શા માટે દર ત્રણ વર્ષે આવે છે અધિક માસ? જાણો શું છે તેનું ખગોળીય મહત્વ
ભગવાનને અધિક માસની આપવીતી સાંભળી અને તેને પોતાના શરણે લીધો અને તેને વરદાન આપ્યું છે
અધિકમાસ દરમિયાન ઉપવાસ, પૂજા-પાઠ, દાન અને પુણ્યના કામનું મહત્વ વધી જાય છે
તા. 21 જુલાઈ 2023, શુક્રવાર
અધિક માસ શરુ થઇ ચુક્યો છે અને આપણી પાસ ઘરમાં અડોશ-પડોશમાં રહેતા લોકોએ અધિકમાસના ઉપવાસ અને અન્ય ધાર્મિક કાર્યો કરતાં હશે. ભારતીય કેલેન્ડર પ્રમાણે દર ત્રણ વર્ષે એક અધિક માસ આવે છે. જે વર્ષમાં અધિકમાસ હોય ત્યારે વર્ષમાં 12ની જગ્યાએ 13 મહિના હોય છે ત્યારે આજે આપણે જાણીશું કે એવું તો શું થાય છે કે આપણાં કેલેન્ડરમાં એક કે બે દિવસ નહીં એક આખો મહિનો વધે છે ?
અધિક માસનું ખગોળીય કારણ
અધિક માસ પાછળ ખગોળીય કારણ છે. ભારતીય જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે પંચાંગ ગણના મુજબ એક સૌરવર્ષ 365 દિવસ, 15 ઘડી, 31 પળ અને 10 વિપળનું હોય છે. જ્યારે ચંદ્ર વર્ષ 354 દિવસ, 22 ઘડી, 1 પળ અને 23 વિપળનું હોય છે. આમ સૂર્ય અને ચંદ્ર વર્ષમાં 10 દિવસ, 53 ઘડી, 30 પળ અને 7 વિપળનું અંતર પ્રત્યેક વર્ષે રહી જાય છે. આ રહી જતા દિવસોના કારણે આગળના પંચાંગની ગોઠવણમાં મુશ્કેલ પડી શકે છે આથી આ દિવસોને સમાયોજિત કરવા માટે અધિક માસની વ્યવસ્થા કરવામાં આવી છે.
ચંદ્ર-સૌર પંચાગ અને અધિક માસ
ખરેખર જોવા જઈએ તો ભારતીય કેલેન્ડર એટલે કે ભારતીય પંચાંગ ચંદ્ર-સૌર પંચાંગ છે અર્થાત આપણા પંચાંગની તિથી, ચોઘડિયા, મૂહુર્તો તહેવારો બધું જ સૂર્ય અને ચંદ્રની ગતિ પરથી નક્કી કરવામાં આવે છે. સૂર્ય અને ચંદ્રની ગતિમાં ઘણો તફાવત છે. ચંદ્રની ગતિ પ્રમાણે ચાલતા ચંદ્ર પંચાંગમાં સાડા ઓગણત્રીસ દિવસના 12 મહિના પ્રમાણે જે 354 દિવસ થાય છે તે ચંદ્ર વર્ષ છે અને સૂર્યની ગતિ પ્રમાણે વર્ષના દિવસો 365 થાય છે. આથી આ 10 દિવસ ગણતરીમાં વધી પડે અને આમાં ઘડી પળ અને વિપળનું ગણિત પણ અંદર જોડાય. હવે આપણા જ્યોતિષ શાસ્ત્રીઓ અને ઋષીઓએ સમયનું બહુ સુક્ષ્મ વિભાજન કર્યું છે. જેમાં 24 ઘડી એટલે દિવસ- રાતના ચોવીસ કલાક. 60 પળ એટલે એક ઘડી. એક પળ એટલે 60 વિપળ અને આ સમયના માપ આગળ જતા વધુ સુક્ષ્મ થતા જાય છે જેના આધારે મુહુર્ત, કુંડળીઓ અને ચોઘડિયાનું આયોજન થાય છે. હવે જે 10 દિવસ વધી પડે છે તેની યોગ્ય ગોઠવણ માટે જ્યોતિષ વિદ્વાનોએ દર ત્રણ વર્ષે અધિક માસની ગોઠવણ કરી જેમાં ત્રણ વર્ષના 10-10 દિવસો ભેગા કરી એક મહિનાને પૂરો કરવામાં આવે છે. આ મહિનો જે વર્ષમાં આવે તે વર્ષે 12ની જગ્યાએ 13 મહિના હોય છે અને આ 13માં મહિનાને અધિક માસ કહેવામાં આવે છે. પ્રાચીન પંચાંગ પ્રમાણે દર ત્રણ વર્ષે અધિકમાસ આવે છે અને આધુનિક પંચાંગની ગણતરીઓ પ્રમાણે પાંચ વર્ષમાં બે વખત અધિકમાસની ગોઠવણ કરવાનો શિરસ્તો રાખવામાં આવ્યો છે.
અધિક માસની ધાર્મિક માન્યતાઓ
હવે વાત કરીએ અધિક માસ પાછળના ધાર્મિક કારણની. વર્ષના બાર માસના, દરેક મહિનાના એક અધિષ્ઠાતા દેવ છે એટલે બાર મહિનાઓના બાર અધિષ્ટાતા દેવ છે, પરંતુ આ માસનો કોઈ અધિષ્ઠાતા દેવ નથી. અધિકમાસએ તેરમો મહિનો હોવાથી સાવ જુદો પડી જાય છે આથી અધિક માસને કેટલાક લોકો મળમાસ પણ કહે છે. આ મહિનામાં સૂર્ય-સંક્રાન્તિ થતી નથી તેથી અધિક માસ શુભકાર્યોમાં વર્જિત ગણવામાં આવેલો છે. તેથી આ માસમાં લગ્ન સહિતાના કોઇ પણ શુભકાર્યો કરવામાં આવતા નથી. લોકોની ઉપેક્ષા અને 'મળમાસ' જેવા હલકા સંબોધનોથી અધિક માસને અપાર દુ:ખ થયું અને તે ભગવાન વિષ્ણુંના શરણે ગયો.
અધિક માસને ભગવાને આપ્યું વરદાન
ભગવાનને અધિક માસની આપવીતી સાંભળી અને તેને પોતાના શરણે લીધો અને તેને વરદાન આપ્યું કે, તું મારે શરણે આવ્યો હોવાથી મારો ભક્ત છે. હવેથી તારી કોઈ નિંદા કરશે નહીં અને તારા સમયમાં જે કોઈ પુણ્યદાન કરશે તેને સૌથી અધિક ફળ પ્રાપ્ત થશે. હવેથી તું જગતમાં પુરુષોત્તમ માસના પવિત્ર નામથી પ્રસિદ્ધ થઈશ. આ પ્રમાણે ભગવાનનું શરણ સ્વીકારવાથી ભગવાને તેને પોતાનું 'પુરુષોત્તમ' નામ આપ્યું અને તેઓ તેના અધિષ્ઠાતા દેવ બન્યા. તેથી મળમાસ હવે ધર્મ માસ ગણાવા લાગ્યો અને સર્વમાસ કરતાં તેનું મહાત્મય વધી ગયું. આમ, જે ભગવાનની શરણાગતિ સ્વીકારે છે તેની મહત્તા વધી જાય છે. આથી જ અધિકમાસ દરમિયાન ઉપવાસ, પૂજા-પાઠ, દાન અને પુણ્યના કામનું મહત્વ વધી જાય છે અને અધિક કહેવાતો આ માસ વધારાનો હોવા છતાં મહત્વનો માસ બની જાય છે.
આપણી સંસ્કૃતિમાં આપણા ઋષિમુનીઓ, પુર્વજો અને ઘણા જ્ઞાની માણસોએ સાથે મળીને રીત-રીવાજોનું સુંદર આયોજન કર્યું છે. આપણા રીત-રીવાજો અને તહેવારોમાં આવતી દરેક નાનામાં નાની વાત પાછળ પણ કોઈ યોગ્ય કારણ હોય છે. જરૂર હોય છે માત્ર એ કારણ જાણવાની.