બનાસકાંઠા મેડિકલના 25 વિદ્યાર્થીઓ કર્ણાટકમાં ફસાયા
- વિદ્યાર્થીઓએ વિડિયો વાયરલ કરી મુખ્યમંત્રી પાસે મદદ માંગી
- કોલેજ કેન્ટીન સહિત હોટલો બંધ હોવાથી વિદ્યાર્થીઓ પારાવાર હાલાકીમાં મુકાયા
પાલનપુર તા.29 માર્ચ 2020, રવિવાર
બનાસકાંઠા જિલ્લાના ૨૫ જેટલા મેડિકલના વિદ્યાર્થીઓ લોક
ડાઉનને કર્ણાટકમાં ફસાયા છે. જ્યાં મેડિકલ કોલેજનું કેન્ટીન તેમજ હોટલ રેસ્ટોરન્ટ
બંધ હોઇ આ વિદ્યાર્થીઓને ભોજનને લઇ ભારે તકલીફ પડતી હોય તેમને વિડિયોના માધ્યમથી
રાજ્યના મુખ્યમંત્રી પાસે મદદની માંગ કરી છે. વળી તેમના પરિવારજનો ચિંતામાં મુકાયા
છે.
કોરોના સંક્રમણના વઘતા જતા પ્રકોપને લઇ દેશભરમાં ૨૧ દિવસનું
લોક ડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેને લઇ હવાઇ ટ્રેન સહિત વાહન વ્યહવાર સેવા બંધ
કરી દેવાઇ છે. ત્યારે કર્ણાટકના દાવનગર જિલ્લામાં મેડિકલનો અભ્યાસ કરતા ૨૫ જેટલા
વિદ્યાર્થીઓની ફલાઇટ રદ થતા આ વિદ્યાર્થીઓ લોક ડાઉન વચ્ચે કર્ણાટકમાં ફસાયા છે.
જેને લઇ તેંમના પરિવારજનો ચિંતિત બન્યા છે. ત્યારે કર્ણાટકમાં ફસાયેલા
વિદ્યાર્થીઓએ વિડિયોના માધ્યમથી ગુજરાતના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી
અને બનાસકાંઠા સાંસદ પાસે મદદ કરવાની અપીલ કરી છે. આ વિદ્યાર્થીઓ એ વિડિયો
માધ્યમથી જણાવ્યું છે કે લોક ડાઉનને લઇ મેડિકલ કોલેજની કેન્ટીન તેમજ બજાર બંધ હોઇ
કોઇ ખાણી પીણીની ચીજ વસ્તુ મળતી ન હોઇ તેમને ખાવા પીવાની ખુબ જ તકલીફ વેઠવી પડી
રહી હોય તેમને તાત્કાલિક મદદ કરવાની માંગ કરી છે.