શ્રીકૃષ્ણને બચાવવા માટે પોતે ગરીબ થઈ ગયા હતા સુદામા
- જાણો... તેની પાછળનું રહસ્ય
અમદાવાદ, તા, 1 ઓગસ્ટ 2018 બુધવાર
તમે કોઈને મોટી વ્યક્તિ ક્યારે કહો છો ? સામાન્ય વાત છે કે લોકોએ મોટા થવાની પરિભાષાને પૈસાદાર અને સમૃદ્ધિ સાથે જોડી દીધી છે. જેની પાસે જેટલાં પૈસા હોય તે એટલો જ મોટો વ્યક્તિ હોય છે.
ભૌતિક દુનિયાનું આ સત્ય છે, પરંતુ આધ્યાત્મિક દુનિયાની વાત કરીએ તો પ્રેમ, કરૂણા, દયા કમાવનાર વ્યક્તિ સંસારમાં સૌથી વધારે પૈસાદાર વ્યક્તિ છે. પૌરાણિક કથાઓમાં આવો એક પ્રસંગ છે.
શ્રીકૃષ્ણ અને સુદામાની મિત્રતા. જેમની મિત્રતાએ સંસારને એક નવી પરિભાષા આપી હતી. મિત્રતામાં કોઈ અમીર-ગરીબ, જ્ઞાતિ મહત્વની નથી હોતી, પરંતુ ક્યારેય તમે વિચાર્યું છે કે શ્રીકૃષ્ણના મિત્ર હોવા છતાં સુદામા આટલા ગરીબ કેમ હતા. પૌરાણિક કથા અનુસાર, સુદામાએ જાતે શ્રાપ ગ્રહણ કર્યો હતો.
એક ગરીબ બ્રાહ્મણ સ્ત્રીની કથા
એક બ્રાહ્મણ સ્ત્રી ભગવાન વાસુદેવની ભક્ત હતી. તે પોતાની ઝૂંપડીમાં એક રહેતી હતી. તે એટલી ગરીબ હતી કે ભિક્ષા માંગીને પોતાનું જીવન પસાર કરતી હતી. એક દિવસ તેને 5 દિવસ સુધી ખાવાનું ન મળ્યું. તેને પાણી પી ને અને ભજન ગાઈને પોતાની ભૂખ શાંત કરી.
છઠ્ઠા દિવસે તેને બે મુઠ્ઠી ચણા મળ્યા. તેણે વિચાર્યું કે સવારે પ્રભુ વાસુદેવને ભોગ લગાવીને તે ચણા ગ્રહણ કરશે. તેવુ વિચારીને ચણાને એક પોટલીમાં બાંધીને સૂઈ ગઈ. રાતમાં ચોર તે ઝૂંપડીમાં ઘુસી ગયો. ચોરની નજર પોટલી પર પડી. પોટલી જોઈને તેને લાગ્યું કે આમા ચાંદીના સિક્કા અથવા કોઈ કિંમતી વસ્તુ છે. આવું વિચારીને તે ત્યાંથી પોટલી લઈને ભાગી જાય છે.
ચોર પહોંચ્યો સાંદીપની ઋષિના આશ્રમમાં
ચોર ભાગતો ભાગતો સંદીપની ઋષિના આશ્રમમાં પહોંચ્યો. તેનો અવાજ સાંભળીને ઋષિની પત્ની ઉઠી ગઈ. તેમની પત્નીનો અવાજ સાંભળીને ચોર ડરીને પોટલી છોડીને ભાગી જાય છે. સવારે જ્યારે સાંદીપની ઋષિની પત્ની તે પોટલી ખોલીને જુએ છે તો તેમાં ચણા હોય છે. ગુરુમાતાએ તે પોટલી, જગંલમાં લાકડી કાપવા જઈ રહેલા કૃષ્ણ અને સુદામાને આપી દીધી.
બ્રાહ્મણીએ આપ્યો શ્રાપ
જ્યારે બ્રાહ્મણીની આંખ ખુલી તો તેને ખબર પડી કે કોઈ ચોર તેની પોટલી ચોરીને લઈ ગયો છે. ત્યારે છ દિવસ સુધી ભૂખથી વ્યાકુળ બ્રાહ્મણીએ દુ: ખી મનથી શ્રાપ આપતા કહ્યું કે, જે પણ વ્યક્તિ ચણા ખાશે તેની સ્થિતિ પણ મારા જેવી દરિદ્ર થઈ જશે, અને તેને પણ કેટલાય દિવસો સુધી ભોજન નહીં મળે. સુદામાને ખબર પડી ગઈ હતી કે બ્રાહ્મણ સ્ત્રીનો શ્રાપ છે.
સુદામાની અનુભૂતિ શક્તિ બહુ તીવ્ર હતી. તેમને પોટલી પકડતા જ બ્રાહ્મણીના શ્રાપની અનુભૂતિ થઈ ગઈ એટલે જંગલમાં જ્યારે ભયાનક વાવાઝોડું આવે છે અને શ્રીકૃષ્ણને ભૂખ લાગે છે ત્યારે સુદામા તેમના ભાગનું પણ ખાઈ લે છે, કેમ કે, તે જાણતા હતા કે જો તે ચણા ખાઈ લેશે તો તેમના પરમ મિત્ર કૃષ્ણને પણ બ્રાહ્મણીનો શ્રાપ લાગશે. આ રીતે પોતાની સાચી મિત્રતા નિભાવતા સુદામાએ બ્રાહ્મણીનો શ્રાપ સ્વયં ગ્રહણ કરી લીધો.