નેદ્રાના પોઝેટીવ દર્દીના સંપર્કમાં આવેલા 49 લોકોને કોરોન્ટાઇન કરાયા
- ગામમાં પ્રવેશતા તમામ માર્ગો સિલ કરાયા
- સિધ્ધપુરમાં પોલીસની ફલેગમાર્ચઃ પાટણ જિલ્લામાં 124 સેમ્પલ લેવાયા, 6 દર્દીઓનો રીપોર્ટ પેન્ડીંગ
પાલનપુર,
સિધ્ધપુર તા. 11 એપ્રિલ, 2020, શનિવાર
સિધ્ધપુર તાલુકાના નેદ્રા ગામમાં શુક્રવારે બે કેસ પોઝિટીવ આવતા
પાટણ જિલ્લના કોરોનાથી પીડીત દર્દીઓની સંખ્યા ૧૪ પહોંચી છે. જ્યારે મહેસાણા જિલ્લાના
૨ અને સાબરકાંઠા જિલ્લાના ૧ મળીને ઉત્તર ગુજરાતમાં કોરોના પીડીત દર્દીઓની સંખ્યા ૧૭
સુધી પહોચી ગઇ છે. નેદ્રા ગામમાં કોરોના પોઝિટીવ વ્યક્તિઓના સંપર્કમાં આવેલા ૪૯ લોકોને
કોરન્ટાઇન હેઠળ રાખવામાં આવેલા હતા.જ્યારે તેઓના સેમ્પલ લેવાતા તે પૈકી ૧૩ના રિપોર્ટ
પાઝિટવ તેમજ ૩૬ વ્યક્તિના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. પાટણ જિલ્લામાં અત્યાર સુધી ૧૨૪
દર્દીઓના સેમ્પલ લેવાયા છે. જેમાં હજુ ૬ શંકાસ્પદ દર્દીઓના રિપોર્ટ પેન્ડીગ છે.
સિધ્ધપુર તાલુકામાં અત્યાર સુધી ૬૪૧૪૭ લોકોના આરોગ્યની
ચકાસણી કરવામાં આવી છે. જે પૈકી શરદી,
ખાંસી તેમજ અન્ય બિમારીથી પીડીત ૨૭૧ વ્યક્તીઓને સઘન સારવાર આપવામાં આવી
છે. નેદ્રા ગામમાં કુલ ૧૨ પોઝિટીવ કેસ મળી
આવતા ગુજરાતનું પ્રથમ ગામ બની ગયું છે. જેમાં એક જ ગામમાં ૧૨કેસ નોંધાયા છે. જેને
લઇ રેન્જ આઇજી સુભાષ ત્રિવેદી અને એસપી અક્ષયરાજ મકવાણા સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ
નેદ્રા ગામની મુલાકાતે દોડી આવ્યા હતા. આ અંગે રેન્જ આઇજીએ જણાવ્યું હતું કે
કોરોનાનો સંક્રમિત વિસ્તાર હાલનો નેદ્રા ગામમાં જોવા મળી રહ્યો છે. જેને કારણે એક
બાદ એક કેસ પોઝિટીવ આવી રહ્યા છે. જેમાં પોઝિટીવ આવેલ કુલ ૧૨ લોકોના સંપર્કમાં ૪૯
લોકો આવ્યા હોવાનું માલુમ પડયું છે. જેને લઈ તમામ ૪૯ લોકોને કોરોન્ટાઇન કરવાની
તજવીજ હાથ ધરવામાં આવી છે. આ ગામમાંથી જ પોઝિટીવ કેસ મળતા ગામને લોકડાઉન કરવામાં
આવ્યું છે. ત્યારબાદ સિધ્ધપુર શહેરમાં રેન્જ આઇજી, જિલ્લા પોલીસ વડા,
પીઆઇ મહિડા, વીએસ
પટેલ, વાય.બી.જાડેજા
સહિતના ઉચ્ચ અધિકારીઓએ ફલેગ માર્ચ કરી લોકોને પડતી હાલાકીની સમીક્ષા કરી હતી.
આરોગ્ય વિભાગ દ્વારા
તપાસ કરવામાં આવીઃસરપંચ
આ અંગે નેદ્રા ગામના સરપંચ પ્રહલાદજી ઠાકોરે જણાવ્યું હતું
કે આરોગ્ય વિભાગ અમોને દુરથી પુછવામાં આવે છે કે તેમને કોઇ તકલીફ છે જેથી આવી રીતે
ગામનું કોઇ વ્યક્તી વ્યવસ્થિત જવાબ નહિ આપે પરંતુ તેમની થર્મલ ગન દ્વારા જરૃરિયાત
વાળા લોકોની સઘન તપાસ કરવામાં આવે તો આગળ વધતા કેસો ગામમાં અટકાવી શકાય તેવી માંગ
કરી છે.
નેદ્રા ગામ કોરોના સંક્રમિત, રેન્જ આઇજી
રેન્જ આઇજી સુભાષ ત્રિવેદીએ જણાવ્યું હતું કે પાટણ
જિલ્લામાં નેદ્રા ગામ કોરોનાથી સંક્રમિત છે જેને લઇ પોઝિટીવ આવેલ ૧૨ લોકોના
સંપર્કમાં ૪૯ જેટલા લોકો આવ્યા હોવાથી તેમને કોરોન્ટાઇન કરવાની કામગીરી હાથ
ધરવામાં આવી છે. ગામને સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવ્યું છે.
સિધ્ધપુર તાલુકામાં ૬૪૧૪૭ લોકોની તપાસ કરાઇ
સિધ્ધપુર તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા ૧૨૦૮૩ ઘરોમાં સર્વે
કરવામાં આવ્યો હતો. જેમાં ૬૪૧૪૭ લોકોની તપાસ કરવામાં આવી હતી. જેમાં તાવના કેસ ૫૩, શરદીના કેસ ૧૧૬, ખાંસીના ૯૧ કેસ તેમજ
અન્ય બીમારીના ૧૧ કેસ મળી આવતા તમામ આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી હતી.
૪૫૨ પોલીસ જવાનો દ્વારા સિધ્ધપુરને સિલ કરાયું, પોલીસ વડા
પાટણ જિલ્લાના પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે
હાલ તો પાટણ જિલ્લાની અંદર એકમાત્ર સિધ્ધપુર તાલુકામાં જ કોરોના વાયરસ જોવા મળ્યો
છે. જેને લઇ હાલ સિધ્ધપુરમાં ૪૫૨ પોલીસ જવાનો દ્વારા સીલ કરવામાં આવ્યું છે. જેમાં
ડીવાયએસપી ૩, પીઆઇ ૪, પીએસઆઇ ૯, પોલીસ ૧૬૯, જી.એચ.જી.૮૯, જીઆરડી૧૨૪, ટીઆરબી૧૮, એસઆરપી ૨૨ તેમજ
તાલીમાર્થી ૧૪ મળી કુલ ૪૫૨ પોલીસ જવાનો ફરજ બજાવી રહ્યા છે.