કેટલીક શાળાઓમાં કામગીરી ચાલી રહી છે. તેમ સર્વ શિક્ષા અભિયાન કચેરીના જિલ્લા એમ.આઈ.એસ. અમિષાબેન પટેલે જણાવ્યું હતું.

શું છે જ્ઞાાનકુંજ પ્રોજેક્ટ

જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં ધો.૭ અને ૮માં અગાઉ ૨૬ શાળાના ૫૨ વર્ગખંડોમાં અને હવે જિલ્લાની ૧૪૧ શાળાના ૫૦૩ વર્ગખંડોમાં જ્ઞાાનકુંજ પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટમાં ધો.૭ અને ૮ના વર્ગખંડોમાં પ્રોજેક્ટ લેપટોપ ઈન્ટરએક્ટીવ બોર્ડ લગાવવામાં આવે છે. જેમાં ઈન્ટરનેટના માધ્યમથી ધો.૭ અને૮માં જે અભ્યાસક્રમ આવે છે તેને ઓડિયો અને વિડીયોના માધ્યમથી વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે. સમગ્ર શિક્ષણ વિદ્યાર્થીઓને સ્માર્ટ ક્લાસ દ્વારા આપવામાં આવે છે. વિદ્યાર્થીઓ જાતે પણ આ સિસ્ટમ ચાલુ કરીને શિક્ષણ મેળવે છે. ઈન્ટરનેટના ખર્ચ માટે વાર્ષિક રૃ.૧૦ હજારની ગ્રાન્ટ શાળાઓને આપવામાં આવે છે.

સ્માર્ટ ક્લાસમાં શિક્ષણ આપવા માટે ૫૦૩ શિક્ષકોને તાલીમ આપી

જિલ્લાની સરકારી શાળાઓમાં સ્માર્ટ વર્ગો બનાવ્યા બાદ શિક્ષકો વિદ્યાર્થીઓને સ્માર્ટ ક્લાસમાં શિક્ષણ આપી શકે તે માટે સૌ પ્રથમ જિલ્લામાંથી ૯ કો-ઓર્ડીનેટરને માસ્ટર ટ્રેનરો પાસે તાલીમ લેવા માટે મોકલવામાં આવ્યા હતા. તેઓ તાલીમ મેળવ્યા બાદ જિલ્લાના ૫૦૩ શિક્ષકોને સ્માર્ટ ક્લાસમાં શિક્ષણ આપવા માટેની તાલીમ આપવામાં આવી રહી છે.

સ્માર્ટ વર્ગોથી ક્લાસમાં ગેરહાજર વિદ્યાર્થીઓની સંખ્યા વધી

જિલ્લા એમઆઈએસ અમિષાબેન પટેલે જણાવ્યું હતું કે જિલલાની સરકારી શાળાઓમાં ધો.૭ અને ૮માં જ્ઞાાનકુંજ પ્રોજેક્ટ અમલમાં આવ્યા બાદ શાળાઓમાં જે વિદ્યાર્થીઓ ગેરહાજર રહેતા હતા તેવો પણ હવે રેગ્યુલર શાળામાં આવે છે અને વિઝ્યુલાઈઝેશનથી બાળકોને શિક્ષણ મેળવવામાં ખૂબ જ રસ પડે છે. જેથી વર્ગખંડમાં વિદ્યાર્થીઓની ફુલ હાજરી જોવા મળે છે

જિલ્લામાં કેટલા તાલુકામાં કેટલી શાળાઓના સ્માર્ટ ક્લાસ બનશે?

તાલુકો શાળા   વર્ગ

ચાણસ્મા        ૩      ૧૨

હારીજ  ૭      ૨૦

પાટણ  ૨૦     ૨૭

રાધનપુર       ૧૬     ૫૯

સમી    ૧૪     ૪૩

સાંતલપુર      ૧૯     ૫૭

સરસ્વતી       ૩૩     ૧૧૮

સિદ્ધપુર ૨૪     ૯૨

શંખેશ્વર ૫      ૧૭

કુલ     ૧૪૨   ૫૦૩

Tags :