પાલનપુરમાં નવજાત બાળકીને વેચવાની હિલચાલનો પર્દાફાશ,1ની ધરપકડ
- ૧૮૧ અભયમની ટીમે એક શખસના કબજામાંથી બાળકીને મુક્ત કરાવી
- અજાણી પંદર દિવસની બાળકીને બાળ શિશુગૃહમાં રખાઈ, બનાવની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે તો સમગ્ર રેકેટનો પર્દાફાશ થવાની શક્યતા
પાલનપુર, તા. 26
મે 2020, મંગળવાર
પાલનપુરમાં
એક શખસ દ્વારા પંદર દિવસની બાળકીને વેચવાની હિલચાલનો કિસ્સો સામે આવતા
ચકચાર મચી જવા પામી છે. શહેરના કુબેરનગર વિસ્તારમાં રહેતા એક શખસે પંદર દિવસની
બાળકીને છેલ્લા પંદરેક દિવસથી પોતાના ઘરે ગોંધી રાખી હતી અને આ બાળકીને અન્ય
દંપતીને આપવાનો સોદો કર્યો હતો. જેને લઈ દંપતી બાળકીને લેવા આવતા આ શખસે બાળકીને
સોંપવાનો ઈન્કાર કર્યો હતો. જેને લઈ ૧૮૧ અભયમની ટીમને જાણ કરવામાં આવતા બાળકીને
વેચવાની હિલચાલનો પર્દાફાશ થયો હતો. જેમાં બાળકીને શખસના કબજામાંથી મુક્ત કરાવી
તેને શિશુ ગૃહમાં મુકવામાં આવી છે અને બનાવની તપાસ શરૃ કરવામાં આવી છે.
લોકો નિઃસંતાનપણું દૂર કરવા માટે બાધા, આખડી, દોરા
ધાગા કરાવવાની સાથે પથ્થર એટલા દેવ પૂજે છે. તો બીજી બાજુ કેટલીક નિષ્ઠુર મહિલાઓ
પોતાનું પાપ છુપાવવા તેમજ નાણાંની લાલચમાં આવી પોતાના નવજાત શિશુઓને ત્યજી તેમને
વેચી મારવાનું જઘન્ય પાપ કરતા અચકાતા નથી ત્યાર ેહાલના લોકડાઉનમાં સમાજ માટે
લાલબત્તી સમાન એક બાળકીને વેચી મારવાનો કિસ્સો પાલનપુરમાં સામે આવ્યો છે. જેમાં
શહેરના કુબેરનગર વિસ્તારમાં રહેતા અને કડિયા કામ કરતા એક શખસ દ્વારા છેલ્લા પંદરેક
દિવસથી તેના કબજામા ંરહેલી એક ૧૫ દિવસની બાળકીને શહેરના અન્ય પરિવારને વેચવાનો
સોદો કર્યો હતો. જોકે આ પરિવાર બાળકીનો કબજો લેવા આવતા તેને બાળકી આપવાની ના પાડતા
બનાવ અંગે ૧૮૧ અભયમને જાણ કરવામાં આવતા અભયમની ટીમ દ્વારા બાળકીનો કબજો મેળવી
દેવામાં આવ્યો હતો અને બાળકીને શહેરના શિશુ ગૃહમાં મોકલી અપાઈ હતી. જોકે બાળકીને
પોતાની પાસે રાખનાર શખસે પોતાનો બચાવ કરતા જણાવ્યું હતું કે હું જ્યાં કામ કરતો
હતો ત્યાં ૧૫ દિવ પહેલા એક અજાણ્યા માજી તેને બાળકીને આપી ગયા હતા. જોકે આ શખસની
શંકાસ્પદ હિલચાલ જણાતા અને સમગ્ર ઘટનામાં કંઈક અજુગતું થયું હોવાનું લાગતા ૧૮૧ની
અભયમ ટીમ દ્વારા બાળકીનો કબજો લઈ ચાઈલ્ડ પ્રોટેક્શન હોમમાં સોંપવામાં આવી છે અને
બાળકીને વેચવાની હિલચાલ કરવા બદલ આ શખસ વિરુધ્ધ ધોરણસરની કાર્યવાહી કરવા તપાસ શરૃ
કરવામાં આવી છે.
પોલીસ તપાસ થયા પછી સત્ય બહાર આવવાની સંભાવના
છેલ્લા પંદર દિવસથી માસુમ બાળકીને પોતાની પાસે
રાખીને બાદમાં તેને વેચવાની હિલચાલ કરનાર શખસ સામે જો પોલીસ દ્વારા કડક તપાસ થાય
તો બાળકીના માતાપિતા કોણ છે અને આ શખસને બાળકી આપી જનાર અજાણી વૃધ્ધાનો પર્દાફાશ
થવાની સાથે આ ઘટનામાં બાળ તસ્કરી તો જોડાયેલી નથી ને તેની વિગતો બહાર આવી શકે તેમ
છે.
અઢી કિલો વજન ધરાવતી બાળકી તંદુરસ્ત હાલતમાં
પાલનપુર ચાઈલ્ડ પ્રોટેક્શન હોમના મેનેજર અરવિંદભાઈ
પ્રજાપતિએ જણાવ્યું હતું કે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન દ્વારા એક બાળકીને શિશુ
ગૃહમાં લાવવામાં આવી છે. જેની પ્રાથમિક
સારવારમાં તે અઢી કિલો વજન ધરાવે છે અને હાલ તંદુરસ્ત છે.
૧૮૧ની ટીમે પરિવારમાં કબજામાંથી બાળકીને મુક્ત કરાવી
પાલનપુર ૧૮૧ મહિલા અભયમ કાઉન્સેલર જીનલબેને જણાવ્યું
હતું કે કુબેરનગરમાં એક શખસ પાસે પંદર દિવસની અજાણી બાળકી હોવાની ફરિયાદ મળતા અમો
ત્યાં દોડી ગયા હતા. જ્યાં બાળકીના માતાપિતા કોણ છે તે અંગે પુછતા શખસ દ્વારા જવાબ
આપવામાં ગલ્લાતલ્લા કરવામાં આવતા બાળકીનો કબજો મેળવી દેવામાં આવ્યો છે અને તેને
શિશુ ગૃહમાં રખાઈ છે.