Get The App

2 દિવસમાં નેદ્રા ગામના 5 દર્દીઓને નેગેટિવ રિપોર્ટ બાદ રી ટેસ્ટ પોઝિટિવ આવતા ખળભળાટ

- પાટણમાં ડીસ્ચાર્જ કરાયેલા વધુ ત્રણ દર્દીનો રિપોર્ટ ફરીથી પોઝિટિવ આવ્યો

- પાંચય દર્દીઓને હાલ પાટણની ધારપુર મેડીકલ હોસ્પિટલમાં ખસેડાયા, નેગેટીવ દર્દીઓના પોઝેટીવ રીપોર્ટ આવતા લોકોમાં ડર

Updated: Apr 25th, 2020

GS TEAM

Google News
Google News
2 દિવસમાં નેદ્રા ગામના 5 દર્દીઓને નેગેટિવ રિપોર્ટ બાદ રી ટેસ્ટ પોઝિટિવ આવતા ખળભળાટ 1 - image

પાલનપુર, તા. 24 એપ્રિલ, 2020, શુક્રવાર

પાટણ જિલ્લામાં છેલ્લા ૭ દિવસથી કોરોનાનો એક પણ કેસ પોઝિટિવ ન મળી આવતા તંત્ર અને આરોગ્ય વિભાગ કંઈક અંશે રાહત અનુભવી રહ્યો હતો ત્યારે પાટણ જિલ્લામાં કોરોનાના નોંધાયેલ ૧૭ પોઝિટિવ પૈકી ૧૧ દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થતા રજા અપાઈ હતી ત્યારે ગુરુવારે ૧૧ દર્દીઓ પૈકી બે દર્દીઓ તેમજ શુક્રવારે વધુ ત્રણ દર્દીઓ રી ટેસ્ટમાં ફરીથી રિપોર્ટ પોઝિટિવ આવતા ચકચાર મચી ગઈ હતી. જેને લઈ ફરીથી આ પાંચેય દર્દીઓને ધારપુર હોસ્પિટલ ખાતે સારવારઅર્થે ખસેડવામાં આવ્યા હતા.

ગુજરાતમાં રી-ટેસ્ટમાં રિપોર્ટ પોઝિટિવ આવ્યા હોવાની સૌ પ્રથમ ઘટના પાટણ જિલ્લામાં સામે આવી છે. પાટણ જિલ્લામાં અત્યાર સુધી કોરોના પોઝિટિવના કુલ ૧૭ કેસ સામે આવ્યા છે. જેમાં પ્રથમ કોરોનાગ્રસ્ત ઈસમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જોકે તેના સંપર્કમાં આવેલા બાકીના ૧૬ દર્દીઓને ધારપુર હોસ્પિટલ ખાતે આઈસોલેસન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી ૧૩ એપ્રિલના રોજ ૪ દર્દીઓને ડીસ્ચાર્જ કરાયા હતા. જેમાંથી એક ઈસમને રી ટોસ્ટમાં રિપોર્ટ ફરીથી પોઝિટિવ આવ્યો. જ્યારે ૧૭ એપ્રિલે વધુ સાત દર્દીઓને સ્વસ્થ જાહેર કરાયા હોવાથી જેમાંથી ચાર દર્દીઓનો રિપોર્ટ ફરીથી પોઝિટિવ આવતા આ પાંચેય દર્દીઓને ધારપુર હોસ્પિટલ ખાતે આઈસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. કુલ ૧૧ દર્દીઓ સ્વસ્થ થતા તેમનો રિપોર્ટ નેગેટિવ આવતા દેથળી ખાતે ફેસિલિટી કોરોન્ટાઈન કરવામાં આવ્યા હતા. ત્યારે સાત દિવસ બાદ દેથળી ખાતે ફેસિલિટી કોરોન્ટાઈનમાં રાખવામાં આવેલ પ્રથમ ડિસ્ચાર્જ કરાયેલ ચાર દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં રી ટેસ્ટમાં ફરીથી બે દિવસમાં પાંચ દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો હતો. જોકે આરોગ્ય વિભાગ દ્વારા પાંચેય દર્દીઓને ફરીથી ધારપુર હોસ્પિટલ ખાતે રીફર કરી આઈસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા.

નેગેટિવ દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યાની ગુજરાતની પ્રથમ ઘટના

પાટણ જિલ્લામાં નેદ્રાના એક જ  પરિવારના ૧૨ સભ્યોને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. જેમાં સારવાર બાદ ૧૧ દર્દીઓ સ્વસ્થ થતા ધારપુર હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડમાંથી દેથળી ખાતે ફેસિલિટી કોરોન્ટાઈન કરવામાં આવ્યા હતા. જેમાં સાત દિવસ બાદ સેમ્પલ લેવાતા ૧૧ દર્દીઓમાંથી ફરીથી પાંચ દર્દીઓમાં રિપોર્ટ પોઝિટિવ આવતા ફરીથી ધારપુર હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેને લઈ નેગેટિવ રિપોર્ટ આવ્યા બાદ ફરીથી પોઝિટિવ રિપોર્ટ આવ્યાની ઘટના ગુજરાતમાં સૌ પ્રથમ પાટણમાં સામે આવી છે.

૫ દર્દી ફરી પોઝિટિવ આવતા કોરોનામાં સપડાયા

અગાઉ તા. ૧૩ એપ્રિલના રોજ કોવિડ-૧૯ ની સારવાર બાદ ધારપુર જનરલ હોસ્પિટલ ખાતેથી ડિસ્ચાર્જ કરવામાં આવેલ ૪ દર્દીઓ પૈકી ૧ દર્દીઓના ફોલોઅપ રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે અને ત્યારબાદ ૧૭ તારીખે ૭ લોકોને ધારપુરથી ડિસ્ચાર્જ કરાયા હતા. તે પૈકી ૪ દર્દીનો ફોલોઅપ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેને લઈ સારવાર બાદ દર્દીઓના ફોલોઅપ ટેસ્ટ પોઝિટિવ આવતા ફરી વધુ સારવાર માટે તેમને ધારપુર જનરલ હોસ્પિટ ખાતે ખસેડવામાં આવ્યા છે.

૧૪ દિવસમાં બે વાર ટેસ્ટ કરાયા, બન્ને નેગેટિવ આવે તો દર્દી સ્વસ્થ ગણાય

દર્દીઓનો રિપોર્ટ આવ્યા બાદ સાત દિવસ સુધી સારવાર કરી તેનો પ્રથમ ટેસ્ટ કરવામાં આવે છે. જેમાં તે નેગેટિવ આવે તો તેને સાત દિવસ માટે ફેસિલિટી સેન્ટરમાં અલગ રાખી સાત દિવસ બાદ ફરી બીજો ટેસ્ટ કરવામાં આવે છે અને તે સમયે રિપોર્ટ નેગેટિવ આવ્યો તો તે સ્વસ્થ થયો ગણાય છે તેવું ફરજ પર હાજર તબીબે જણાવ્યું હતું.

Tags :