નવી દિલ્હી, તા. 20 માર્ચ 2021, શનિવાર
ક્યારેક છત પર તો ક્યારેક ઘર આંગણે નાની નાની ચકલીઓની સંખ્યામાં દિવસેને દિવસે ઘટાડો થઇ રહ્યો છે. એવામાં ચકલીઓના સંરક્ષણ માટે પ્રત્યેક વર્ષ વિશ્વ સ્તરે 'વિશ્વ ચકલી દિવસ' મનાવવામાં આવે છે. જેથી લોકોમાં આ નાનકડી ચકલીઓ પ્રત્યે જાગરૂત કરી શકાય. પરંતુ તમને જાણીને નવાઇ લાગશે કે ચકલી ઘરના વાસ્તુ સાથે પણ સંબંધ ધરાવે છે. જાણો, કેવી રીતે ચકલીઓ ઘરનું વાસ્તુ સુધારી દે છે...
ચકલીઓનું આપણા જીવનમાં કેટલું મહત્ત્વપૂર્ણ સ્થાન છે. આ તો આપણે બધા જાણીએ છીએ પરંતુ શું તમે જાણો છો કે રાજા દશરથના ઘરમાં ચકલીઓના માળાનું વર્ણન મળી આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જો ઘરમાં ઉત્તર દિશા અને ઇશાન કોણમાં ચકલી પોતાનો માળો બનાવે તો આ અત્યંત શુભ હોય છે. તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે અને પારિવારિક મુશ્કેલીઓ પણ ધીમે ધીમે દૂર થવા લાગે છે.
પક્ષી વિજ્ઞાનના જનક ગૌતમ ઋષિ અનુસાર જો કોઇ જગ્યા પર ચકલીનો માળો હોય તો આ અત્યંત શુભ સંકેત માનવામાં આવે છે. કહેવાય છે કે તેનાથી 10 પ્રકારના વાસ્તુદોષ દૂર થઇ જાય છે. માન્યતા છે કે મહાભારત કાળમાં મહારાણી કુંતીના મહેલમાં પણ ચકલીનો માળો હતો.
વાસ્તુશાસ્ત્ર અનુસાર ચકલીનું ઘરમાં આવવું ખૂબ જ શુભ હોય છે. તેના આવવાથી જીવનમાં મધુરતા આવે છે. કાર્યમાં આવતી અડચણો દૂર થવા લાગે છે. કાર્યક્ષેત્રમાં સફળતા મળે છે. ચકલીઓનું સવાર-સવારમાં દેખાવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. કહેવાય છે જે વ્યક્તિ ચકલી જોઇ જાય છે તેનો આખો દિવસ શુભ થઇ જાય છે. તેને દરેક કાર્યમાં સફળતા મળે છે.


