Gujarat

17માંથી 10 વ્યક્તિને ફેસીલીટીમાં અને 7 હોમ કોરેન્ટાઈન હેઠળ

By GS Team
3 Apr 20201 min read
This article was originally published on 3 Apr 2020
17માંથી 10 વ્યક્તિને ફેસીલીટીમાં અને 7 હોમ કોરેન્ટાઈન હેઠળ

પાલનપુર, તા. 02 એપ્રિલ 2020, ગુરૂવાર

વિશ્વભરમાં કોરોનાના કહેર વચ્ચે રાજધાની દિલ્હીના નિજામુદ્દિન ખાતે તબલિગી જમાતમાં કોરોના સંક્રમણને લઈ ૧૦ લોકોના મોત નિપજતા તેમને અનેક લોકોને કોરોના પોઝિટિવમાં સપડાતા દેશભરમાં ભયનો માહોલ છવાયો છે. જોકે તબલિગીમાંથી ૮૦૦ જેટલા લોકો નીકળી ગયા હોય તેમની સઘન શોધખોળ શરૃ કરાઈ છે. તેવામાં બનાસકાંઠા જિલ્લાના ૧૭ લોકો દિલ્હીથી પરત ફર્યા હોવાનો મેસેજ છુટતા જિલ્લાનું આરોગ્ય અને પોલીસ તંત્ર સાબદુ બન્યું છે અને કોરોના સંક્રમણને રોકવા માટે દિલ્હીથી પરત ફરેલા ૧૭ લોકોની ભાળ મેળવીને તેમને કોરેન્ટાઈનમાં રખાયા છે.

કોરોના વાઈરસના વધતા જતા પ્રકોપ વચ્ચે દિલ્હી તબલિગી જમાત કોરોનાને લઈ ૧૦ના મોત અને અનેક લોકોને સંક્રમણ થવાની ઘટનાએ દેશભરમાં હડકંપ મચાવ્યો છે. જેમાં બનાસકાંઠા જિલ્લાના ૧૭ લોકોના લોકેશન દિલ્હીથી મળી આવતા જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ બન્યું હતું અને દિલ્હીથી પરત ફરેલા લોકોને લઈ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ફેલાય નહીં તે માટે તાત્કાલિક આ લોકોની ભાળ મેળવી લેવાઈ હતી. જેમાં ૧૦ને સરકારી ફેસિલિટી કોરોન્ટાઈનમાં અને ૭ને હોમ કોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે. જોકે આરોગ્ય વિભાગની નિગરાનીમાં આ લોકોને જો કોરોનાના લક્ષણ જણાશે તો તેમનો તાત્કાલિક રીપોર્ટ કરાવવામાં આવશે. જોકે કોરોનાના ફફડાટ વચ્ચે ભાભરમાં પણ રાજસ્થાનથી લક્ઝરી મારફતે આવેલ ૧૩ વ્યક્તિઓને આરોગ્ય વિભાગ દ્વારા ફેસેલિટી કોરેન્ટાઈનમાં રખાયા છે. જ્યાં તેમનું ચેકઅપ કરવામાં આવી રહ્યું છે.