Ramzan Special Story : ઇસ્લામ ધર્મમાં રમઝાન માસને અત્યંત પવિત્ર માનવામાં આવે છે. માન્યતા મુજબ, આ માસ દરમિયાન જ પવિત્ર ધર્મગ્રંથ 'કુરાન-એ-શરીફ'નું અવતરણ પયગંબર સાહેબ પર થયું હતું. ઇસ્લામિક પંચાંગ મુજબ રમઝાન એ વર્ષનો 9મો મહિનો છે. આ આખો મહિનો મુસ્લિમ બિરાદરો 'રોઝા' (ઉપવાસ) રાખે છે, જેમાં સૂર્યોદય પહેલાના ભોજનને 'સહરી' અને સૂર્યાસ્ત પછીના ભોજનને 'ઇફતાર' કહેવામાં આવે છે. ઈ.સ. 624થી ઈસ્લામિક કેલેન્ડરની શરૂઆત થઈ હતી અને મુસ્લિમોએ તે પછીના વર્ષથી પવિત્ર રમઝાન માસ ઉજવવાની શરૂઆત કરી. આમ 1400 વર્ષથી ઈસ્લામમાં રમઝાન માસ ની ઉજવણી કરવામાં આવી રહી છે.
ઋતુઓ સાથેનો તફાવત
આપણે જોયું હશે કે દિવાળી હંમેશા ઓક્ટોબર-નવેમ્બરમાં, ઉત્તરાયણ 14 જાન્યુઆરીએ અને હોળી માર્ચ-એપ્રિલમાં જ આવે છે. પરંતુ રમઝાન મહિના માટે આવું નથી. તે ક્યારેક કડકડતી ઠંડીમાં, ક્યારેક ધોમધખતા તાપમાં તો ક્યારેક ચોમાસામાં આવે છે. આ પાછળનું મુખ્ય કારણ ખગોળીય ગણતરી છે.
કેલેન્ડરનું ગણિત: દુનિયામાં મુખ્યત્વે બે પ્રકારના કેલેન્ડર પ્રચલિત છે
સૌર કેલેન્ડર (Solar Calendar): જે પૃથ્વીની સૂર્ય ફરતેની ગતિ પર આધારિત છે (જેમ કે અંગ્રેજી કેલેન્ડર). એક સૌર વર્ષ 365 દિવસનું હોય છે.
ચંદ્ર કેલેન્ડર (Lunar Calendar): જે ચંદ્રની કળા અને ગતિ પર આધારિત છે. એક ચંદ્ર વર્ષ અંદાજે 354 દિવસનું હોય છે.
કેમ આવે છે 11 દિવસનો તફાવત?
સૌર વર્ષ અને ચંદ્ર વર્ષ વચ્ચે અંદાજે 11 દિવસનો તફાવત હોય છે. હિન્દુ પંચાંગ પણ ચંદ્ર પર આધારિત છે, પરંતુ ઋતુઓ સાથે તાલમેલ બેસાડવા માટે તેમાં દર ત્રણ વર્ષે 'અધિક માસ' ઉમેરીને એડજસ્ટમેન્ટ કરવામાં આવે છે. જ્યારે ઇસ્લામિક કેલેન્ડર (હિજરી સન) સંપૂર્ણપણે ચંદ્રની ગતિ પર જ ચાલે છે અને તેમાં કોઈ વધારાનો મહિનો ઉમેરીને એડજસ્ટમેન્ટ કરવામાં આવતું નથી.
આ કારણોસર, રમઝાન મહિનો દર વર્ષે અંગ્રેજી કેલેન્ડર કરતા અંદાજે 10 થી 11 દિવસ વહેલો આવે છે. જો આ વર્ષે રમઝાન 1 માર્ચથી શરૂ થયો હોય, તો આવતા વર્ષે તે ફેબ્રુઆરીના મધ્યમાં શરૂ થશે. અંદાજે 33 વર્ષના ચક્ર પછી રમઝાન મહિનો ફરી એ જ અંગ્રેજી તારીખે આવે છે.
આમ, ઇસ્લામિક કેલેન્ડરની આ વિશેષતાને કારણે દુનિયાભરના મુસ્લિમોને તેમના જીવનકાળ દરમિયાન દરેક ઋતુમાં રોઝા રાખવાનો લ્હાવો મળે છે.


