500 બિમાર પશુઓને સીઝેરીયન, કમોડી, શારણગાંઠ, કેન્સરની ગાંઠના ઓપરેશન કર્યા
- લોકડાઉન સમયે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના ર્ડાક્ટરોને સલામ
- 50 જેટલા ઓપરેશન ગાય, ભેંસ જેવા મોટા પશુઓના લોકડાઉન દરમિયાન કરવામાં આવ્યા
પાલનપુર,તા.04 જૂન 2020, ગુરૂવાર
કોરોના સંદર્ભે લોકડાઉન સમયે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વેટરનરી ર્ડાક્ટરો દ્વારા મૂંગા અને અબોલ પશુઓની સેવા-સારવાર કરવામાં આવી રહી છે. લોકડાઉનની આવી વિપરીત પરિસ્થિતિમાં પણ સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે આવેલ પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય સતત કાર્યરત રહી બિમાર પશુઓના રોગ નિદાન અને ઉત્તમ સારવાર કરી હતી. લોકડાઉનમાં પશુસેવા કરનાર એનિમલ વોરિયર્સ બન્યા હતા.
દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની પશુપાલન કોલેજ ખાતે મર્યાદિત સ્ટાફ હોવાછતાં લોકડાઉનના પહેલા દિવસથી પ્રથમ ત્રણ લોકડાઉન દરમિયાન ૫૦૦થી વધુ બિમાર પશુઓની સેવા સુશ્રુષા કરવામાં આવીહતી. આ ઉપરાંત ઈમરજન્સી સારવારની જરૃર હોય એવા પશુઓ જેવા કે પ્રસવની પીડાથી પશુઓને પ્રસર ના થવાના કારણે તાત્કાલિક સીજેરીયન ઓપરેશનથી બચ્ચાનો જન્મ કરાવી, માતા અને બચ્ચા બન્નેનો જીવ બચાવવો, શિંગડાના કેન્સરથી પીડાતા પશુમાં કમોડીનું ઓપરેશન, ઉદરપટલ તુટવાના લીધે થયેલ શારણગાંઠનુ ઓપરેશન, પશુના પેટમાં લોખંડ કે અન્ય વસ્તુ ગળી જવાના કારણે રૃમેનોટોમીનુ પેટનું ઓપરેશન, ફેક્ચર, આંતરડાની આંટી, પશુઓના શરીરની અંદર તેમજ બહારના ભાગમાં થયેલ કેન્સરની ગાંઠી અથવા ગુંડાના ઓપરેશન વગેરે મળી કુલ ૫૦ જેટલા ઓપરેશન ગાય, ભેંસ જેવા મોટા પશુઓના કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કોલેજની હોસ્પિટલમાં કૃત્રિમ બિજદાન અને પશુઓમાં ગર્ભાધાનનું નિદાનની સેવા પણ પુરી પાડવામાં આવી છે. કૂતરા, બિલાડીઓની પણ સારવાર કરવામાં આવી છે.
આ ઉપરાંત ૨૪ મૃત પશુઓનુ પેથોલોજી વિભાગ દ્વારા પોસ્ટમોર્ટમ કરી નમૂનાઓ એકત્રિત કરી રોગનિદાનની સુવિધા પુરી પાડવામાં આવી હતી. દાંતીવાડા કૃષિ યુનિવર્સીટીના પશુ દવાખાને લાવવામાં આવેલ બિમાર પશુઓ અને ક્ષેત્રિય કક્ષાએ પશુ ચિકિત્સકોને ચોક્કસ નિદાન કરી સારવારમાં મદદરૃપ થવા માટે વિવિધ નમૂનાઓ જેવા કે લોહી, ઝાડા, પેશાબ, રક્તજળ (સીરમ) વગેરેનું કોલેજ ખાતેના પેથોલોજી વિભાગ, માઈક્રોબાયોલોજી વિભાગ અને પરોપજીવી વિભાગમાં પરિક્ષણ કરી રોગ નિદાનની સુવિધા પુરી પાડી હતી.