મુંબઇથી ભેંસોની ટ્રકમાં છુપાઇને આવતા16 લોકોને શેલ્ટરહોમમાં મોકલાયા
- ધારેવાડા બોર્ડર ચેકીંગ દરમિયાન
- લોકડાઉનનો ભંગ કરી ગુજરાતમાં પ્રવેશ કરવા નિતનવા નુસ્ખા અપનાવતા લોકો સામે પોલીસ સખત બની
છાપી તા. 24 એપ્રિલ,
2020, શુક્રવાર
કોરોના મહામારી સામે કેન્દ્ર સરકાર દ્વારા ૩ મેં
સુધી લોકડાઉન જાહેર કરવા છતાં લોકો લોકડાઉનનો ભંગ કરી ચોરી છુપીથી એક રાજ્યથી બીજા
રાજ્યમાં મોટી સંખ્યામાં અવરજવર કરતા હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે
બનાસકાંઠાની ધારેવાડા બોર્ડર ઉપર મુંબઇથી ભેંસો ભરી આવતી ટ્રકમાં છુપાઇને આવતાં ૧૪
લોકોને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા ખળભળાટ મચી ગયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ કોરોના મહામારી અંતર્ગત તમામ
જિલ્લાઓની સરહદો સીલ કરવા સાથે બોર્ડરો ઉપર તંત્ર દ્વારા સખત પોલીસ બંદોબસ્ત
ગોઠવવામાં આવ્યો છે. દરમિયાન બનાસકાંઠાના છાપી પોલીસની હદમાં અને પાટણ જિલ્લાને
અડીને આવેલ ધારેવાડા ચેકપોસ્ટ ઉપર સિધ્ધપુર તરફથી આવતી એક ટ્રક પો.હેડ.કોન્સ્ટેબલ
પ્રવીણસિંહ,
યાજ્ઞિાકભાઇ તથા વનાજી એ ઉભી રખાવી તલાશી લેતા ટ્રકના
પાછળના ભાગે ભેંસો ભરેલ હતી. જ્યારે કનતાણનું પાટેશન કરેલ એક ભાગમાંથી ૧૪લોકો ચોરી
છુપીથી બનાસકાંઠામાં પ્રવેશ કરવાની ફિરાક કરતા મળી આવ્યા હતા. આ તમામની પુછપરછ
કરતા તેઓ મુંબઇથી વતન આવી રહ્યા હતા. જેથી પોલીસે ટ્રકના ચાલક તેમજ કલીનર સહિત કુલ
૧૬ લોકો સામે લોકડાઉન તેમજ સોશિયલ ડિસ્ટનસિંગનો ભંગનો ગુનો નોંધી વધુ કાર્યવાહી
હાથ ધરી હતી. આ અંગે છાપી પીએસઆઇ એલ.પી.રાણા એ જણાવ્યું હતું. કે મુંબઇ થી ભેંસોની
ટ્રકમાં છુપાઇને આવતા લોકો વડગામ તાલુકાના વિવિધ ગામોના રહેવાસી છે. અને તેઓ
લોકડાઉનનો ભંગ કરીને આવ્યા હતા. જેથી આ તમામ ૧૬ લોકો સામે કાર્યવાહી હાથ ધરી
હોવાનું જણાવ્યું હતું જોકે લોકડાઉનનો ભંગ કરી ટ્રકોમાં છુપાઇને આવતા લોકો પોલીસ
ચેકીંગ દરમિયાન ઝડપાઇ જતાં પંથકમાં ખળભળાટ મચી ગયો હતો.
તમામને શેલ્ટરહોમમાં રખાયા
ભેંસોની ટ્રકમાં છુપાઇને વડગામ તાલુકાના વિવિધ
ગામોમાં પ્રવેશ કરે તે પૂર્વે બોર્ડર ઉપર ઝડપાયેલા તમામ ૧૬ લોકોની મેડિકલ તપાસ કરી
વડગામ તાલુકાના વિવિધ ગામોમાં શેલ્ટરહોમમાં ૧૪ દિવસ સુધી રાખવાની તજવીજ હાથ ધરી
હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.
બનાસકાંઠાના તમામ માર્ગો શીલ કરવા માંગ
કોરોના કહેર વચ્ચે બનાસકાંઠા સહિત વડગામ તાલુકાના
વિવિધ ગામોમાં મોડી રાત્રે મુંબઇ સહિતના શહેરોમાં વસતા લોકો મોટી સંખ્યામાં પ્રવેશ
કર્યા ના અહેવાલો સાંપડી રહ્યા છે. જેથી ધારેવાડા બોર્ડર સહિત તેની આસપાસના
વિસ્તારોમાંથી પસાર થતાં માર્ગો ઉપર સખત બંદોબસ્ત ગોઠવવા માંગ ઉઠી છે.