Get The App

સૂર્ય દેવ જ નહીં પણ રવિવારે આ દેવી-દેવતાની પૂજા કરવાથી દરેક મનોકામના થાય છે પૂર્ણ

Updated: Aug 31st, 2025

GS TEAM

Google News
Google News
સૂર્ય દેવ જ નહીં પણ રવિવારે આ દેવી-દેવતાની પૂજા કરવાથી દરેક મનોકામના થાય છે પૂર્ણ 1 - image


Raviwar Pujan Vidhi: સનાતન ધર્મ અને આધ્યાત્મિકતાની દ્રષ્ટિએ રવિવારનું વિશેષ મહત્વ છે. આ દિવસે સૂર્યદેવને પ્રત્યક્ષ દેવતા માનીને જળ અર્પણ કરવાની પરંપરા છે, જેનાથી જીવનમાં ઉર્જા, આરોગ્ય અને માન-સન્માનનો સંચાર થાય છે. આ ઉપરાંત આ દિવસ ભગવાન વિષ્ણુ, માતા દુર્ગા અને ભૈરવ બાબાની પૂજા માટે પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે દેવીની ઉપાસના કરવાથી ભક્તને શક્તિ, સમૃદ્ધિ અને ઈચ્છાપૂર્તિના આશીર્વાદ મળે છે. જ્યારે ભૈરવની આરાધના કરવાથી ભય, શત્રુ અને અવરોધો દૂર થાય છે. ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી જીવનમાં સુખ-શાંતિ બની રહે છે અને માતા લક્ષ્મીની કૃપા બની રહે છે.

કેવી રીતે કરવી સૂર્ય દેવની પૂજા?

શાસ્ત્રોમાં સૂર્ય દેવને પ્રત્યક્ષ દેવતા કહેવામાં આવ્યા છે કારણ કે તેઓ દરરોજ દેખાય છે. તેમના પ્રકાશના કારણે જ પૃથ્વી પર ઉર્જા, આરોગ્ય અને જીવનનો સંચાર થાય છે. જ્યોતિષશાસ્ત્રમાં પણ સૂર્યને આત્મા, ઉર્જા, શક્તિ અને માન-સન્માનનો કારક માનવામાં આવે છે. એવી માન્યતા છે કે, રવિવારે સૂર્ય દેવની પૂજા કરવાથી માનસિક અને શારીરિક શક્તિ મળે છે. આ સાથે જ મનમાંથી નકારાત્મકતા દૂર થાય છે અને જીવનમાં સકારાત્મકતા આવે છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે જો કોઈ વ્યક્તિની કુંડળીમાં સૂર્ય નબળો હોય અથવા સૂર્ય દોષ હોય તો રવિવારે સૂર્યપૂજન અને ઉપાયો કરવા જોઈએ.

રવિવારે સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન કરવું અને સ્વચ્છ લાલ વસ્ત્ર ધારણ કરવા. ત્યારબાદ તાંબાના કળશમાં શુદ્ધ પાણી લઈને તેમાં લાલ રોલી, લાલ ફૂલો અને આખા ચોખાના દાણા ઉમેરો. સૂર્યોદય સમયે સૂર્ય તરફ મુખ કરીને ઊભા રહો અને બંને હાથથી કળશ પકડીને, તેને તમારા માથા ઉપર ઉંચુ કરો અને ધીમે ધીમે પાણી નીચે રેડો. પાણીના પ્રવાહથી સૂર્યના કિરણો જોવાનું શુભ માનવામાં આવે છે. આ રીતે સૂર્યને પાણી અર્પણ કરવાથી તેમની કૃપા તમારા પર બની રહે છે.

દેવી દુર્ગા અને ભૈરવની પૂજા કેવી રીતે કરવી?

રવિવારે દેવી દુર્ગા અને ભૈરવની પણ પૂજા કરવામાં આવે છે. આ દિવસે દેવી દુર્ગાની વિધિ-વિધાનથી પૂજા કરવાથી જાતકને માનસિક શાંતિ અને ભરપૂર આત્મવિશ્વાસ મળે છે. ઘરના મંદિરમાં દેવી દુર્ગાની મૂર્તિ સામે ઘીનો દીવો પ્રગટાવો. દેવીને લાલ વસ્ત્ર, સિંદૂર, લાલ ફૂલ, ચોખા, દીવો, ધૂપ, અગરબત્તી, કપૂર, ઘી, મીઠાઈ અને ફળ અર્પણ કરો. દેવીને શ્રૃંગાર સામગ્રી અર્પણ કરો. ત્યારબાદ દુર્ગા સપ્તશતીનો પાઠ કરો. પછી દેવીને તમારી સમસ્યાઓના ઉકેલ માટે પ્રાર્થના કરો.

દેવી દુર્ગાની પૂજા ભૈરવ વિના અધૂરી છે. ભૈરવ ભગવાન શિવનું જ એક ઉગ્ર સ્વરૂપ છે. તેઓ કાળના અધિપતિ છે અને સાધકનું રક્ષણ કરનાર દેવ છે. રવિવારે ભગવાન ભૈરવની પૂજા કરવાથી વ્યક્તિના તમામ અવરોધો દૂર થાય છે. દેવી દુર્ગાની પૂજા કર્યા પછી ભૈરવ બાબાને કાળા કે લાલ વસ્ત્ર, સરસવનું તેલ, કાળા તલ, અડદની દાળ, મીઠાઈ, ધૂપ, અગરબત્તી, કપૂર વગેરે અર્પણ કરો. ત્યારબાદ કાળા કૂતરાને રાંધેલો ખોરાક અથવા પ્રસાદ ખવડાવો.

ભગવાન વિષ્ણુની પૂજા કેવી રીતે કરવી?

રવિવારે ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું પણ ખાસ મહત્વ છે. આ દિવસે ભગવાનની સામે દીવો પ્રગટાવો અને તેમના પર પીળા ચંદનનું તિલક લગાવો. શ્રી હરિને પીળા ફૂલ, ફળો, મીઠાઈ અર્પણ કરો અને ધૂપ કરી દીપક પ્રગટાવો. ધ્યાનમાં રાખો કે, તુલસીના પાન વિના ભગવાન વિષ્ણુની પૂજા અધૂરી માનવામાં આવે છે. તેથી તેમને તુલસીના પાન અર્પણ કરો. પૂજા પછી વિષ્ણુજીની આરતી અથવા 'ॐ નમો ભગવતે વાસુદેવાય નમઃ' મંત્રનો જાપ કરો. તમે વિષ્ણુ સહસ્ત્રનામ અથવા નારાયણ કવચનો પણ પાઠ કરી શકો છો. વિષ્ણુની પૂજા કરવાથી તમને શ્રી હરિનો આશીર્વાદ જ નહીં, પણ માતા લક્ષ્મીની કૃપા બની રહેશે. 

Tags :