દાંતીવાડા, તા. ૧૬ નવેમ્બર ૨૦૧૮, શુક્રવાર
બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોના જીવાદોરી સમાન દાંતીવાડા
અને સિપુ ડેમમાં ચોમાસામાં નહિવત વરસાદ થતા પાણીની આવક ન થતાં બંને ડેમો ખાલીખમ થવાના
આરે પહોંચ્યા છે. દાંતીવાડા ડેમમાં માત્ર ૧૧ ટકા અને સિપુ ડેમમાં માત્ર ૨૪ ટકા જ પાણીનો
જથ્થો બચ્યો છે. જેને કારણે પંથકના ખેડૂતોને માથે પાણીનું વિકટ સંકટ છવાયું છે.
બનાસકાંઠા જિલ્લામાં વરસાદ નહિવત થતા ખેડૂતોની હાલત કફોડી થઈ છે અને ખેેતી માટે કપરા એંધાણ જોવાઈ રહ્યા છે. એક તરફ ગત વર્ષે વરસાદ વધાર ેપડતા ખેડૂતોના જીવાદોરી સમાન દાંતીવાડા અને સિપુ ડેમમાં પાણીની આવક થઈ હતી.
જેને લઈને કેડૂતોને પિયત માટે ડેમમાંથી પાણી મળતા ખેડૂતોએ બે સીઝનમાં સિંચાઈ દ્વારા પાણીનો લાભ લીધો હતો. જ્યારે ચાલુ વર્ષે તાલુકામાં વરસાદ નહિવત પડતા ખેડૂતોની હાલત કફોડી બની રહી છે.
જેના
કારણે દાંતીવાડામાં બંને ડેમ આવેલા હોવા છતાં પણ ડેમના ઉપરવાસમાં હાલથી જ પાણીના તળ
ઉંડા જઈ રહ્યા છે. જેના લીધે કેટલાય ખેડૂતોના બોર-કૂવા પાણી વગર બંધ થવાના આરે પહોંચ્યા
છે.
સરકાર દ્વારા ખેડૂતોને હથેળીમાં ચાંદ બતાવી મોટા મોટા બણગા ફુંકી ખેડૂતો માટે જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાં પાણી નાખવા કરોડો રૃપિયાના ખર્ચે નર્મદા જુથ યોજનાની પાઈપલાઈન નાખવામાં આવી હતી.
પરંતુ વર્ષો વીતવા છતાં પણ આ
પાઈપલાઈનમાં પાણી આવ્યું નથી જેના લીધે કરોડો રૃપિયાનો ધુમાડો કરી નાખેલી પાઈપલાઈન
ધૂળ ખાઈ રહી છે. જેના કારણે ખેડૂતો પણ સરકાર સામે આક્રોશ ઠાલવી રહ્યા છે.
ખેડૂતોના જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાં ૧૧ ટકા અને સિપુ ડેમમાં ૨૪ ટકા જેટલું પાણી બાકી રહ્યું છે. આ વર્ષે ખેતીના પાણી માટે ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
ચાલુ સાલે ચોમાસામાં વરસાદ બિલકુલ નહિવત થતા દાંતીવાડા
અને સિપુ ડેમમાં પાણીની આવક થઈ જ નથી. જેના લીધે ડેમ ખાલી રહેતા આજુબાજુના ગામડાના
પાણીના તળ ઉંડા જઈ રહ્યા છે. જેથી ખેડૂતોને ભારે ચિંતા થઈ રહી છે.
દંતીવાડા ડેમનું પાણી પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં સિંચાઈ
માટે આપવામાં આવે છે તેમજ પાલનપુર અને ડીસા તાલુકાના ૯૨ ગામો તથા સિપુ ડેમમાંથી અંદાજીત
૪૦ જેટલા ગામોમાં પીવાનું પાણી પુરું પાડવામાં આવે છે.
શિયાળાની શરૃઆતમાં આવા હાલ તો ઉનાળામાં શું થશે ?
દાંતીવાડા ડેમમાં પાણીનો જથ્થો નહિવત હોવાથી ખેડૂતોને સિંચાઈનું પાણી આપવામાં આવશે નહીં. હાલમાં પીવા માટે મર્યાદિત પાણીનો જથ્થો છે, પરંતુ હજુ તો શિયાળાની શરૃઆત જ છે ત્યારે ઉનાળામાં અમુક ટકા પાણી બાષ્પીભવન થઈને ઉડી જતું હોય છે. તેમજ સિપુ ડેમમાં ૨૦ જેટલા ગામોમાં સિંચાઈનું પાણી પુરું પાડવામાં આવે છે.
જેમાં એક પાણી પિયત માટે આપવામાં આવ્યું છે અને બીજા ત્રણ પાણી પિયત માટે આપી શકાય
તેટલું પાણી છે ત્યારે હવે ઉનાળા માટે કેટલું પાણી બચી શકે છે તે આવનાર સમય જ બતાવશે.
વરસાદ ઓછો અને સરકારની અણઆવડત
અગાઉની સાલે સિપુ ડેમ ઓવરફ્લો થતા આજુબાજુના ગામોમાં
પાણીના તળ ઉંચા આવ્યા હતા. પરંતુ ચાલુ સાલે વરસાદ ના થાય તો પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં
પાણીની ઉનાળામાં વિકટ પરિસ્થિતિ સર્જાઈ શકે છે. જેથી ખેડૂતો ચિંતિત છે.


