Updated: Nov 23rd, 2022
અમદાવાદ,તા.23 નવેમ્બર 2022,બુધવાર
બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં આજે એક ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે સંગ્રહ કરેલા ૪૫ જેટલા રસોઇ ગેસ સિલિન્ડરોનો જથ્થો ઝડપાતાં સમગ્ર પંથકમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. ઝડપાયેલા આ ૪૫ બાટલાઓમાંથી મોટાભાગના બાટલાઓમાં ત્રણથી સાત કિલો જેટલો ગેસ ઓછો હોવાનો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો હતો. આ અંગે સ્થાનિક મામલતદાર અને પોલીસે સ્થળ પર ટીમો મોકલી ગુનો દાખલ કરવા સહિતના મુદ્દે વધુ તજવીજ હાથ ધરી છે.
પકડાયેલા બાટલાઓમાં ત્રણથી સાત કિલો ગેસ ઓછો હોવાનો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો
બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં આજે ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના દસથી વધુ કાર્યકરોએ એક ગોડાઉનમાં છાપો મારતા ગેરકાયદેસર રીતે સંગ્રહ કરેલા ૪૫ જેટલા રસોઇ ગેસ સિલિન્ડરોનો જથ્થો ઝડપાયા હતા. ગ્રાહક સુરક્ષાના કાર્યકરોએ જે મોટર, મશીન મારફતે ગેસ ચોરી કરાતી હતી તે મુદ્દામાલ, ગેસના બાટલાઓ, કૌભાંડની સ્થળની જગ્યા સહિતના પુરાવાનાઆની વીડિયોગ્રાફી પણ કરી લીધી હતી. ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ તરફથી જણાવાયું કે, ઝડપાયેલા આ ૪૫ બાટલાઓમાંથી મોટાભાગના બાટલાઓમાં છથી સાત કિલો જેટલો ગેસ ઓછો હોવાનો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો હતો. નિયમ મુજબ, રસોઇ ગેસ સિલિન્ડરમાં ૧૪.૨૦૦ કિલોગ્રામ વજનનો ગેસનો જથ્થો આવે છે, તેમાં ત્રણ થી સાત કિલો ગેસનો જથ્થો હોય એ બહુ મોટુ કૌભાંડ કહેવાય. અમદાવાદ શહેર-જિલ્લા સહિત રાજયભરમાં રસોઇ ગેસના બાટલાઓમાંથી રાજયવ્પાપી કૌભાંડ ચાલી રહ્યું છે. ભૂતકાળમાં પણ અનેકવાર આ મામલે સરકારના ઉચ્ચ સત્તાધીશો સમક્ષ વારંવાર રજૂઆત કરાઇ હોવાછતાં હજુ સુધી કોઇ પગલાં લેવાયા નથી. આ અંગે સ્થાનિક મામલતદાર, પોલીસ સહિતના સત્તાધીશોને જાણ કરી કૌભાંડની ન્યાયી તપાસ કરવા માંગ પણ કરાઇ છે.
સુપ્રીમકોર્ટનો ચુકાદો-સરકારી પરિપત્રો કાગળ પર
કેન્દ્ર સરકારની ઓઇલ કંપનીઓ અને સરકારના અન્ન અને નાગરિક પુરવઠા તથા ગ્રાહક બાાબતોના વિભાગના રસોઇ ગેસના જથ્થા અને ગેરકાયદે વેચાણ પર પ્રતિબંંધ અંગેના પરિપત્રો કાગળ પર જ રહી ગયા છે. ખુદ સુપ્રીમકોર્ટે પણ જાહેરહિતની રિટમાં ગ્રાહકોની નજર સામે જ બાટલો તોલીને આપવા હુકમ કર્યો છે, છતાં તેનું પાલન થતુ નથી.
કાળાબજારમાં બાટલો પંદરસોથી બે હજારમાં વેચાય છે
રસોઇ ગેસની ચોરી કરી બીજા બાટલાઓ ભરી આવા કૌભાંડી તત્વો દ્વારા કાળાબજારમાં ગેસનો બાટલો પંદરસોથી બે હજાર રૂપિયામાં વેચાય છે. હોટલ-રેસ્ટોરન્ટ, કેટરીંગરનું કામ કરતા કે જરૂરિયાતવાળા લોકોને તગડા ભાવે આવા તત્વો કાળાબજારમાં બાટલા વેચી મારતા હોય છે.